કૃષ્ણદાસ : મીરજાપુરનિવાસી કૃષ્ણદાસ માધુર્યભક્તિના ઉપાસક ભક્ત કવિ. ‘માધુર્યલહરી’ તેમની પ્રસિદ્ધ રચના છે જે મુખ્યત્વે ગીતિકા છંદમાં રચાઈ છે. એમાં રાધાકૃષ્ણના નિત્યવિહારને લગતા પ્રસંગોની સરસ પ્રાંજલ શૈલીમાં વર્ણન મળે છે. આ કૃતિની રચના વિ. સં. 1852–53 (ઈ. સ. 1795–96)માં થયાનું ગ્રંથની પુસ્તિકામાં જણાવ્યું છે. કૃષ્ણદાસ પોતે નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હોવાનું જણાય છે. વૃંદાવનમાં એમણે એક કુંજ બનાવી હતી જે ‘મીરજાપુરવાલી કુંજ’ના નામે આજે પણ વૃંદાવનમાં વિદ્યમાન છે. ‘માધુર્યલહરી’નું ગાન વૃંદાવનમાં રાસલીલાના પ્રસંગે ખાસ કરવામાં આવે છે. ‘માધુર્યલહરી’ની ભાષા પર સંસ્કૃતની ઊંડી અસર વરતાય છે. વિષયવર્ણનમાં દાર્શનિક વિચારો પ્રયોજાયા છે, તેમાં પણ સંસ્કૃત ગ્રંથોનો પ્રભાવ સ્પષ્ટપણે વરતાય છે.
પ્રવીણચંદ્ર પરીખ