કૃષ્ણદાસ કવિરાજ

January, 2008

કૃષ્ણદાસ કવિરાજ (જ. 1527, કામયપુર, પશ્ચિમ બંગાળ; અ. 1615) : મધ્યકાલીન પ્રસિદ્ધ બંગાળી કવિ. ધનાઢ્ય વૈષ્ણવ કુટુંબમાં જન્મ. પિતા ભગીરથ અને માતા સુનંદા. શિવભક્તિ વારસામાં મળેલી છતાં બાળપણથી તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો. ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદના પ્રભાવ હેઠળ તેમને કૃષ્ણપ્રેમ જાગ્યો. દુન્યવી જીવનથી કંટાળીને તેમણે ગૃહત્યાગ કર્યો અને 1550ના અરસામાં કૃષ્ણ નામસ્મરણ કરતાં કરતાં વૃંદાવન ચાલ્યા ગયા. ત્યાં સનાતન ગોસ્વામી અને તેમના ભાઈ રૂપ ગોસ્વામીને મળ્યા. તે બંને સંતો તેમની વિદ્વત્તા અને ધર્મનિષ્ઠાથી પ્રભાવિત થયા અને તેમને તેમના આધ્યાત્મિક શિષ્ય તરીકે તાલીમ આપી. પછી સનાતન ગોસ્વામી દ્વારા પ્રતિષ્ઠિત દેવ મદનગોપાલની સેવાપૂજા તેમને સોંપી.

તેમનાં લખાણોમાં તેમણે વૃંદાવનના 6 ગોસ્વામીઓ – સનાતન, રૂપ, જીવ, ગોપાલ ભટ્ટ, રઘુનાથદાસ અને રઘુનાથ ભટ્ટ પોતાના ગુરુઓ હોવાનો ઉલ્લેખ કર્યો છે.

કૃષ્ણદાસ તેમના 2 સંસ્કૃત ગ્રંથો અને એક બંગાળી ગ્રંથની રચનાથી ખૂબ ખ્યાતિ પામ્યા. પ્રથમ સંસ્કૃત ગ્રંથ ‘ગોવિંદલીલામૃત’ નામક મહાકાવ્ય છે. તે 23 સર્ગ અને 2,588 શ્લોકોનું બનેલું છે. તેમાં વૃંદાવન ખાતે રાધા અને કૃષ્ણના પ્રેમનું સુંદર ચિત્રાંકન છે. આ ગ્રંથ તેમણે 1569-1580 દરમિયાન પૂર્ણ કર્યો હતો, જે પહેલી વખત મુર્શિદાબાદમાં 1884માં પ્રગટ કરાયો હતો. તેમનો બીજો ગ્રંથ કૃષ્ણલીલા-શુક દ્વારા કૃષ્ણ-કર્ણામૃત પર ‘સારંગરંગદા’ (કોલકાતા, 1853) નામક સંસ્કૃત ટીકા છે. તેમનો ત્રીજો ગ્રંથ બંગાળી કાવ્યસાહિત્યની એક અનુપમ કૃતિ ગણાય છે અને તે છે ‘ચૈતન્યચરિતામૃત’. તે ત્રણ ભાગ અથવા ‘લીલાઓ’માં ચૈતન્ય મહાપ્રભુનું તેમનાં અંતિમ 18 વર્ષો પર પ્રકાશ પાડતું જીવનચરિત્ર છે. તે બંગાળીમાં 10,503 સ્તુતિઓ અને સંસ્કૃતમાં 1,012 શ્લોકોનું બનેલું છે. 1,012 સંસ્કૃત શ્લોકો પૈકી 97 તેમની પોતાની રચનાઓ છે; બાકીના શ્લોકો સંસ્કૃત હસ્તપ્રતોમાંથી કરેલા ઉતારા છે. આ કૃતિના પ્રથમ ભાગમાં ચૈતન્યના ગૃહસ્થ જીવનનાં શરૂઆતનાં 24 વર્ષોનું નિરૂપણ છે. તેની મધ્યલીલા(ભાગ)માં તેઓ મઠવાસી બન્યા અને ભારતનાં વિવિધ યાત્રાધામોની તેમની મુલાકાતો વિશેનું ચિત્રણ છે. અંત્યલીલા(ભાગ)નાં 20 પ્રકરણોમાં ચૈતન્યનું બાકીનું જીવન વર્ણવ્યું છે. આમ, કૃષ્ણદાસે તેમની પાછલી વયે રચેલી આ ઉત્કૃષ્ટ રચના ‘ચૈતન્યચરિતામૃત’ બંગાળીમાં અતિ વિદ્વત્તાપૂર્ણ અને સર્વોત્તમ રચના લેખાય છે. તેમાં કૃષ્ણદાસે ચૈતન્યને કૃષ્ણ અને રાધાના યુગલાવતારરૂપ અને એ રીતે પૂર્ણ ઈશ્વરાવતાર માન્યા છે.

નિવેદિતા બસુ

બળદેવભાઈ કનીજિયા