કૃમિજન્ય રોગ (helminthiasis) (આયુર્વિજ્ઞાન)
January, 2008
કૃમિજન્ય રોગ (helminthiasis) (આયુર્વિજ્ઞાન) : આંતરડાં, લોહી તથા અન્ય પેશીઓમાં રહેતા કૃમિથી થતો રોગ (આકૃતિ 1). કૃમિ બહુકોષી, ત્રિસ્તરીય પરોપજીવી પ્રાણીઓ છે. તે ડાબી અને જમણી એમ બંને બાજુએ એકસરખી સંરચના (structure) ધરાવે છે. તેમને 3 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે.
(ક) નિમેટોડા (નળાકારકૃમિ) વર્ગ : તેમાંના મુખ્ય કૃમિઓ આંતરડાંના પોલાણમાં વસે છે. દા.ત. આંકડી કૃમિ, રજ્જુ કૃમિ, સૂત્રકૃમિ વગેરે. તેમના દેખાવનું સામાન્ય વર્ણન સારણી (1)માં દર્શાવ્યું છે.
(ક-1) આંકડીકૃમિ (આકૃતિ 4) : તેનાથી થતો રોગ મુખ્યત્વે લોહીની ઊણપવાળી પાંડુતા (anaemia) કરે છે. તે બે પ્રકારના કૃમિથી થાય છે. (અ) એન્કાયલોસ્ટોમા ડ્યુડેનેલ અથવા એ. સેલેનિક્સ અને (આ) નેક્ટર અમેરિકન. જેમનામાં પાંડુતાનાં લક્ષણો પેદા ન થયાં હોય એવી આંકડીકૃમિવાળી વ્યક્તિને ચેપવાહક કહે છે. તેનાથી થતા રોગને આંકડીકૃમિતા (ancylostomiasis) કહે છે. એ. ડ્યુડેનેલની પુખ્ત અવસ્થામાં આંકડી આકારનો દાંત હોય છે, જેના વડે તે પક્વાશય(duodenum)ની અંદરની દીવાલને વળગીને રહે છે. પુખ્ત કૃમિ 1 સેમી. લાંબો છે અને તે રોજ 0.2 મિલિ. જેટલું લોહી ચૂસે છે.
સારણી 1 : કૃમિના પ્રકારો અને તેની લાક્ષણિકતાઓ
ફાયલમ | નેમેથેલ્મિન્થ્સ (નળાકાર કૃમિ) | પ્લેટિહેલ્મિન્થ્સ (ચપટાં કૃમિ) | |
વર્ગ | (ક) નિમેટોડા (નળાકારકૃમિ વર્ગ) | (ખ) સિસ્ટોડિયા (પટ્ટીકૃમિ વર્ગ) | (ગ) ટ્રિમેટોડા (સચૂષકકૃમિ વર્ગ) |
પ્રાણી | (1) આંકડી કૃમિ (hook worm)
(2) રજ્જુ કૃમિ (round worm) (3) ચાબૂક કૃમિ (whip worm) (4) વાળો (guinea worm) (5) સૂત્ર કૃમિ (thread worm) (6) ફાઇલેરિયાનાકૃમિ (તંતુકૃમિતા) |
(1) ટી. સેજીનાટા
(2) ટી. સોલિયમ (3) ડી. લેટમ (4) ઈ. ગ્રેન્યુલોસસ |
(1) એસ. હિમેટોલિયમ
(2) એસ. મેન્સોની (3) એસ. જેપોનિકમ (4) પી. વેસ્ટરમેની |
આકાર | લાંબા, નળાકાર, વિભાગ વગરના
(unsegmented) |
પટ્ટી જેવા, વિભાગવાળા
(segmented) |
પર્ણ (પાંદડા) જેવા, વિભાગ
વગરના |
લિંગ | અલગ અલગ | ઉભયલિંગી (hermaphrodite) | પર્ણ (પાંદડા) જેવા, વિભાગ વગરના |
શીર્ષ | આંકડી કે ચૂષક વગરના, કેટલાકમાં
ગલોફાં વિકસેલાં |
ચૂષક, ક્યારેક આંકડી સાથે | આંકડી વગરના ચૂષકવાળા |
અન્નમાર્ગ | સંપૂર્ણ વિકસિત | નથી | અપૂર્ણ વિકસિત |
ગુદા | હોય છે | નથી | નથી |
દેહગુહા | હોય છે | નથી | નથી |
એ. ડ્યુડેનેલને ‘જૂના વિશ્વ’નો કૃમિ કહે છે જ્યારે એન. અમેરિકનને ‘નવા વિશ્વ’નો કૃમિ કહે છે. તે સહેજ નાનો છે. તેને આંકડીને બદલે વક્ષ અને પૃષ્ઠ ચકતીઓ છે, જેના વડે તે ઓછા પ્રમાણમાં લોહી ચૂસે છે. (0.03 મિલિ/દિવસ). માદા કૃમિ રોજ 20,000 ઈંડાં મૂકે છે (આકૃતિ 3). તે ઝાડા વાટે બહાર નીકળે છે અને તેમાંથી 24 કલાકમાં ચતુષ્કોણી (rhabitiform) ડિમ્ભ (larva) વિકસે છે. થોડા દિવસમાં તેમાંથી ચેપકારક તંતુ-આકારી (filariform) ડિમ્ભ વિકસે છે અને તે થોડાક દિવસ જમીનમાં જીવતી રહે છે. ખુલ્લા પગે ચાલનારના પગની ચામડીમાંથી પ્રવેશીને તે લોહીની નસમાં જાય છે જ્યાંથી તે ફેફસાંમાં પહોંચે છે. ફેફસાંમાં તે નસોમાંથી નીકળીને શ્ર્વસનમાર્ગમાં પ્રવેશે છે અને ત્યાંથી તે ઉપર ચડીને ગળામાં આવે છે. ગળામાંથી વ્યક્તિ તેને ગળી જઈને જઠર-પક્વાશયમાં પહોંચાડે છે. આમ ચામડીમાંથી પ્રવેશ્યા બાદ લગભગ એક અઠવાડિયામાં તે પક્વાશય અને નાના આંતરડાના ઉપલા ભાગમાં પહોંચે છે, જ્યાં તે 5 અઠવાડિયાંમાં પુખ્તતા પામીને આંકડીકૃમિ બને છે. પુખ્ત કૃમિ આંતરડાંમાં 10થી 14 વર્ષ સુધી જીવી શકે છે, પરંતુ તેમનું સરેરાશ આયુષ્ય ઓછું છે (એ. ડ્યુડેનેલ) – 4થી 6 વર્ષ, એન. અમેરિકનસ 2થી 4 વર્ષ). વિશ્વમાં આશરે 70 કરોડ માનવીઓનાં શરીરમાંથી તે દરરોજ 70 લાખ લિટર લોહી ચૂસી લે છે. એન. અમેરિકનસ આફ્રિકા, અમેરિકા અને એશિયાના વિષુવવૃત્તીય વિસ્તારોમાં જોવા મળે છે,
જ્યારે એ. ડ્યુડેનેલ ભારત, ચીન, જાપાન, મધ્યપૂર્વ અને ભૂમધ્ય સમુદ્રના વિસ્તારોમાં જોવા મળે છે. તે વરસાદ પછી, 23o સે.થી 33o સે. ઉષ્ણતામાને માનવમળત્યાગનાં સ્થાનોમાં અને ખાતરમાં જોવા મળે છે. તેથી વરસાદ પછીની ઋતુમાં ખુલ્લા પગે કુદરતી ખાતરવાળી જમીનમાં કામ કરવાથી તેનો ચેપ લાગવાની શક્યતા રહે છે. ગાંધીજીને જૂતાં વગર ચાલવાથી આંકડીકૃમિનો ચેપ લાગ્યો હતો, એવું નોંધાયેલું છે.
ડિમ્ભ જ્યાંથી શરીરમાં પ્રવેશે છે ત્યાં ત્વકીય સ્ફોટ અને ખૂજલી થાય છે અને તે ફેફસાંમાંથી પસાર થાય છે ત્યારે કફ, ખાંસી અને તાવ આવે છે. તે આંતરડાંમાં આશ્રય લે તે સમયે અપચા જેવાં લક્ષણો અને લોહની ઊણપવાળી પાંડુતા થાય છે. લોહી ગુમાવવાને કારણે આલ્બ્યુમિનની પણ ઊણપ થાય છે. નાનાં બાળકોનો વિકાસ અટકે છે. ઝાડાની તપાસમાં તેનાં ઈંડાં દેખાવાથી નિદાન નક્કી કરી શકાય છે. સ્ટોલ અથવા વિવરની પદ્ધતિથી ઈંડાંની સંખ્યાનો અંદાજ મેળવીને એમની તીવ્રતા નોંધી શકાય છે. મેબેન્ડેઝોલ અને પાયરેન્ટલ પામોસેટની ગોળીઓ અથવા પ્રવાહી દવાથી આંકડીકૃમિ દૂર કરી શકાય છે. ટેટ્રાક્લોરઇથિલીન પણ તે માટે વાપરી શકાય છે. સામાન્ય રીતે વારંવાર દવા આપવાની જરૂર રહેતી નથી. લોહની ઊણપ દૂર કરવા લોહની ગોળીઓ તથા વધુ પ્રોટીનવાળો ખોરાક અપાય છે.
(ક-2) રજ્જુકૃમિ (આકૃતિ 4) : એસ્કેરિસ લંબ્રિકોડિસ નામના કૃમિથી થતો વ્યાધિ બે તબક્કામાં જોવા મળે છે. જ્યારે ડિમ્ભ ફેફસાંમાંથી પસાર થાય છે ત્યારે ફેફસી રોગ અને જ્યારે પુખ્તકૃમિ આંતરડાંમાં નિવાસ કરતા હોય છે ત્યારે આંત્રરોગ જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે વિશ્વની 25 % વસ્તી તેના ચેપનો ભોગ બનેલી છે. તેનાથી થતા રોગને રજ્જુકૃમિતા (ascariasis) કહે છે. પુખ્તકૃમિ 15થી 40 સેમી. જેટલો લાંબો અને નળાકાર હોય છે. તેના બંને છેડા બુઠ્ઠા હોય છે. તે પોતાના સ્નાયુઓની મદદથી નાના આંતરડાના મધ્યાંત્ર ભાગ(jejunum)માં રહે છે. તેમનો જીવનકાળ 6થી 15 મહિનાનો છે. તે રોજ 2,00,000 ઈંડાં મૂકે છે (આકૃતિ 3), જે મળ સાથે જમીનમાં જાય છે, ત્યાં તે 12 અઠવાડિયાંમાં ચેપકારક (infective) બને છે. તે 6 વર્ષ સુધી જીવતા રહી શકે છે અને સામાન્ય શીતકરણ સહી શકે છે. તે ખોરાક સાથે આંતરડાંમાં પ્રવેશે છે. તેને મળમુખમાર્ગે (faeco-oral route) લાગતો ચેપ કહે છે. તેમનામાંથી ડિમ્ભ નીકળે છે, જે આંતરડાંની દીવાલમાં થઈને લસિકાવાહિનીઓ (lymphatics) અને લોહીની નસો દ્વારા ફેફસાંમાં પહોંચે છે. ફેફસાંમાં 10 દિવસ રહીને તે વાયુપોટાઓ(alveoli)માં પ્રવેશે છે અને શ્વસનમાર્ગમાં ઉપર ચડીને ગળામાં થઈને, ફરીથી ખોરાક સાથે ગળવામાં આવવાથી તે મધ્યાંત્રમાં પહોંચે છે. અહીં 2-3 મહિનામાં તે પુખ્ત થાય છે. અસ્વચ્છ રસોઇયા દ્વારા તેમના ચેપનું વહન થાય છે. જેઓ માટી ખાતા હોય તેમને પણ તેનો ભારે ચેપ લાગે છે. શુષ્ક હવામાનમાં પવન દ્વારા પણ તેનાં ઈંડાં મોંમાં પ્રવેશે છે. વિકાસશીલ દેશોમાં તેમના ચેપનું પ્રમાણ 80 %થી 90 % જેટલું હોવાનું મનાય છે. ફેફસીરોગ રૂપે તાવ, ખાંસી, શ્વાસ ચડવો, હાંફ ચડવી, ઇઓસીનરાગી શ્વેતકોષો(eosinophils)નું વધવું વગેરે જોવા મળે છે. પુખ્ત કૃમિ કોઈ પણ તકલીફ ન પણ કરે અથવા ક્યારેક પેટનો સામાન્ય દુખાવો કરે છે. તે ઘણી વખત ઓચિંતા ઊલટી કે ઝાડામાં જોવા મળે છે. પિત્તમાર્ગનો અવરોધ કરીને તેનાથી કમળો થયાના જૂજ દાખલા છે. ભારે પ્રમાણમાં ચેપ લાગે તો અપશોષણ થાય છે, અને તેથી કૅલરી, પ્રોટીન અને વિટામિનની ઊણપ સર્જાય છે. બાળકોમાં તેથી વૃદ્ધિ-વિકાસ અટકે છે. ક્યારેક આંત્રરોધ (intestinal obstruction) થાય છે.
સામાન્ય રીતે 20થી 2000 કૃમિ એકસાથે આંતરડાંમાં વસે છે અને તેથી નાનાં બાળકોમાં તે વિકારો સર્જે છે. ક્યારેક સારવારને કારણે પણ આંત્રરોધ ઉદભવે છે. ઝાડામાં ઈંડાં દેખાવાથી નિદાન થઈ શકે છે. આંત્રરોધની સારવાર માટે મેબેન્ડેઝોલ અને પાયરેન્ટલ પામોએટ તથા પીપરેઝીન ઉપયોગી છે. ફેફસીરોગની સારવાર લક્ષણો અનુસાર કરાય છે.
(ક–3) સ્ટ્રૉન્ગાઇલોઇડ્સ સ્ટરકોરાલિસ : બ્રાઝિલ, દૂર પૂર્વના વિસ્તાર અને આફ્રિકામાં તે જોવા મળે છે. પુખ્ત કૃમિ નાના આંતરડાના પક્વાશય અને મધ્યાંત્રમાં રહે છે. માદા કૃમિ (2.5 મિમિ.) ઈંડાં મૂકે છે જે મળ સાથે જમીનમાં પહોંચે છે. તેનું ચેપકારક તંતુઆકારી ડિમ્ભ આંકડીકૃમિની માફક ચામડી વીંધીને શરીરમાં પ્રવેશે છે અને ફેફસાંમાં થઈને તેના કાયમી નિવાસસ્થાન (નાનું આંતરડું) પર પહોંચે છે. માણસ તેનો મુખ્ય આશ્રયદાતા (host) છે, પરંતુ તે બિલાડી અને કૂતરામાં પણ કુદરતી રીતે ચેપ કરે છે; પ્રવેશને સ્થાને ચામડીમાં સામાન્ય વિકાર, ફેફસી-પરિવહન સમયે ફેફસીરોગ તથા આંતરડાંમાં રહે તે સમયે આંત્રરોગ કરે છે. સામાન્ય ચેપ હોય તો લક્ષણો જોવા મળતાં નથી, પરંતુ ભારે ચેપને કારણે પેટમાં દુખાવો, ઝાડા, અપોષણ, અપશોષણ, પાંડુતા અને શારીરિક ક્ષીણતા કરે છે. ગુદાની ચામડીમાંથી પણ ડિમ્ભ ફરીથી શરીરમાં પ્રવેશી શકે છે, માટે વારંવાર ચેપ લાગ્યા કરે છે. તેને આંકડીકૃમિ કરતાં અલગ તારવવું જરૂરી છે. થાયાબેન્ડેઝોલની દવા 3થી 7 દિવસ આપવાથી મોટેભાગે રોગ મટે છે.
(ક-4) ચાબુકકૃમિ : તેના રોગને ચાબુકકૃમિતા (trichuriasis) કહે છે. દુનિયાના 50 લાખ લોકોના મોટા આંતરડામાં તેનો ચેપ લાગેલો છે. તે સામાન્ય રીતે વિષુવવૃત્તીય (tropical) વિસ્તારોમાં વધુ જોવા મળે છે. નાનાં બાળકોમાં અને માનસિક રોગના દર્દીઓમાં શુદ્ધતાના અભાવને કારણે તેનો ચેપ લાગે છે. તેના ચેપનાં મુખ્ય લક્ષણો પેટનો દુખાવો, ઝાડા અથવા મરડો છે. દર્દી દરરોજ 0.005 મિલિ/કૃમિ લોહી ગુમાવે છે. તેથી 800થી વધુ કૃમિ હોય તો પાંડુતા થાય છે. ક્યારેક મળાશયભ્રંશ(rectal prolapse)ને કારણે મળાશય ગુદાદ્વારેથી બહાર આવી જાય છે. ઝાડાની તપાસ નિદાનસૂચક છે. ઝાડામાં 3,000 ઈંડાં/દિવસ હોય તો રોગનાં લક્ષણો જોવા મળે છે (આકૃતિ 3). મેબેન્ડેઝોલની વારંવારની સારવારથી રોગ મટે છે.
(ક-5) સૂત્રકૃમિ (આકૃતિ 4) : તેનાથી થતા રોગને સૂત્રકૃમિતા (enterobiasis) કહે છે. તેનું શાસ્ત્રીય નામ એન્ટેરોબિયસ વર્મિક્યુલારિસ છે. તે સૌથી જૂના ચેપી રોગમાંનો એક છે અને તે 10,000 વર્ષ પૂર્વના કોર્પોલિન્થમાં પણ જોવા મળે છે. વિશ્વના 18થી 20 કરોડ લોકો તેનાથી રોગગ્રસ્ત છે. કૃમિના સીધા સંક્રમણથી ચેપ ફેલાય છે. માદાની લંબાઈ 10 મિમી. અને નર 3 મિમી. લાંબો હોય છે. તે મોટા આંતરડાના અંધાંત્ર (caecum), આંત્રપુચ્છ (appendix) અને આસપાસના આંતરડાના ભાગમાં વસે છે. માદા રાત્રિ દરમિયાન ગુદાદ્વારે જઈને ઈંડાં મૂકે છે. તેમાંથી ઉદભવતું ડિમ્ભ થોડા કલાકોમાં ચેપકારી બને છે. ગુદાદ્વારે ખૂજલી સમયે કે અન્ય રીતે ગુદાદ્વાર પરનું ડિમ્ભ આંગળીઓ દ્વારા મોં સુધી પહોંચે છે. આમ સીધો મળમુખમાર્ગનો ચેપ લાગે છે અને વારંવાર ચેપ લાગ્યા કરે છે. નવી બનેલી માદા એક મહિનામાં ફરીથી ઈંડાં ઉત્પન્ન કરે છે (આકૃતિ 3). રાત્રિ દરમિયાન ગુદાદ્વારે ખંજવાળ, ઊંઘમાં ખલેલ, અકળામણ, પથારીમાં પેશાબ થઈ જવો, ગુદાની આસપાસ ખરજવું અને ગૂમડાં થાય છે. ચામડી પર સેલોટેપ લગાડીને તેના પર ઈંડાં દેખાવાથી નિદાન થાય છે. સમગ્ર કુટુંબને સારવાર અપાય છે. સ્વચ્છતાના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન જરૂરી છે. પાયરેન્ટલ પામોએટ, મેબેન્ડેઝોલ વગેરે દવાઓ અસરકારક છે. ફરીફરીથી ચેપ લાગતો હોવાથી સારવાર 2 અઠવાડિયે ફરીથી આપવી પડે છે.
(ક-6) વાળો (આકૃતિ 4) : તે ડ્રેકન્કુલસ મેડીનેન્સિસ (guinea worm) દ્વારા થતો રોગ છે. આ કૃમિ માણસની ચામડી નીચેની પેશીમાં રહે છે. માદાકૃમિ 1 મીટરથી પણ વધુ લાંબી હોય છે, જ્યારે નરકૃમિ 2.5થી 3 સેમી. જેટલો લાંબો હોય છે. માદાનું માથું જ્યારે ચામડીની બહાર આવે છે ત્યારે ડિમ્ભ બહાર નીકળી જાય છે અને તે પાણીમાં પ્રવેશે છે. તે ક્રસ્ટેકાન નામના પોરા(cyclops)માં પ્રવેશે છે અને 21 દિવસમાં વિકાસ પામીને ચેપકારક બને છે. ચેપકારી પોરા વાવ, કૂવા અને તળાવના તળિયે હોય છે. પોરાવાળું પાણી પીવામાં આવે છે ત્યારે ડિમ્ભ આંતરડાંની દીવાલમાં થઈને સંધાનપેશી (connective tissue) દ્વારા પરિવહન કરે છે. 9થી 18 મહિનામાં પુખ્ત માદા ચામડી નીચેના કોઈ આશ્રયસ્થાનને શોધે છે, જ્યાં તે એક ફોલ્લો કરે છે. ફોલ્લો ફૂટે ત્યારે તેમાંથી કૃમિનો આગલો છેડો બહાર આવે છે અને તેમાંથી ડિમ્ભ બહાર નીકળે છે. સામાન્ય રીતે શરીરના ઠંડા ભાગની ચામડી તરફ માદાકૃમિ આકર્ષાય છે; દા.ત., પાણીમાં કામ કરનારાના પગમાં, ભિસ્તીની પીઠમાં. આ રોગ ભારત, આફ્રિકાના પશ્ચિમ, પૂર્વ અને મધ્યભાગો, સુદાન, તુર્કસ્તાન, સાઉદી અરેબિયા, કૅરેબિયન ટાપુઓ વગેરેમાં જોવા મળે છે. ભારતમાં તે રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં જોવા મળે છે પરંતુ બંગાળ, આસામ અને ઓરિસામાં થતો નથી.
ક્યારેક પુખ્ત કૃમિને ચામડી નીચે સ્પર્શી શકાય છે, ત્યાં સ્પર્શવેદના પણ થાય છે. ક્યારેક ઍલર્જીનાં લક્ષણો જોવા મળે છે. ડિમ્ભ નીકળી જાય પછી પુખ્ત કૃમિ શરીરની બહાર નીકળી જાય છે અને રોગ શમે છે. લાક્ષણિક ફોલ્લા અને કૃમિને જોવાથી નિદાન સરળ બને છે. સારવાર માટે ડાયથાયલ કાર્બામેઝેપિન, નિરીડેઝોલ અથવા મેબેન્ડેઝોલની ગોળીઓ આપી શકાય છે. જીવાણુજન્ય ચેપ થયો હોય તો ઍન્ટિબાયૉટિક અપાય છે. ધનુર્વા સામે પ્રતિકાર કરતી રસી અપાય છે. એક સળીની આસપાસ વીંટાળીને સાચવીને કૃમિને શરીરમાંથી કાઢી નંખાય છે. કૂવાની આસપાસ સિમેન્ટની દીવાલ ચણવાથી રોગનો ફેલાવો અટકાવી શકાય છે. પાણીનું અતિક્લોરિનીકરણ પણ રોગનો ફેલાવો અટકાવે છે.
(ક-7) તંતુકૃમિતા (આકૃતિ 5) : ક્રાઇડેરિડાઝ ફૅમિલીના વિવિધ કૃમિ માણસમાં આ રોગ કરે છે. પુખ્ત કૃમિ 2.5 સેમી.નો છે અને તેનાં 250 માઇક્રોન લંબાઈનાં ડિમ્ભ સાદા સૂક્ષ્મદર્શક દ્વારા જોઈ શકાય છે. વુચેરિયા બૅન્કૉફટી અને બ્રુગિયા મલાયી પ્રકારના પુખ્ત કૃમિ લસિકાવાહિનીઓ(lymphatics)માં રહીને તેમને અવરોધે છે. લોઆ લોઆ નામના કૃમિના પુખ્ત તંતુકૃમિઓ(filariae) ચામડી નીચેની પેશીમાં ભ્રમણ કરે છે અને સોજો કરે છે જેને ‘કાલાબાર’ કહે છે. ઓન્કોસેરા વોલ્વ્યુલસ નામના પુખ્ત કૃમિ ચામડી નીચેની પેશીમાં તંતુતા (fibrosis) ઉત્તેજે છે અને તેથી ગંડિકાઓ બને છે. તે ક્યારેક આંખોને નુકસાન કરે છે. વુચેરિયા, બ્રુગિયા અને લોઆ લોઆની સૂક્ષ્મતન્વિકાઓ(micro filariae)ને આવરણ હોય છે, જ્યારે અન્ય સૂક્ષ્મતન્વિકાઓ આવરણ વગરની હોય છે. વુચેરિયા બૅન્ક્રૉફ્ટી માનવશરીરમાં ક્યુલેક્સ ફેટીગાન્સ નામના મચ્છર તથા અન્ય બીજા કેટલાક મચ્છરોના ડંખ દ્વારા પ્રવેશે છે. પુખ્ત કૃમિ લસિકાવાહિનીઓમાં વસે છે. સૂક્ષ્મતન્વિકાઓ ઉત્પન્ન કરતી માદા કૃમિ લોહીની નસોમાં ભ્રમણ કરે છે. રાત્રિ દરમિયાન સૂક્ષ્મતન્વિકાઓ ઉત્પન્ન થાય છે. ક્યુલેક્સ મચ્છર સામાન્યત: રાત્રિમાં ડંખ મારે છે. આમ ફેલાવો સરળ બને છે. આ રોગ ઉત્તર આફ્રિકા, ઇન્ડોનેશિયા, ઉત્તર ઑસ્ટ્રેલિયા, દક્ષિણ પ્રશાંત મહાસાગરના ટાપુઓ ભારત અને વેસ્ટ ઇન્ડિઝના સાગરતટના વિસ્તારોમાં જોવા મળે છે. સૂક્ષ્મ તન્વિકાઓ જોખમકારક નથી, પરંતુ તેમના તરફની ઍલર્જીને કારણે ઇઓસીનરાગી કોષોનું પ્રમાણ વધે છે (eosinophilia). 3 મહિનામાં તાવ, સોજો, લસિકાવાહિનીના માર્ગમાં શોથ (inflammation), શુક્રવાહિનીનો શોથ, શુક્રપિંડશોથ (orchitis) અધિશુક્રપિંડશોથ (epidydimitis) વગેરે જોવા મળે છે.
આ પ્રકારના વારંવાર હુમલા થાય તો લસિકાવાહિનીઓ ગંઠાઈ જાય છે અને તેથી સોજો આવે છે. મોટેભાગે હાથ, પગ અને સ્તનની લસિકાવાહિનીઓ અસરગ્રસ્ત થાય છે. ચામડીમાં ફેરફાર થાય છે અને તેથી ચામડી અને તેની નીચેની પેશી જાડી થઈ જાય છે. તેને હાથીપગો (elephantiasis) કહે છે. તે હાથ, પગ, શુક્રપિંડ કોથળી (scrotum), સ્તન વગેરેમાં જોવા મળે છે. આમ થતાં દસેક વર્ષ લાગે છે. શરૂઆતના તબક્કામાં લસિકાવાહિનીશોથ (bymphangitis), અતિ ઈઓસીનકોષિતા (eosinophilia) આ પ્રતિરક્ષાપૂરક સ્થાપન કસોટી (complement fixation test) દ્વારા નિદાન શક્ય છે. એક વર્ષ પછી રાત્રે લોહીમાં સૂક્ષ્મતન્વિકાઓ પણ જોઈ શકાય છે. સૂક્ષ્મતન્વિકાઓને મારવા માટે ડાયઇથાઇલ કાર્બામેઝેપિન ઉપયોગી છે. ક્યારેક કોર્ટિકોસ્ટીરોઇડ્સ વડે ઍલર્જીને દબાવી શકાય છે. હાથીપગાની સારવારમાં પુનર્રચનાલક્ષી (plastic) શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. બી. મલાયીથી થતો રોગ પણ આ પ્રકારનો છે. તેમની સૂક્ષ્મતન્વિકાઓનો દેખાવ જુદા પ્રકારનો હોય છે.
(ખ) પટ્ટીકૃમિઓ (આકૃતિ 6) : તે રિબનપટ્ટી જેવા, નાનાં નાનાં ચોકઠાંમાં વિભાજિત, ઉભયલિંગી (hermaphrodite) કૃમિ છે અને તે મેરુદંડી (vertebrate) પ્રાણીઓનાં આંતરડાંમાં રહે છે. તેમનામાં પચનમાર્ગ હોતો નથી અને સમગ્ર સપાટી વડે ખોરાક ચૂસે છે. તેમનાં ચેતાતંત્ર, ઉત્સર્ગતંત્ર અને સ્નાયુઓ અપૂર્ણ વિકસિત અને પ્રારંભિક કક્ષાનાં હોય છે. તેમના શીર્ષ (scolex) પરના ખાંચા કે ચૂસકપાત્ર (sucking cup) વડે તે આશ્રયદાતાના આંતરડાની દીવાલને વળગી રહે છે. શીર્ષની નીચે નાની ડોક હોય છે અને તે પછી વિભાજિત ચોકઠાં (segments, proglottides) હોય છે. જેમ જેમ વિભાજિત ચોકઠાં પુખ્તતા પામતાં જાય તેમ તેમ તે શીર્ષથી દૂર થતાં જાય છે અને નવાં, નાનાં ચોકઠાં ડોક પાસે બનતાં જાય છે. દરેક ચોકઠું ઈંડાં ધારણ કરે છે અને તેમના ગર્ભાશયી છિદ્ર (utrine pore) દ્વારા ઈંડાને મુક્ત કરે છે. શીર્ષ અને વિભાજિત ચોકઠાની મદદથી કૃમિનો પ્રકાર ઓળખી શકાય છે. નાના સિવાયના અન્ય માનવસંબંધિત હાઈ- મિનોલેપિસ પટ્ટીકૃમિઓને તેમના ડિમ્ભ-તબક્કા માટે અંતરાલીય આશ્રયદાતા(intermediate host)ની જરૂર પડે છે. જ્યારે ઈંડાં ખોરાક સાથે અંતરાલીય આશ્રયદાતાનાં આંતરડાંમાં પ્રવેશે ત્યારે તેમાંથી ડિમ્ભ અથવા ડિમ્ભકંદુક (oncosphere) આંતરડાંની શ્લેષ્મકલાને વીંધીને પેશીમાં પ્રવેશે છે. તે પેશીમાં પરિવહન (migration) કરીને સકોષ્ઠીય રૂપ(encysted form)માં વિકસે છે. જો કોષ્ઠ(cyst)માં એક શીર્ષ હોય તો તેને એકશીર્ષકોષ્ઠ (cysticercus) કહે છે અને જો તેમાં બહુ શીર્ષ હોય તો તેને બહુશીર્ષાકોષ્ઠ (coenurus) કહે છે. અનેક શીર્ષવાળા અનેક કોષ્ઠો ભેગા મળીને બનતી સંરચનાને બૃહત્કોષ્ઠ (hydatid cyst) કહે છે. જ્યારે અંતરાલીય આશ્રયદાતાની પેશીને આહારમાં લેવામાં આવે ત્યારે તેમના જીવિત શીર્ષવાળા કોષ્ઠ મુખ્ય આશ્રયદાતાના આંતરડાંમાં પ્રવેશે છે અને ત્યાં ડિમ્ભમાંથી પુખ્ત કૃમિ ઉદભવે છે. માણસમાં રહેતા પટ્ટીકૃમિઓનાં બે જૂથ છે. ટીનિયા સેજીનેટા, ડાયફાયલોબોથેરિયમ લેટમ વગેરેમાં માણસ મુખ્ય આશ્રયદાતા છે, જ્યારે એકિનોકોકસ ગ્રેન્યુલોસસ વગેરેમાં તે અંતરાલીય આશ્રયદાતા છે. ટીનિયા સોલિયમમાં માણસ મુખ્ય તેમજ અંતરાલીય આશ્રયદાતા તરીકે વર્તે છે.
(ખ-1) ગૌમાંસ પટ્ટીકૃમિ (beef tapeworm, tenia saginata) : જ્યાં ગૌમાંસ ખવાય છે ત્યાં તે સામાન્ય રીતે જોવા મળે છે. ભારતમાં તેનું પ્રમાણ ઓછું છે કેમ કે ગૌમાંસનો ઉપયોગ ઓછો છે. માણસના મળમાં રહેલાં ઈંડાંને પ્રાણીઓ ખોરાક ભેગાં લે ત્યારે તેમનાં આંતરડાં અને લોહીની નસોમાં થઈને ડિમ્ભ તેમના સ્નાયુ અને ઘન અવયવોમાં કોષ્ઠરૂપ રહે છે. તેને પ્રાણીએકશીર્ષીકોષ્ઠ (cysticercus bovis) કહે છે. ચેપગ્રસ્ત માંસ ખાવાથી તે માણસનાં આંતરડાંમાં પ્રવેશે છે અને પુખ્ત કૃમિમાં રૂપાંતરિત થાય છે. તેને કારણે સામાન્ય પ્રકારનો પેટનો દુ:ખાવો, અરુચિ અને બાળકોનાં વજનમાં ઘટાડો જોવા મળે છે. ભાગ્યે જ વિભાજિત ચોકઠાં ઍપેન્ડિક્સ, સ્વાદુપિંડ કે પિત્તમાર્ગની નળીઓને અવરોધે છે. મળની તપાસ દ્વારા નિદાન કરી શકાય છે. નિક્લોસેમાઇડ કૃમિના શીર્ષને તથા અપક્વ વિભાજિત ચોકઠાંને મારે છે. પરામોમાયસિન, આલ્મેન્ડેઝોલ, મેબેન્ડેઝોલ, પ્રેઝીક્વેન્ટાલ વગેરે પણ ઉપયોગી દવાઓ છે.
(ખ–2) ભૂંડમાંસ પટ્ટીકૃમિ (pork tapeworm, tenia solium) : મધ્ય યુરોપ, દક્ષિણ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં તે જોવા મળે છે. ટી. સેજીનેટા કરતાં તે નાનું છે. પુખ્ત કૃમિ માણસમાં જ જોવા મળે છે, પરંતુ તેનું કોષ્ઠીય સ્વરૂપ ભૂંડ (pig) તથા માણસમાં જોવા મળે છે કેમકે જો તેનાં ઈંડાં આહારમાં આવે તો તે પણ વિકસીને ભૂંડની જેમ માણસની પેશીઓમાં ડિમ્ભ અવસ્થામાં વિકસે છે. એકશીર્ષીકોષ્ઠ સ્નાયુઓમાં ચામડી નીચેની પેશીમાં અને મગજમાં છે. એમ.આર.આઈ.ની તપાસનો વિકાસ થયા પછી મગજનો આ પ્રકારનો વ્યાધિ સહેલાઈથી દર્શાવી શકાય છે. થોડા સમય પછી ડિમ્ભ મૃત્યુ પામે છે; પરંતુ તેની સામેની પ્રક્રિયાને કારણે આંચકી (convulsions) આવે છે અને ચેતાતંત્રીય લક્ષણો જોવા મળે છે. સ્નાયુમાં રહેલા ડિમ્ભ મૃત્યુ પામે ત્યારપછી તેમાં કૅલ્શિયમ જમા થાય છે અને તેથી તે સાદા એક્સ-રે ચિત્રણમાં પણ જોઈ શકાય છે. નિક્લોસેમાઇડ, મેપાક્રિન, પ્રેઝીક્વેન્ટાલની મદદથી તેની સારવાર કરાય છે.
(ખ–3) મચ્છી-પટ્ટીકૃમિ (fish tape worm, diphylloboth-rium latum) : તે ફિનલૅન્ડ, ઉત્તર અમેરિકા અને જાપાનમાં જોવા મળે છે. તે ભારતમાં ઓછો જોવા મળે છે. પુખ્ત કૃમિ 3થી 10 મીટર લાંબો હોય છે. તેને શીર્ષ, પાતળી લાંબી ડોક અને લાંબાં અને પહોળાં 3000થી 4000 વિભાજિત ચોકઠાં હોય છે. તેનાં ઈંડાં શુદ્ધ પાણીમાં પસાર થાય ત્યારે તેનું પ્રથમ તબક્કાનું ડિમ્ભ વિકસે છે અને તે પોરામાં પાણીની સાથે પ્રવેશે છે. તેની દેહગુહામાં બીજા તબક્કાનું ડિમ્ભ વિકસે છે અને તે પાછું પાણીમાં પ્રવેશે છે. ત્યારબાદ તે પાણી સાથે ટ્રાઉટ અને સામન માછલીના શરીરમાં પ્રવેશે છે જ્યાં તેના ડિમ્ભનો ત્રીજો તબક્કો વિકસે છે. આવી માછલીને ખાવાથી માણસના આંતરડાંમાં પુખ્ત કૃમિ વિકસે છે. દર્દીને સામાન્ય પ્રકારનો પેટનો દુ:ખાવો થાય છે અને વિટામિન બી-12ની ઊણપ સર્જાય છે અને તેથી પાંડુતા થાય છે. મળમાં તેનાં ઈંડાં દેખાવાથી નિદાન શક્ય છે. તેની સારવારમાં નિક્લોસેમાઇડ વપરાય છે.
(ખ-4) એડિનોકોકસ ગ્રેન્યુલોસસ : તે તબીબી શાસ્ત્રની ર્દષ્ટિએ માણસમાં આશ્રય પામતું સૌથી નાનું પટ્ટીકૃમિ છે. તે ઘેટાં અને ઢોરઉછેરના દેશોમાં (ભારત સહિત) જોવા મળે છે. તેનાં બૃહત્કોષ્ઠનો તબક્કો ઘેટાં અને ઢોરમાં હોય છે અને પુખ્ત કૃમિ કૂતરાનાં આંતરડાંમાં હોય છે. કૂતરાના સંપર્કમાં રહેતા માણસોમાં તેનાં ઈંડાં પ્રવેશીને લોહીની નસો વાટે બૃહત્કોષ્ઠ રૂપે યકૃત(liver)માં રહે છે. ક્યારેક તે ફેફસાં અને મગજમાં પણ પહોંચે છે. બૃહત્કોષ્ઠ ધીરે ધીરે મોટું થાય છે. સામાન્ય રીતે નાના બાળકમાં તેનો પ્રવેશ થાય છે. સમય જતાં ધીમે ધીમે વિકસીને આસપાસ દબાણ કરે છે. યકૃતનો જમણો ખંડ 70 % કિસ્સામાં અસરગ્રસ્ત થાય છે. ક્યારેક તેમાં ચેપ લાગે છે અને સમય જતાં તેમાં કૅલ્શિયમ જમા થાય છે. જો તે ફાટી જાય તો ઍલર્જીજન્ય તીવ્ર પ્રતિક્રિયા થાય છે અને તેથી અતિસંવેદનશીલતાજન્ય આઘાત (anaphylactic shock) ઉદભવે છે જે જીવલેણ પણ નીવડે. તેથી શસ્ત્રક્રિયા વડે તેને દૂર કરતાં સાવચેતી રાખવી પડે છે. તેનું નિદાન અલ્ટ્રાસોનોગ્રાફી, ચામડીની અંદર ઇન્જેક્શન આપીને કરાતી કેઝોનીની કસોટી તથા પ્રતિરક્ષાપૂરક-સ્થાપન કસોટી વડે કરી શકાય છે. મેબેન્ડેઝોલની ભારે માત્રા વડે તેની સારવાર કરી શકાય છે, પરંતુ મુખ્યત્વે તેને શસ્ત્રક્રિયા વડે દૂર કરવાની પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે.
(ગ) ચૂષકકૃમિઓ અથવા પર્ણકૃમિઓ (trematocles, flukes) : તેમનામાં સ્પષ્ટ ચૂષક (sucker) વિકસ્યું હોવાથી તેમના વર્ગને ટ્રીમેટોડા કહે છે અને તે પાંદડા જેવા આકારના ચપટા કૃમિ હોવાથી તેમને પર્ણકૃમિઓ (flukes) પણ કહે છે. તેઓ અવિભાજિત પાંદડા આકારના કૃમિ છે. તે 1 મિમી.થી થોડાક સેમી. જેટલી લંબાઈ ધરાવે છે. તેઓ ચૂષક વડે આશ્રયદાતાને ચોંટી રહે છે. તેમને બે ચૂષકો હોય છે : મૌખિક ચૂષક અને વક્ષીય ચૂષક. શિસ્ટોસોમા પ્રકારના કૃમિઓ સિવાય તેમનામાં લિંગભેદ હોતો નથી. તેમનો પાચનમાર્ગ અપૂર્ણ વિકસિત છે, પરંતુ પ્રજનનતંત્ર વિકાસ પામેલું હોય છે. તેઓ ઈંડાં મૂકે છે. સામાન્ય રીતે માણસ મુખ્ય આશ્રયદાતા છે અને તેમાં પુખ્ત કૃમિ વસે છે. શુદ્ધ પાણીનો સ્નેઇલ (snail) અથવા મોલ્યુસ્ક (mollusc) તેનો અંતરાલીય આશ્રયદાતા છે, જેમાં ડિમ્ભ-અવસ્થા વિકસે છે. ક્યારેક કોષ્ઠીકરણ (encystment) માટે માછલી કે કરચલા(crab)ને પણ તે અંતરાલીય આશ્રયદાતા બનાવે છે. કોષ્ઠીકૃત અવસ્થા ચેપકારક છે. તે વનસ્પતિ સાથે (F. buski), માછલી સાથે (C. sinesis) કે કરચલા સાથે (P. westermani) મુખ્ય આશ્રયદાતામાં પ્રવેશે છે. ક્યારેક સીધેસીધા ચામડીમાં થઈને પણ પ્રવેશી શકે છે (S. mansoni અને S. japonicum).
(ગ-1) શિસ્ટોસોમા (Schistosoma) : આ જૂથના 3 પર્ણકૃમિઓ માણસમાં વિકાર સર્જે છે (S. haematobium, S. mansoni, S. japonicum). પેશાબ કે મળ દ્વારા બહાર નીકળેલાં ઈંડાંમાંથી કશાયુક્ત (ciliated) મિરાસિડિયમ (miracidium) બહાર આવે છે અને તે યોગ્ય સ્નેઇલમાં પ્રવેશે છે. તેમનામાં તે સર્સેરિઆ (cerceria) રૂપે વિકસીને પ્રાણીમાં પ્રવેશે છે. ત્યાં 1થી 3 દિવસ જીવે છે. તે ચામડી કે મોઢાની શ્લેષ્મકલા વીંધીને આશ્રયદાતાના શરીરમાં પ્રવેશે છે. તે ફેફસાંમાંથી પસાર થઈને નિવાહિકાશિરા(portal vein)માં પ્રવેશે છે અને ત્યાં તે પુખ્તતા પામે છે અને ત્યાં માદાકૃમિ ઈંડાં મૂકે છે. એસ. હીમેટોબિયમ મૂત્રાશય અને મળાશયમાં ઈંડાં મૂકે છે, જ્યારે અન્ય બે મળાશયમાં ઈંડાં મૂકે છે. ત્યાંથી પેશાબ/મળ સાથે પાણીમાં પ્રવેશે છે.
જે સ્થળેથી તે શરીરમાં પ્રવેશ પામે છે તે સ્થળે 12 દિવસ ખંજવાળ આવે છે. 2થી 3 અઠવાડિયાંમાં પછી જ્યારે તે ફેફસાંમાંથી પસાર થાય છે ત્યારે ખાંસી, તાવ, ઇસોસિનકોષિતા (eosinophilia) અને ન્યુમોનિયા જેવો વ્યાધિ કરે છે. એસ. હીમેટોબિયમ મુખ્યત્વે મૂત્રાશય અને પ્રજનનઅંગોને અસર કરે છે અને તેથી પેશાબમાં દુખાવા વગર લોહી પડે છે અને તે શ્રમ કરવાથી વધે છે. ક્યારેક નિતંબીય ભાગ(iliac fossa)માં દુખાવો થાય છે, ક્યારેક મૂત્રપિંડમાં ચેપ લાગે છે. મૂત્રપિંડી કારણોસર લોહીનું દબાણ વધે છે અને મૂત્રપિંડની નિષ્ફળતા જોવા મળે છે. તેને કારણે વીર્યમાં શુક્રકોષોની સંખ્યા ઘટે છે. સ્ત્રીઓમાં પ્રજનનમાર્ગની તંતુતા (fibrosis) થાય છે. મળાશયને અસરગ્રસ્ત કરે તો પાચનમાર્ગના કાર્યમાં વિક્ષેપ ઊભો થાય છે. એસ. મેન્સોની અને એસ જેપોનિકમથી થતા ચેપમાં મળાશય અસરગ્રસ્ત થતું હોવાથી ગુદામાર્ગે લોહી પડે છે અને પેટમાં દુખાવો થાય છે. ક્યારેક આંતરડાનો તે ભાગ જાડો થયેલો જોવા મળે છે. યકૃત અને બરોળ મોટાં થાય છે. યકૃતમાં તંતુતા, નિવાહિકાતંત્રીય અતિદાબ (portal hypertension) અને ક્યારેક બેભાન અવસ્થા પણ થાય છે. જો કરોડરજ્જુ અસરગ્રસ્ત થાય તો બંને પગમાં લકવો થાય છે. પેશાબ અને/અથવા મળમાં ઈંડાં દેખાવાથી નિદાન કરી શકાય છે. જરૂર પડ્યે અંત:નિરીક્ષા (endoscopy) કરાય છે. સોડિયમ એન્ટિમોનાયલ ટાર્ટેરેટનો ઉપયોગ મુખ્ય સારવાર છે. હાસીન્થોલ પણ ઉપયોગી છે. જરૂર પડ્યે શસ્ત્રક્રિયા કરાય છે.
(ગ–2) પેરાગોનિમસ વેસ્ટરમેની : ફેફસાં અને અન્ય ભાગમાં કોષ્ઠ રૂપે પુખ્ત કૃમિ વસે છે. તે દક્ષિણ પૂર્વના દેશો અને ભારતમાં જોવા મળે છે. દર્દીને તાવ, કફ, ખાંસી તથા ગળફામાં લોહી પડવાની તકલીફ થાય છે. છાતીમાં સખત દુખાવો ઊપડે છે. જો કૃમિ પેટની આગળી દીવાલમાં સ્થાયી થાય તો ત્યાં ગૂમડું કરે છે. તે યકૃતશોથ (hepatitis), મસ્તિષ્કશોથ (encephalitis) વગેરે વિકારો પણ કરે છે. ઝાડા અને ગળફામાં કૃમિનાં ઈંડાં દેખાવાથી નિદાન થાય છે. ઍન્ટિબાયૉટિક ઉપરાંત કૃમિને મારવા માટે બાયથિયોનોલ નામનું ઔષધ વપરાય છે. ખોરાકને યોગ્ય રીતે રાંધવાથી તેનો ચેપ અટકાવી શકાય છે.
બંકિમ માંકડ
શિલીન નં. શુક્લ