કૃષ્ણદાસ

January, 2008

કૃષ્ણદાસ (જ. 1496, ચિલોતરા, ગુજરાત; અ. 1582) : અષ્ટછાપના પ્રથમ ચાર કવિઓમાં અંતિમ કૃષ્ણદાસ અધિકારી તરીકે જાણીતા કવિ. તેઓ ગુજરાતના વતની અને શૂદ્ર જાતિના હતા. 12–13 વર્ષની વયે તેમણે એમના પિતાના ચોરીના અપરાધથી પકડાવી દેવાથી એને મુખીના પદ પરથી દૂર કરાયેલા. પરિણામે પિતાએ એને ઘરની બહાર કાઢી મૂકેલા, જે ભ્રમણ કરતાં વ્રજમાં પહોંચી ગયા. એ વખતે શ્રીનાથજીની નૂતન મંદિરમાં પ્રતિષ્ઠા થઈ રહી હતી. વલ્લભાચાર્યજીની ભેટ થતાં કૃષ્ણદાસે પુષ્ટિમાર્ગની દીક્ષા લીધી. યુવાન કૃષ્ણદાસ કર્મઠ, અસાધારણ બુદ્ધિશાળી અને વ્યવહારકુશળ હોવાથી શરૂઆતમાં મહાપ્રભુજીના ભેટિયા (ભેટ ઊઘરાવનાર) તરીકે અને પછી શ્રીનાથજીના મંદિરના અધિકારી તરીકેનો વહીવટ સંભાળ્યો. મંદિરની વ્યવસ્થા એ વખતે ગૌડિય વૈષ્ણવોના હાથમાં હતી અને એમની જોહુકમીથી સહુ પરેશાન હતા. કૃષ્ણદાસે બળપ્રયોગ વાપરીને બંગાળી બ્રાહ્મણોને ત્યાંથી ભગાડ્યા. આ પછી કૃષ્ણદાસનો મંદિરના વહીવટમાં એકાધિકાર સ્થપાયો. એક વાર એમણે સ્વયં વિઠ્ઠલનાથજી ગોસાઈજીનો મંદિરમાં શ્રીનાથજીની સેવાનો અધિકાર બંધ કરાવી દીધો. અને છ માસ સુધી ગોસાઈજીને પરસૌલી જઈ રહેવું  પડ્યું. છેવટે મહારાજા બીરબલે કૃષ્ણદાસને આ અપરાધ માટે કેદ કર્યા પરંતુ એમને છોડાવવા માટે ગોસાઈજીએ અનશન આદર્યા અને એથી એ મુક્ત થયા. ગોસાઈજીની ઉદારતાથી પ્રભાવિત થઈ ગોસાઈજી પ્રત્યે પોતાનો ભક્તિભાવ પ્રગટ કરવા માંડ્યો અને કીર્તનો પણ રચવા માંડ્યાં. એમાં શ્રીનાથજી, મહાપ્રભુજી અને ગોસાઈજીને લગતાં પદોનો સમાવેશ થયો છે. કૃષ્ણલીલાનાં પદોમાં તેઓ સૂરદાસજીની સ્પર્ધા કરતા હતા. રાગ-કલ્પદ્રુમ, રાગ-રત્નાકર અને સંપ્રદાયનાં કીર્તનસંગ્રહોમાં એમની પદરચનાઓ પ્રાપ્ત થાય છે. આ રચનાઓ 250 જેટલી છે જેમાં મુખ્યત્વે માધુર્યભાવનાં પદ વિશેષ છે. કવિની પદાવલિઓનું સંસ્કરણ વિદ્યાવિભાગ કાંકરોલી તરફથી પ્રકાશિત થયું છે.

વાસુદેવ યાજ્ઞિક

પ્રવીણચંદ્ર પરીખ