કૃમિજન્ય રોગો (પશુ) : પશુઓનાં શરીરમાં પરોપજીવી તરીકે જીવતા ગોળ અને ચપટા કૃમિઓ દ્વારા ઉદભવતા રોગો. ગોળ કૃમિઓને ગોળકૃમિ (aschelminthes અથવા nemathelminthes) સમુદાયનાં જ્યારે ચપટાં કૃમિઓને પૃથુકૃમિ (platyhelminthes) સમુદાયનાં ગણવામાં આવે છે. કૃમિઓને લગતા વિજ્ઞાનને કૃમિશાસ્ત્ર (helminthology) કહે છે.

ગોળકૃમિઓ દ્વારા ઉદભવતા રોગો : નળાકાર ગોળકૃમિઓ લાંબાં અને બે છેડે સાંકડાં હોય છે. આ પ્રાણીઓમાં સાચી શરીરગુહા (true coelome) હોતી નથી. તેને ખોટી ગુહા (pseudo coel) કહે છે. કૃમિઓની રચના પરથી ગોળકૃમિઓનું વિભાજન રજ્જુકૃમિ (મોટાં કરમિયાં), સૂત્રકૃમિ (નાનાં કરમિયાં, અંકુશકૃમિ જેવા વિવિધ સમૂહોમાં કરવામાં આવે છે. ગોળકૃમિઓ જઠર, આંતરડું, આંત્રપુચ્છ (appendix), ફેફસું, શ્વાસનલિકા જેવાં અંદરનાં અંગોમાં વાસ કરતા હોય છે. કેટલાક કૃમિઓ ચામડી નીચે પણ જોવા મળે છે.

શરીરમાં વાસ કરતા કૃમિઓનાં ઈંડાં અને ડિમ્ભો મળ દ્વારા શરીરમાંથી બહાર પડતાં હોય છે. તેથી સામાન્યપણે મળ તપાસવાથી પશુના કૃમિરોગનું નિદાન કરી શકાય છે. પશુઓમાં થતા પરોપજીવીઓમાં ગોળકૃમિઓનું સ્થાન અગત્યનું છે.

રોગજનક ગોળકૃમિઓનું વર્ગીકરણ : વર્ગ-નેમાટોડા સમૂહ-1 Adenophorea (Aphasmidia) : છિદ્ર જેવાં સંવેદનાંગો(phasmids)નો અભાવ. મહત્વની શ્રેણી : Trichiurida.

સમૂહ – 2 : Secernentea (phasmida) છિદ્ર જેવાં સંવેદનાંગો ધરાવે છે.

મહત્વની શ્રેણીઓ : Strongylida, Ascaridida, Spirurida, Filarida અને Dracunculida.

જુદી જુદી શ્રેણીઓમાં સમાવેશ થતા કૃમિઓ :

શ્રેણી – 1 Trichiurida : શરીરનો આગળનો ભાગ સામાન્યપણે સાંકડો, અન્નનળી કુંઠિત અને સ્ટિકોઝોમા(અંત:સ્થ ગ્રંથિમય સ્તંભો)થી યુક્ત .

1.1. કુળ Trichinellidae :

Trichonella spiralis : ગોળકૃમિઓ ભૂંડ, ઉંદર, માણસ જેવાં સસ્તનોનાં નાનાં આંતરડાંમાં જોવા મળે છે. નર અને માદાની લંબાઈ અનુક્રમે 1.5 મિમી. અને 3.0થી 4.0 મિમી. જેટલી હોય છે, કૃમિનાં ડિમ્ભ યજમાન પ્રાણીની સ્નાયુપેશીમાં વાસ કરતાં હોય છે.

ભૂંડના માંસના ભક્ષણથી, માનવશરીરમાં આ કૃમિનાં ડિમ્ભો (larbas) પ્રવેશે છે. ત્યાં પુખ્ત અવસ્થા પ્રાપ્ત થતાં, નર-માદાના સમાગમથી ઈંડાં પેદા થાય છે. ત્યારબાદ નરકૃમિ મૃત્યુ પામે છે, જ્યારે માદા આંતરડાની લસિકાનળીઓમાં પ્રવેશે છે ત્યાં ડિમ્ભનો વિકાસ થાય છે. વિકસિત ડિમ્ભ રુધિર વાટે સ્નાયુપેશીમાં પ્રવેશીને પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે. આ ડિમ્ભની લંબાઈ 0.8થી 1.0 મિમી. જેટલી હોય છે. પુખ્ત ડિમ્ભ શરીરની આસપાસ આવરણ રચે છે.

આંતરડાંમાં રહેતા કૃમિઓ આંત્રકોપ કરે છે. શરીરમાં રહેવાથી યજમાનની સ્નાયુપેશી અક્કડ બને છે. તેને પરિણામે શરીરનો દુખાવો, શ્વસનક્રિયામાં મુશ્કેલી, મોં પર સોજો જેવી પીડા ઉત્પન્ન થાય છે તેમજ તેને લીધે બહેરાપણું પણ આવે છે. માણસનું લોહી અને ભૂંડના સ્નાયુપેશીના પરીક્ષણથી આ રોગનું નિદાન થઈ શકે છે. ભૂંડનું માંસ ખાવાનું ટાળવાથી માણસના શરીરમાં ડિમ્ભ પ્રવેશતાં નથી. તે જ પ્રમાણે ભૂંડ માણસનો મળ ન ખાય તો તેને આ રોગ થતો નથી.

સારવાર : Thiabenda Embendazole, Fenbendazole Chembendazoleનાં ઔષધો લેવાથી આ કૃમિ નાશ પામે છે.

1.2. કુળ Trichiuridae (Trichocephalidae) : આ કૃમિઓનો પાછલો ભાગ ખૂબ જ જાડો હોય છે, જ્યારે Trichiuris પ્રજાતિના કૃમિઓ યજમાનના આંત્રપુચ્છમાં વાસ કરે છે. (જુઓ સારણી 1.)

આ કૃમિનાં ઈંડાંનો આકાર દારૂના પીપ જેવો હોય છે, જ્યારે એક છેડે પારદર્શક ઢાંકણ આવેલું હોય છે. તે મળ દ્વારા બહાર આવી યોગ્ય પર્યાવરણમાં ડિમ્ભ તરીકે વિકાસ પામે છે, ખોરાક સાથે તે યજમાનના શરીરમાં પ્રવેશીને આંતરડાંને ચોંટી રહે છે. ત્યાં પોતાના આહારરૂપ યજમાનનું લોહી ચૂસે છે. તેને પરિણામે યજમાન પાંડુરોગ, જળશોથ અને મરડા જેવા રોગોથી પીડાય છે. Trichlorofen / Hygramyecin-B / Laevamisol / Tetramisol / Thiophenate / Thiabendazole / Phlorophos Phebentale Phembendaz-ole, Oxy-bendazole જેવી દવા વાપરવાથી કૃમિઓ નાશ પામે છે.

સારણી 1

કૃમિઓનાં નામ યજમાન
1.2.1. T. ovis બકરાં, ઘેટાં, ગાય અને અન્ય વાગોળનારાં પ્રાણીઓ
1.2.2. T. discolour ગાય, ભેંસ, ઘેટાં, બકરાં અને ઝિબ્રા
1.2.3. T. globulosa ઊંટ, ઘેટાં, બકરાં, ગાય અને અન્ય વાગોળનારાં પ્રાણીઓ
1.2.4. T. vulpis કૂતરાં, શિયાળ, લોંકડી
1.2.5. T. campanula બિલાડી
1.2.6. T. suis
1.2.7. T. trichiura માણસ અને વાંદરાં

2.1. કુળ strongylidae : ઘોડા અને તેની નિકટનાં સસ્તનોમાં મોટા આંતરડામાં વાસ કરતા કૃમિઓ :શ્રેણી – 2 સ્ટ્રોંજિલ્યુડા : સામાન્યપણે સૂત્રકૃમિ (threadworms) નામે ઓળખાતા તાંતણાં જેવા આ કૃમિઓ સૂક્ષ્મ કદના હોય છે. આ શ્રેણીના અગત્યના કૃમિઓનો સમાવેશ Storngylidae, Trichonomalidae, Syngamidea, Stephanaridae, Trichostrongylidae, Ancylostomatidae, Dictocaulidae, Metastrongylidae અને Prostrongylidaeમાં થાય છે.

સારણી 2 : કૃમિની લંબાઈ (મિમી.માં)

નામ નર માદા
2.1.1. Strongylis equines 26-35 38-47
2.1.2. S. edantatus 23-38 33-44
2.1.3. S. Vulgaris 14-16 20-24
2.1.4. Tridontophorous

Seratns

9-25 9-25
2.1.5. T. tenuicolis 9-25 9-25
2.1.6. Craterostomum

acuticandatum

2.1.7. O. esophagodontus

robustus

15-16 19-22
2.1.8. Chabertia ovina 13-14 17-20

આ પ્રાણીઓના યજમાન (ઘેટાં, બકરાં અને ગાય) :

2.2. કુળ Trichonematidae : પાલતુ સસ્તનોના મોટા આંતરડામાં આ કૃમિઓ જોવા મળે છે. આ કુળના અગત્યના કૃમિઓ O. esophagostomum, Silicocyclus, Silicodentophorus Poteriostomum, Gylocephalus

2.2.1. O. esophagostomum (O) columbianum : ઘેટાં, બકરાં, ઊંટ અને જંગલી સાબરના શરીરમાં મળતા આ કૃમિઓના નર 12થી 16.5 મિમી. અને માદા 15થી 21.5 મિમી. લાંબાં હોય છે.

2.2.2. O. venulosum : આ કૃમિઓ પણ ઘેટાં, બેકરાં, ઊંટ અને જંગલી સાબરના શરીરમાં વાસ કરે છે. નરની લંબાઈ 11થી 16 મિમી. અને માદા 13થી 24 મિમી. લાંબી હોય છે.

2.2.3. O. radiatum : તે ગાય અને ભેંસના શરીરમાં વાસ કરે છે. નરની લંબાઈ 14થી 17 મિમી., જ્યારે માદા 16થી 22 મિમી. લાંબી હોય છે.

કૃમિઓનાં ઈંડાં યજમાનના મળ સાથે બહાર આવે છે. રોગસંક્રમક ડિમ્ભનો વિકાસ સ્ટ્રૉંગાયલસના વિકાસને મળતો આવે છે. આ ડિમ્ભ અન્નમાર્ગના નાના આંતરડામાં પહોંચતાં તે દીવાલની અંદર પ્રવેશી ચોથી ડિમ્ભ અવસ્થા પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તે દીવાલમાં અન્નમાર્ગમાંથી આવીને મોટા આંતરડામાં પ્રવેશે છે અને પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે.

આ કૃમિ યજમાનના શરીરમાં વધુ સમય સુધી રહેવાથી તેના આંતરડાની દીવાલ સંવેદનશીલ બને છે અને ડિમ્ભની આસપાસ શ્વેતકણો પ્રસરે છે. આંતરડાની દીવાલ નબળી બનીને ત્યાં એક ફોડકી (pimple) જેવું થાય છે. તેની અંદર પરુ એકઠું થાય છે. રોગ સંચારણથી આંતરડાની દીવાલ પર મોટી સંખ્યામાં ફોડકીઓ ઊપસે છે. આ કારણસર આ કૃમિઓ આંતરડામાં ફોડકી ઉપસાવનાર તરીકે ઓળખાય છે. ફોડકી ફાટી જવાથી પરુ શરીરગુહામાં પ્રસરે છે અને યજમાન મૃત્યુ પામે છે.

આકૃતિ 1 : નાનાં કરમિયાંનું પ્રસારણ

આ રોગને લઈને યજમાનને પાતળા ઝાડા થાય છે અને તે અશક્તિ અનુભવે છે. આ રોગને લીધે ઘેટાંની ચામડી સૂકી થતી જાય છે. પરિણામે ચામડી ખરબચડી બનીને ઊન ખરી પડે છે, શરીર ક્ષીણ બને છે અને સ્નાયુપેશીઓ સંકોચાય છે. આ અવસ્થામાં યજમાન 1થી 3 દિવસ સુસ્ત પડી રહે છે અને છેવટે મૃત્યુ પામે છે.

જીવનચક્ર : સ્ટ્રોંગાઇલિડે અને ટ્રાયકોનેમાટિડે કુળના માદા કૃમિએ વિમોચન કરેલાં ઈંડાં મળ વાટે બહાર આવે છે. સામાન્ય તાપમાને (26oથી 28o સે.) તે 20થી 24 કલાકની અંદર પ્રથમ ડિમ્ભાવસ્થા પ્રાપ્ત કરે છે અને જમીનની અંદર વાસ કરતા બૅક્ટેરિયા જેવાનો સ્વીકાર આહાર તરીકે કરીને થોડા સમય માટે સુષુપ્તાવસ્થામાં પડ્યા રહે છે. ત્યારબાદ નિર્મોચન દ્વારા બીજી અવસ્થાના ડિમ્ભમાં રૂપાંતર પામે છે. આ ડિમ્ભો પણ બૅક્ટેરિયા પર જીવતાં હોય છે. થોડોક સમય સુષુપ્તાવસ્થામાં પસાર કર્યા બાદ આશરે સાત દિવસ પછી તે ત્રીજી અવસ્થા પ્રાપ્ત કરે છે. ડિમ્ભની આ અવસ્થા સંક્રમક (infective) ગણાય છે. તે વહેલી સવારે કે સાંજના સમયે તાપમાન ઓછું હોય ત્યારે ઘાસનાં પાંદડાં ઉપર રહે છે. તાપમાન વધે તો તે ફરીથી જમીનમાં ચાલ્યાં જાય છે. પશુઓ ડિમ્ભથી દૂષિત થયેલું ઘાસ ખાય એટલે પશુઓના શરીરમાં તે પ્રવેશે છે.

સારણી 3

દવા

માત્રા, પ્રાણીના કિગ્રા.

વજન દીઠ

1. Phenothiazine 30થી 35 ગ્રામ
2. Thiabendazole 44.00 મિગ્રા.
3. Mebendazole 10.00 મિગ્રા.
4. Fenbendazole 7.50 મિગ્રા.
5. Cambendazole 20.00 મિગ્રા.
6. Oxibendazole 5થી 7 મિગ્રા.
7. Pyrental emboale 10.00 મિગ્રા.
8. Avermectin BIa 50થી 200 માઇક્રોગ્રામ

યજમાન પશુઓમાં જુદા જુદા કૃમિઓ જુદી જુદી રીતે પરિભ્રમણ કરીને અગાઉ જણાવ્યા પ્રમાણે અન્નમાર્ગમાં પ્રવેશે છે. ત્યાં પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે. પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરવા S. equinusને 260 દિવસ, S. edentatusને 320 દિવસ, જ્યારે S. vulgarisને 180થી 210 દિવસ જેટલો સમય લાગે છે. સ્ટ્રોંગાયલસના પુખ્ત કૃમિઓ યજમાનના શરીરમાંથી રુધિર ચૂસતા હોવાથી આ પશુઓ પાંડુરોગ અને જળશોથ જેવા રોગથી પીડાય છે. આ પ્રજાતિનાં ડિમ્ભો પણ યજમાનના શરીરને વધુ નુકસાનકારક નીવડે છે. દાખલા તરીકે S. equinusનાં ડિમ્ભો યકૃત અને સ્વાદુપિંડમાંથી પસાર થતાં રક્તસ્રાવ થાય છે, જ્યારે S. edentatusને લીધે ખોટી ગુહામાં રક્તસ્રાવ થતો હોય છે. પરિણામે ત્યાં રક્ત થીજવાથી તેની જમાવટથી રેસાતંતુઓ નિર્માણ થઈ નાની નાની ગાંઠો ઉત્પન્ન થાય છે. વલ્ગેરિસનું ડિમ્ભ આંતરડાની ધમનીમાંથી પસાર થતાં તેની દીવાલને કોતરે છે. પરિણામે તે પાતળી થઈને ધમની ફૂલે છે (arterial aneurysm), દીવાલ ખરબચડી થવા ઉપરાંત લોહીનો ગઠ્ઠો જામે છે. કોઈક વાર દીવાલ ફાટી પણ જાય છે. પરિણામે યજમાનપ્રાણી અત્યંત પીડા અનુભવે છે અને છેવટે મૃત્યુ પામે છે. Tridontophorous કૃમિઓ યજમાનનાં આંતરડાંની શ્લેષ્મકલાને કોતરતાં હોવાથી ત્યાં ચાંદાં પડે છે. સામાન્યપણે Trichonemitidae કુળના કૃમિઓ પશુઓને ઈજા પહોંચાડતા નથી, પરંતુ આંતરડામાં ઘણાં ડિમ્ભો દાખલ થવાથી ત્યાં નાની ગાંઠો ઉત્પન્ન થાય છે. આકાર અને દેખાવમાં ઈંડાં લગભગ સરખાં હોવાથી, ઈંડાંને મેળવીને સંવર્ધન દ્વારા સંક્રમક ડિમ્ભ નિર્માણ કરીને કૃમિને ઓળખી શકાય છે. આ કૃમિઓના નાશ માટે નીચેની દવાઓ વપરાય છે. (જુઓ સારણી 3.) આમાંની કેટલીક દવાઓ ડિમ્ભ પર પણ અસરકારક છે.

2.3. કુળ syngamidae : આ કુળનાં નર અને માદા એકબીજાં સાથે જોડાયેલાં જોવા મળે છે અને તે યજમાનના શ્વસનતંત્રમાં વાસ કરે છે.

2.3.1. Syngamus trachea : વિવિધ જાતનાં મરઘાં, હંસ અને વિવિધ પક્ષીઓના શરીરમાં મળતાં આ કૃમિઓ શ્વાસનળીની શ્લેષ્મકલાને ચોંટીને લોહી ચૂસે છે. પુખ્ત કૃમિ 2થી 6 મિમી. લાંબું હોય છે, જ્યારે માદાની લંબાઈ 5થી 20 મિમી. જેટલી હોય છે.

માદાએ શ્વાસનળીમાં મૂકેલાં ઈંડાં પક્ષીના ગળફા (cough) સાથે ગળામાં પ્રવેશી અન્નનળીમાં જાય છે અને છેવટે મળ વાટે બહાર પડે છે. મળમાંથી બહાર પડતાં ઈંડાંની અંદર ડિમ્ભો બે વખત નિર્મોચન પામે છે. ખોરાક સાથે અને કેટલાક કિસ્સામાં ભક્ષણ કરેલાં અળસિયાં, ગોકળગાય, માખી જેવાં પ્રાણીઓ દ્વારા પણ ઈંડાં પક્ષીઓનાં શરીરમાં પ્રવેશતાં હોય છે. યજમાનના આંતરડામાં પહોંચતાં આ ઈંડાંનાં ડિમ્ભો બહાર નીકળે છે. ત્યાંથી આંતરડાંની રુધિરવાહિનીઓમાં પ્રવેશી ફેફસાંમાં થઈને રુધિર વાટે શ્વસનનળીમાં પ્રવેશે છે. તેને લીધે યજમાનને જળશોથ થાય છે અને તે ન્યૂમોનિયાથી પીડાય છે. પરિણામે શ્વાસનળીમાં શ્લેષ્મનો સ્રાવ વધે છે અને પ્રાણી શ્વસનમાં તકલીફ અનુભવે છે. તે ચાંચ ખુલ્લી રાખીને શ્વાસ લેવાનો પ્રયત્ન કરે છે.

સારવાર : 0.3થી 1.5 મિગ્રા. માવામાં અથવા તો 0.04 % ખોરાક સાથે મેળવીને 7 દિવસ સુધી Thiabendazole દવા અપાય છે. તે જ પ્રમાણે 0.01 % ખોરાકમાં ભેળવીને Mebendazole આપવાથી પણ રોગમાંથી બચી શકાય છે.

2.3.2. S. laryngeus : આ કૃમિઓ ગાય, બળદ, ભેંસ વગેરે જાનવરોના ગળાની અંદર વાસ કરીને શ્વસનક્રિયામાં અવરોધ ઉત્પન્ન કરે છે.

2.4. કુળ Stepheneuridae : કૃમિઓ મૂત્રપિંડમાં વાસ કરે છે.

2.4.1. Stepheneurus dentatus : ભૂંડ અને સૂવરના શરીરમાં રહેતા આ કૃમિઓના નર લંબાઈમાં 20થી 30 મિમી. અને માદા 30થી 45 મિમી. હોય છે. તેમની મુખગુહા પ્યાલા જેવા આકારની હોય છે. મૂત્રમાંથી ઈંડાં બહાર આવે છે. ત્રીજી અવસ્થા સુધી થતો તેના ડિમ્ભનો વિકાસ સ્ટ્રાગાયલસ કૃમિના જેવો હોય છે. આ ત્રીજી અવસ્થાનું ડિમ્ભ ચામડી વાટે શરીરમાં પ્રવેશી રક્તવાહિનીમાં દાખલ થઈને રુધિર વાટે યકૃતમાં પહોંચે છે. ત્યાં ત્રણેક મહિના પડી રહ્યા બાદ ખોટી ગુહા દ્વારા મૂત્રપિંડમાં પ્રવેશે છે અને પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે.

તે ચામડી પર ગાંઠ ઉપજાવે છે, જ્યારે તેની સાથે સંકળાયેલી લસિકાગ્રંથિ ફૂલે છે. ઉપરાંત યકૃતમાં દાખલ થયેલાં ડિમ્ભ યકૃતની પેશીને રેસામય બનાવે છે. પરિણામે યજમાન જળોદરનો ભોગ બનવાની શક્યતા વધે છે. આ કૃમિજન્ય રોગની સારવાર માટે કોઈ અસરકારક દવા પ્રાપ્ય નથી.

2.5. કુળ : Trichostrongylidae : આ કૃમિઓની મુખગુહા અપૂર્ણ વિકસિત હોય છે. તે જુદાં જુદાં સસ્તન પ્રાણીઓના અન્નમાર્ગમાં રહેતા હોય છે.

2.5.1. Trichostrongylus Columbriformis : આ કૃમિ ઘેટાં, બકરાં, ગાય, ભેંસ, ઊંટ વગેરેનાં આંતરડાંમાં હોય છે. નર અને માદાની લંબાઈ અનુક્રમે 4.0-5.5 મિમી. અને 5.0-7.0 મિમી. હોય છે.

2.5.2. T. vitrinus : ઘેટાં, બકરાં, હરણ, ભૂંડ, સસલાં જેવાં પ્રાણીઓનાં આંતરડાંમાં વાસ કરનારા કૃમિઓ. નરની લંબાઈ 4.0થી 5.5 મિમી.; માદાની 5.0થી 7.0 મિમી.

2.5.3. T. axei : ઘેટાં, બકરાં, ગાય અને ભેંસના ચોથા આમાશયમાં અને ઘોડા, ગધેડાં, ભૂંડ અને માણસોના જઠરમાં વાસ કરે છે.

2.5.4. Ostertegia Ostertegi : ગાય, બકરાં અને ઘેટાંના ચોથા આમાશયમાં વાસ કરનારા આ કૃમિઓમાં નર 6.5થી 7.5 મિમી. લાંબો અને માદા 8.0થી 9.5 મિમી. જેટલી લાંબી હોય છે.

2.5.5. O. circumcincta : ઘેટાં અને બકરાંના ચોથા આમાશયમાં પરોપજીવી તરીકે વાસ કરે છે. નર 7.5થી 8.5 મિમી. લાંબા જ્યારે માદા 9.0થી 12.5 મિમી. લાંબી હોય છે.

2.5.6. O. trifurcata : ઘેટાં, બકરાં અને ગાયના ચોથા આમાશયમાં વાસ કરનારા કૃમિઓ. નર 6.0થી 7.0 મિમી. લાંબા, જ્યારે માદાની લંબાઈ 8.0થી 9.0 મિમી.

2.5.7. Marshallegia marshallii : ઘેટાં, બકરાં અને વાગોળનારાં વન્ય પ્રાણીઓનાં શરીરમાં વાસ. નર અને માદા અનુક્રમે 10.0થી 13.0 અને 12.0થી 20.0 મિમી. લાંબાં.

2.5.8. Coopena curtice : ઘેટાં અને બકરાંના નાના આંતરડામાં વાસ. લંબાઈ – નર 4.5થી 5.5 મિમી., માદા 5.5થી 6.5 મિમી.

2.5.9. C. punctata :

2.5.10. C. pectinata : ગાય, ભેંસ અને કોઈક વાર ઘેટાંના નાના આંતરડામાં પરોપજીવી તરીકે વાસ કરનાર કૃમિઓ. લંબાઈ નર 7.0 મિમી અને માદા 7.5થી 9.0 મિમી. ગાય અને ભેંસના કોઈકવાર નાના આંતરડામાં વાસ કરનાર કૃમિઓ. નર 4.5થી 6.0 મિમી. લાંબા અને માદાની લંબાઈ 5.5થી 7.5 મિમી.

2.5.11. C. oncophora : ગાય અને ઘેટાંનાં આંતરડાંમાં પરોપજીવી જીવન. નર અને માદાની લંબાઈ અનુક્રમે 5.5થી 9.0 મિમી. અને 6.0થી 8.0 મિમી.

ઘેટાં, બકરાં ગાય અને ભેંસનાં નાનાં આંતરડાંમાં વાસ કરતા Nematodirus પ્રજાતિના કૃમિઓ.

2.5.15. Haemonhcus Contoruts : વાગોળનારાં સસ્તનોના ચોથા આમાશયમાં વાસ કરતા કૃમિઓ.

સારણી 4

લંબાઈ (મિમી.માં)
નર માદા
2.5.12. N. spathiger 10થી 15 15થી 23.0
2.5.13. N. battes 10થી 16 15થી 24.0
2.5.14. N. filicollis 10થી 16 15થી 24.0

2.5.16. H. Placei : ગાય અને ભેંસના ચોથા આમાશયમાં પરોપજીવી તરીકે જીવતા કૃમિ.

2.5.17. H. longistipes : ઊંટના જઠરમાં વાસ કરનાર કૃમિ.

Haemonchus પ્રજાતિના નર કૃમિઓ 10થી 12 મિમી. લાંબા હોય છે, જ્યારે માદાની લંબાઈ 18થી 30 મિમી. જેટલી હોય છે.

2.5.18. Mecistocirrus digitatus : કૃમિઓ ગાય, ભેંસ, ઘેટાં અને બકરાંના ચોથા આમાશયમાં વાસ કરે છે. નર અને માદાની લંબાઈ અનુક્રમે 31.0 અને 43.0 મિમી. જેટલી હોય છે.

ઉપર્યુક્ત બધા કૃમિઓનું જીવનચક્ર લગભગ સરખું હોય છે. મળમાંથી બહાર નીકળતાં ઈંડાં સામાન્ય તાપમાને પ્રથમ અવસ્થાના ડિમ્ભમાં વિકાસ પામે છે. Strongylidaeના ડિમ્ભની જેમ વિકાસ પામી બીજી અવસ્થામાં પ્રવેશે છે. સાતેક દિવસમાં આનો વિકાસ ત્રીજી અવસ્થાના સંક્રમક ડિમ્ભમાં થાય છે. વહેલી સવારે કે મોડી સાંજે તે યજમાનના શરીરમાં પ્રવેશી અન્નમાર્ગમાં સ્થાયી બને છે. તેથી જ આ કૃમિઓ દ્વારા ઊપજતા રોગોને કૃમિજન્ય જઠરાંત્ર કોપ (parasitic gastro enteritis) કહે છે. આ કૃમિની સાથે કોઈક વાર આંકડી કૃમિ (hook worm) અને ચાબુક કૃમિ (whip worm) પણ વાસ કરતા હોય છે.

શ્લેષ્મકલાની નીચે રહેતા ટ્રાયકોસ્ટ્રૉંગાયલસ અને નેમેટોડાયરસને લીધે યજમાનનાં આંતરડાંમાં ચીકણું પ્રવાહી એકઠું થાય છે અને અધિચ્છદીય કોષો ઝડપથી વિકાસ પામે છે. ઑસ્ટરટેજિયાની હાજરીથી યજમાનના જઠરમાં નાની ગાંઠો થાય છે અને જઠરગ્રંથિઓ નાશ પામે છે. હીમોંક્સ અને મિસિસ્ટોરસ કૃમિઓ લોહી ન જામે તે માટે અવરોધી સ્રાવનું વિમોચન કરતા હોવાથી શરીરમાંથી લોહી સતત વહ્યા કરે છે અને યજમાન પાંડુરોગનો ભોગ બને છે.

આ કૃમિઓની હાજરીને પરિણામે એનિમિયા, જળશોથ (ખાસ કરીને નીચલાં જડબાંની વચ્ચે), શારીરિક નબળાઈ, હાડકાંનો અધૂરો વિકાસ અને સતત પાતળા ઝાડા જેવાં ચિહનો જોવા મળે છે. વિપરીત સંજોગોમાં દર્દી મૃત્યુ પામે છે.

કૃમિજન્ય જઠરાંત્રકોપ પશુઓનો એક ભયંકર રોગ છે. ચોમાસાની ઋતુની શરૂઆત થતાં આ રોગ ખાસ કરીને ઘેટાં-બકરાંમાં ત્રણથી ચાર અઠવાડિયાંમાં ફાટી નીકળે છે. આ રોગના ઉપચાર માટે વપરાતી દવાઓને 4 સમૂહોમાં વહેંચી શકાય.

સમૂહ – 1 : Benzimidazole અને Probenzimidazole સમૂહ, Thiabendazole, Parbendazole, Chembendazole, Mebendazole, Fenbandazole, Oxbendazole, Albendazole, T-ebantel, Thiophenate વગેરે.

સમૂહ – 2 : Levamisol અને morantel સમૂહ : Tetramisol moranteltartarate અને M. citrate

સમૂહ – 3 : Salicylanilides સમૂહ : Disophenol closantel વગેરે.

સમૂહ – 4 : Organophosphates સમૂહ : Haloxon Crufomale, Coumaphos, Napthalophos વગેરે.

આ ઉપરાંત phenothiazine દવા કેટલાંક વર્ષોથી વપરાય છે. હાલમાં શોધાયેલી ivermectin દવા કૃમિઓ તેમજ બાહ્યપરોપજીવીઓ ઉપર પણ ઉપયોગી છે. જોકે કૃમિઓ દવાઓ સામે પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરે છે. તેથી દર વર્ષે એક જ દવા આપવાને બદલે જુદી જુદી દવાઓનો ઉપયોગ કરવો હિતાવહ ગણાય છે.

2.6. કુળ Ancylostomatidae :

અંકુશકૃમિ નામે ઓળખાતા આ સૂત્રકૃમિઓ પૂર્ણવિકસિત મુખગુહા ધરાવે છે. તેની નીચેની ધાર પર દાંત અથવા દાંત જેવા આકારની કાઇટિનની બનેલી તકતીઓ આવેલી હોય છે. કૃમિનો આગળનો ભાગ આંકડી (hook) જેવો વળેલો હોય છે. અંકુશકૃમિઓ યજમાનના નાના આંતરડામાં રહી વિપુલ પ્રમાણમાં લોહીને ચૂસતા હોય છે. અંકુશકૃમિઓને બે ઉપકુળમાં વહેંચી શકાય : Ancylostominae : અને Necatorinae.

ઉપકુળ 2.6.1. Ancylostominae : આ કૃમિઓને દાંતની 4 જોડ હોય છે.

2.6.1.1. Ancylostoma (A) caninum : આ કૃમિ કૂતરાં, શિયાળ, વરુ અને અન્ય માંસાહારી સસ્તનોમાં વાસ કરે છે. તેના નર 10થી 12 મિમી. લાંબા જ્યારે માદા 14થી 16 મિમી. લાંબી હોય છે.

2.6.1.2. A. tubiforme બિલાડીના શરીરમાં વાસ કરે છે. નર અને માદાની લંબાઈ અનુક્રમે 9.5થી 11.0 અને 12થી 15 મિમી. હોય છે.

2.6.1.3. A. braziliense : કૂતરાં, બિલાડી, શિયાળ અને કોઈ વખત માણસના આંતરડામાંથી લોહી ચૂસતા આ કૃમિની લંબાઈ 6.5થી 10.0 મિમી. વચ્ચે હોય છે. માદા પ્રમાણમાં સહેજ વધારે લાંબી હોય છે.

2.6.1.4. A. Ceylonicum : પૂર્વ એશિયાના શ્રીલંકા અને મલયેશિયા જેવા વિસ્તારમાં કૂતરાં, બિલાડી અને વાઘના શરીરમાં વાસ કરે છે.

2.6.1.5. A. daodenale : યુરોપ, આફ્રિકા, પશ્ચિમ એશિયા, જાપાન અને ચીન જેવા દેશોમાં માણસના શરીરમાં વાસ કરે છે.

2.6.1.6. Agriostomum Vryburgi-નામથી ઓળખાતા આ કૃમિઓ ભારત અને સુમાત્રામાં ગાય અને બળદના શરીરમાં વાસ કરે છે. નર 9થી 11 મિમી. લાંબા જ્યારે માદા 13.0થી 15.6 મિમી. હોય લાંબી છે.

ઉપકુળ 2.6.2. Necatorinae : આ કૃમિઓ કાઇટિનના બનેલા દાંત જેવી તકતીઓ ધરાવે છે.

2.6.2.1. Unicinaria stenocephala : કૂતરાં, બિલાડી અને શિયાળમાં રહેતા આ કૃમિઓની માદા નર કરતાં સહેજ વધારે લાંબી હોય છે. સરેરાશ લંબાઈ 5થી 12.0 મિમી.

2.6.2.2. Necator americanus : કૃમિ માણસના શરીરમાં જોવા મળે છે.

2.6.2.3. Bunostomum trigonocephalum : ઘેટાં, બકરાં અને ગાયના શરીરમાં વાસ કરતા આ કૃમિઓના નર 12થી 17 મિમી, જ્યારે માદા 19થી 26.0 મિમી. લાંબાં હોય છે.

2.6.2.4. B. Phlebotonum : ગાય અને બળદના શરીરમાં વાસ કરે છે. નરની લંબાઈ 10થી 18 મિમી., જ્યારે માદા 24થી 28 મિમી. હોય છે.

2.6.2.5. Gaigeria pachyseelis કૃમિઓ ભારતીય ઉપખંડમાં ઘેટાં અને બકરાંનાં શરીરમાં વાસ કરે છે. નર અને માદાની લંબાઈ અનુક્રમે 20 અને 30 મિમી. હોય છે.

એક લાક્ષણિક અંકુશકૃમિ તરીકે A. caninumના જીવનચક્રની વિગતો :

યજમાનના શરીરમાંથી બહાર આવેલાં ઈંડાંનો સંક્રમક ડિમ્ભ સુધીનો વિકાસ સ્ટ્રૉંગાયલસના ડિમ્ભના વિકાસને મળતો આવે છે, પરંતુ મુક્ત પર્યાવરણમાં વિકાસ પામતું આ ડિમ્ભ યજમાનના શરીરમાં જુદી જુદી રીતે પ્રવેશી શકે છે. સામાન્ય રીતે આ ડિમ્ભ યજમાનની ચામડીને છેદીને રક્તવાહિનીઓ દ્વારા રુધિરમાં પ્રવેશતું હોય છે. ત્યારબાદ યકૃત કે ફેફસાંમાંથી પસાર થઈને નાના આંતરડામાં જઈને ત્યાં સ્થાયી બને છે. પરંતુ જો ડિમ્ભને જિલેટિન કૅપ્સ્યુલ દ્વારા સીધું જઠરમાં ધકેલવામાં આવે તો ત્યાંથી તે તરત જ નાના આંતરડામાં પ્રવેશે છે અને સ્થાયી બને છે. જો ડિમ્ભને યજમાનના મોંમાં મૂકવામાં આવે તો તે મુખગુહા કે કંઠનળીની શ્લેષ્મકલા વાટે રક્તવાહિનીમાં પ્રવેશે છે અને છેવટે નાના આંતરડા સુધી પહોંચીને ત્યાં સ્થાયી બને છે.

મોટી ઉંમરના યજમાનમાં પ્રવેશેલાં ડિમ્ભો કેટલીક વાર સ્નાયુપેશીમાં પ્રવેશી ત્યાં સુષુપ્ત અવસ્થામાં પડ્યાં રહે છે. તે પ્રમાણે ડિમ્ભો યજમાનના આંચળમાં પ્રવેશીને ત્યાં સુષુપ્ત બને છે. પરંતુ યજમાન ગર્ભાવસ્થા પ્રાપ્ત કરે તો તે ફરીથી ક્રિયાશીલ બની રુધિર વાટે વિકસતા ગર્ભના શરીરમાં પ્રવેશે છે. સામાન્યપણે સ્નાયુપેશીમાં વસતાં ડિમ્ભો યજમાનની ગર્ભાવસ્થામાં ક્રિયાશીલ બની માતાના દૂધ વાટે સંતાનના શરીરમાં પ્રવેશે છે. સંતાનના જન્મ પછી 14થી 18 દિવસના ગાળામાં તેના શરીરમાં ડિમ્ભ પ્રવેશી શકે છે. ચામડી વાટે જ્યારે ડિમ્ભ યજમાનના શરીરમાં પ્રવેશે છે ત્યારે ખૂબ જ ખંજવાળ આવે છે અને ચામડી બરછટ બને છે.

સારણી 5

1. Tetrachlorothylene 0.2 મિલી.
2. Bephanium 20 મિગ્રા. (B. chloride, B. bromide

Briodide અને B. hydroxynapthoid)

3. Disophenol 7.5. મિગ્રા. ચામડી નીચે ઇંજેક્શન દ્વારા
4. Tetramisol 7.5થી 10 મિગ્રા. ચામડી નીચે ઇંજેક્શન

દ્વારા અથવા 20.0 મિગ્રા. મોં વાટે.

5. Dichlorvos 12થી 15 મિગ્રા.
6. Mebendazole 40.00 મિગ્રા. એકીસાથે અથવા

10.0 મિગ્રા. 2થી 5 વખત

7. Thiabendazole 20.0 મિગ્રા.
8. Phenabendazole 20.0 મિગ્રા.
9. Nitroscanate 50.0 મિગ્રા.

યજમાનના નાના આંતરડામાં પ્રવેશ પામેલાં ડિમ્ભો પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરતાં હોય છે. આ પુખ્ત વયના કૃમિઓ આંતરડાની દીવાલને ચોંટીને સતત લોહી ચૂસ્યા કરે છે. પરિણામે પીડિત યજમાન પાંડુરોગ, જળશોથ, જલોદર વગેરે રોગોથી પીડાય છે. યજમાનનાં બચ્ચાંમાં લોહીનું પ્રમાણ ઓછું હોવાથી તેના પર પાંડુરોગની અસર વધુ થતાં કદાચ તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.

A Caninum 24 કલાકમાં 0.01થી 0.09 સી.સી. જેટલું લોહી ચૂસી શકે છે, જ્યારે અન્ય અંકુશકૃમિઓ 0.001થી 0.003 સીસી. જેટલું લોહી ચૂસતાં હોય છે. પાંડુરોગથી પીડાતા યજમાનની ચામડી સૂકી થઈ જાય છે. શરીર પરના વાળ ખરી પડે છે અને શરીર નબળું બને છે. કોઈક વાર તેને લોહીયુક્ત ઝાડા પણ થાય છે. ઘેટાં, બકરાં અને ગાયોમાં સામાન્યપણે જળશોથ જડબાં વચ્ચે થાય છે. તેની આ અવસ્થાને bottlejaw કહે છે.

કૂતરાં, શિયાળ અને વરુ જેવાં પ્રાણીઓમાં થતા આ કૃમિરોગની સારવાર માટે રોગીના પ્રત્યેક કિલોગ્રામ વજન દીઠ નીચેની માત્રામાં દવા અપાય છે. (જુઓ સારણી 5.)

કુળ 7 – ડિકિટયોલિડે : આ કૃમિઓ યજમાનની શ્વસન-નલિકામાં જોવા મળે છે.

સારણી 6

કૃમિની લંબાઈ મિમીમાં
નામ યજમાન નર માદા
2.7.1. Dictyocolus

filaria

ઘેટાં, બકરાં 3.8 5થી 10.00
2.7.2. D. viviparous ગાય, ભેંસ,

હરણ, ઊંટ

4.0થી

5.5

6થી 8
2.7.3. D. armfieldi ઘોડાં, ગધેડાં 3.6 6.0

ડિમ્ભ ગળફા વાટે અન્નમાર્ગમાં પ્રવેશે છે. ત્યાંથી મળદ્વાર વાટે બહાર આવેલાં કૃમિનાં ઈંડાંની અંદર પ્રથમાવસ્થાનાં ડિમ્ભ હોય છે. તે ત્રીજી અવસ્થાનાં બનતાં, ખોરાક સાથે યજમાનના શરીરમાં પ્રવેશે છે. ત્યાંથી આંતરડાં સુધી પહોંચી ગયા બાદ અન્નમાર્ગની દીવાલ વાટે લસિકાગ્રંથિમાં જાય છે. ત્યાં નિર્મોચનથી ચોથી અવસ્થા પ્રાપ્ત કરે છે. આ અવસ્થામાં નરને માદાથી જુદા પાડી શકાય. આ અવસ્થામાં ડિમ્ભ હવે રક્તવાહિનીમાં પ્રવેશી ફેફસાંમાં જાય છે. છેવટે શ્વસનનલિકામાં જઈ ત્યાં પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે.

શ્વસનનલિકા ઉપરાંત ત્યાં અથવા શ્વસનતંત્રના અન્ય ભાગમાં પણ કેટલાક સ્ટ્રૉંગાયલિકા શ્રેણીના કૃમિઓ વાસ કરતા હોય છે. તે બે યજમાનોના શરીરમાંથી પસાર થઈ જીવનચક્ર પૂરું કરે છે.

કુળ 8 – Metastrongylidae : આ કુળના Metastrongylatus elongatus કૃમિઓ ભૂંડ અને જંગલી સૂવરની શ્વાસનલિકા અને ફેફસાંમાં વાસ કરે છે. અળસિયું તેમનો અન્ય યજમાન છે. નર 25.0 મિમી. લાંબો હોય છે જ્યારે માદાની લંબાઈ 58.0 મિમી. હોય છે.

કુળ 9 – Protostrongylidae : આ કુળના કૃમિઓ શ્વાસનલિકાઓમાં વાસ કરતા હોય છે, જ્યારે તેના બીજા યજમાન તરીકે ગોકળગાય હોય છે.

સારણી 7

લંબાઈ મિમીમાં
નામ યજમાન નર માદા
 2.9.1. Protostrongylus

Rufesccens

ઘેટાં, બકરાં

હરણ

17થી 28 25થી 35
 2.9.2. P. capilaris ઘેટાં,

બકરાં

12થી 14 16થી 24

Meta અને Protostrongylidae કુળના કૃમિઓનાં ડિમ્ભ સૌપ્રથમ તેમના અપૃષ્ઠવંશી યજમાનના શરીરમાં દાખલ થાય છે અને ત્યાં વિકાસની ત્રીજી અવસ્થા પ્રાપ્ત કરે છે. ત્રીજી અવસ્થાના ડિમ્ભ ધરાવતા યજમાનને પશુઓ ખોરાક માટે આકસ્મિક રીતે ગળી જાય તો તે ડિમ્ભ પશુઓના શરીરમાં પ્રવેશે છે. મધ્યસ્થ યજમાનના શરીરમાંથી ડિમ્ભ બહાર આવીને છેવટે નાના આંતરડામાં પ્રવેશે છે. ત્યાં દીવાલને છેદીને લોહીમાં પ્રવેશે છે અને પરિવહનથી ફેફસાં સુધી પહોંચી ત્યાં સ્થાયી બને છે.

શ્વસનતંત્રમાં પ્રવેશેલા ફુપ્ફુસ કૃમિઓ ખૂબ જ હાનિકારક નીવડે છે. સૌપ્રથમ યજમાનના ફેફસામાં કફ એકઠો થાય છે અને ફેફસું સંકોચાય છે. પરિણામે જાનવરને ખૂબ જ ઉધરસ આવે છે અને ફેફસાના અમુક ભાગ ફૂલે છે. કફ શ્વાસનળીમાં ભરાઈ જતાં પશુ શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે. ઉપરાંત ફેફસાની અંદર પાણી ભરાવાથી પશુ ન્યુમોનિયાથી પીડાય છે. કૅપિલારિસ કૃમિને લીધે ફેફસામાં 2.0 સેમી. વ્યાસની ભૂખરા રંગની ગાંઠો પણ ઉત્પન્ન થાય છે.

ફુપ્ફુસ કૃમિઓના રોગની સારવાર માટે cynacethydrazide, diethyl – carbamazide, methyride, tetramesol, levamisole, morantale, albendazole, fenbendazole, oxbendazole જેવી દવા ઉપયોગી નીવડે છે.

ઉત્તર-પહાડી પ્રદેશોનાં ઘેટાં અને બકરાંમાં Dictyocolus કૃમિઓ મોટી સંખ્યામાં વાસ કરતા હોય છે. આ કૃમિઓના પ્રતિકાર માટે ઇન્ડિયન વેટરિનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IVRI) – ઇજ્જતનગર અને તેની શાખામાં રસી તૈયાર કરવામાં આવી છે. રસી તૈયાર કરવામાં સૌ પ્રથમ ત્રીજી અવસ્થાનાં ડિમ્ભોને ભેગાં કરી એક્સ-કિરણો દ્વારા તેમને વંધ્ય બનાવવામાં આવે છે. ત્યારબાદ રસી બનાવાય છે.

શ્રેણી – 3 Ascaridida : આ શ્રેણીના કૃમિઓ આગળ પડતા ત્રણ હોઠ ધરાવે છે, મુખગુહા અસ્પષ્ટ હોય છે અને પુખ્ત કૃમિઓમાં અન્નનલી કંદ(oesophageal bulb)નો અભાવ હોય છે. કદમાં લાંબા હોવાથી સામાન્યપણે તે મોટા કરમિયા (રજ્જુકૃમિ) તરીકે ઓળખાય છે.

3.1. કુળ Ascaridae : આ કુળના કૃમિઓ જુદાં જુદાં સસ્તનોના શરીરમાં પરોપજીવી જીવન ગુજારતા હોય છે.

3.1.1. Ascaris suum : ભૂંડ, સૂવર, ડુક્કર જેવાં પ્રાણીઓના શરીરમાં વાસ કરતા આ કૃમિઓના નરની લંબાઈ 15.0થી 25.0 મિમી. જ્યારે માદાની 15.0થી 40.0 મિમી. હોય છે.

3.1.2. Ascaris lumbricoides : સ્વાસ્થ્યરક્ષા(sanitation)ના અભાવે માનવશરીરમાં પરોપજીવી જીવન પસાર કરનાર કરમિયાં, લંબાઈ 10 સેમી.થી 25 સેમી.

3.1.3. Parascaris equorum : ઘોડા અને તેની નિકટનાં પશુઓના શરીરમાં વાસ કરતા આ કૃમિઓના નરની લંબાઈ 15થી 28 મિમી. જેટલી, જ્યારે માદાની લંબાઈ 27થી 50 મિમી. જેટલી હોય છે.

3.1.4. Taxoscaris leonina : બિલાડી, કૂતરાં, શિયાળ, વાઘ અને સિંહ જેવાં પ્રાણીઓનાં શરીરમાં વાસ કરતા આ કૃમિઓ 7.0થી 10.0 સેમી. લાંબા હોય છે.

3.1.5. Toxocora cati : પાળેલી તેમજ વન્ય બિલાડીઓનાં શરીરમાં મળતા કૃમિઓ; નર 10 સેમી. લાંબા અને માદા 18 સેમી. લાંબી.

3.1.6. T. canis : કૂતરા અને શિયાળમાં પરોપજીવી તરીકે રહેતા કૃમિઓ. નર 3.0થી 6.0 સેમી. લાંબા અને માદા 4.0થી 10.0 સેમી. લાંબી હોય છે.

3.1.7. T. vitulorum : ગાય અને ભેંસના શરીરમાં વાસ કરતા આ કૃમિઓ 25થી 300 સેમી. લાંબા હોય છે.

Ascaridae કુળના કૃમિઓ સામાન્યપણે યજમાનના જઠરમાં અથવા નાના આંતરડામાં વાસ કરે છે. આ કૃમિઓનાં ઈંડાં યજમાનના મળ સાથે બહાર આવે છે. બહાર આવતાં તે ડિમ્ભમાં વિકાસ પામે છે. આ ડિમ્ભનું નિર્મોચન ઈંડાની અંદર જ થતું હોય છે. બીજી અવસ્થાવાળું ડિમ્ભ ધરાવતું ઈંડું ખોરાક સાથે યજમાનના શરીરમાં પ્રવેશે છે. તે આંતરડામાં (કે જઠરમાં) પહોંચતાં ઈંડાના કવચમાંથી ડિમ્ભ બહાર આવે છે અને આંતરડાની સપાટીની અંદર આવેલી રક્તવાહિનીમાં પ્રવેશે છે. T. leonina ત્યાં લાંબો સમય રહી છેવટે પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે, જ્યારે A. suum, A. lumbricoides, P. equorum અને T. cati – રક્ત દ્વારા યકૃતમાં પહોંચે છે. ત્યાં થોડોક સમય રહ્યા બાદ ત્યાંથી હૃદયમાં થઈને ફેફસાંમાં પ્રવેશે છે. દરમિયાન ડિમ્ભ ત્રીજી અવસ્થા પ્રાપ્ત કરે છે. ફેફસાંમાં થોડોક સમય પસાર કર્યા બાદ કફ સાથે ગળામાં આવે છે. ત્યારબાદ ગળફા વાટે તે અન્નમાર્ગમાં પહોંચીને પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે.

T. canis અને T. vitulorum રુધિરમાં એક વાર પ્રવેશતાં ત્યાંથી યકૃત, ફેફસાં, મગજ અને આંચળ જેવાં અંગોમાં પ્રવેશીને ત્યાં સુષુપ્તાવસ્થામાં પડ્યાં રહે છે. કૂતરીના ગર્ભધારણના એકતાલીસમે દિવસે અને સગર્ભા ગાય કે ભેંસના આઠમા મહિને આ ડિમ્ભ ફરીથી ક્રિયાશીલ બની રુધિર દ્વારા યજમાનના વિકસતા ગર્ભના શરીરમાં પ્રવેશે છે. જોકે બચ્ચાના જન્મ પછી પણ દૂધ કે ખીરા મારફતે તેના શરીરમાં પ્રવેશતા હોય છે. ડિમ્ભ ખોરાક સાથે ઉંદર, સસલું અને ખિસકોલી જેવાં પ્રાણીઓના શરીરમાં જાય તો ત્યાં જુદા જુદા અવયવોમાં પ્રવેશ કરી ત્યાં સુષુપ્ત અવસ્થામાં સમય વિતાવે છે. કૂતરાં, બિલાડી અને વન્ય સસ્તનો આવાં પ્રાણીઓનું ભક્ષણ કરે તો પણ આ રોગનો સંચાર યજમાનના શરીરમાં થઈ શકે છે. અહીં ભક્ષ્ય પ્રાણીઓ મધ્યસ્થ યજમાનની ગરજ સારે છે.

આકૃતિ 2 : મોટાં કરમિયાંનો વિકાસ

રજ્જુકૃમિઓ યજમાનને ખૂબ જ નુકસાનકારક નીવડે છે. કૃમિઓથી પીડિત પ્રાણીઓ ખોરાકને બરાબર પચાવી શકતાં નથી અને શરીર નબળું પડે છે. યકૃત અને ફેફસાંમાંથી ડિમ્ભ પસાર થતાં યકૃત વિકૃતિ અનુભવે છે, જ્યારે ફેફસાંમાં સોજો આવવાથી યજમાનને ન્યુમોનિયા થાય છે, યજમાનનું પેટ ફૂલે છે અને મળ ખૂબ જ ગંધાય છે. કૃમિઓના ઉપદ્રવથી ભેંસનાં લગભગ 35 % બચ્ચાં મૃત્યુનો ભોગ બને છે. જો કૃમિઓ પિત્તવાહિનીમાં દાખલ થાય તો પિત્તના સ્રોતમાં અવરોધ ઉત્પન્ન કરે છે અને યજમાનમાં કમળાનાં ચિહનો દેખાવા માંડે છે. જો અન્નમાર્ગમાં કૃમિઓ વધુ સંખ્યામાં આવેલા હોય તો અન્નમાર્ગમાં અવરોધ ઉત્પન્ન થતાં યજમાન મૃત્યુ પામે છે.

આ રોગના ઉપચાર માટે Piperazine સંયોજનો, diethyl carobamazine citrate, Benminth (purantel mebandazole, fenbendazole અને levamisole જેવી દવાઓ ઉપયોગી છે. આ દવા માતાના ગર્ભધારણના છેલ્લા દિવસોમાં અને નવજાત બચ્ચાંને 10 દિવસની અંદર આપવાની હોય છે.

શ્રેણી – 4 Spirurida : બે પાર્શ્વ હોઠો ધરાવતા આ શ્રેણીના કૃમિઓ બે યજમાનોનાં શરીરમાંથી પસાર થતા હોય છે – પશુ અને કીટક. બધા કૃમિઓનો સમાવેશ Spiruridae કુળમાં થાય છે.

(ક) મધ્યસ્થ યજમાન તરીકે માખી 4.1.1. Herbronema muscae અને 4.1.2. H. (drashia) megastroma કૃમિઓ ઘોડાના જઠરમાં વાસ કરે છે.

4.1.3. Thalazia rhodesii અને 4.1.4. T. lacrimalis કૃમિઓ ગાય, ભેંસ, બકરાં, ઘેટાં તેમજ ઘોડાની આંખોમાં જોવા મળે છે.

(ખ) મધ્યસ્થ યજમાન તરીકે તબેલા-માખી 4.1.5. Herbostroma (majus) microstoma : ઘોડાના જઠરમાં વાસ કરનાર કૃમિ.

(ગ) મધ્યસ્થ યજમાન તરીકે ઢાલકીટક (beetle) : 4.1.6. spiroserca lupi, કૂતરાં, શિયાળ, લોંકડી જેવાં પ્રાણીઓનાં અન્નનળી, જઠર અને સંલગ્ન શિરાઓમાં વાસ કરતા કૃમિઓ.

લોહી ચૂસીને જીવનાર તબેલા-માખીના મુખાંગ માટે H. microstoma યજમાનના રુધિરમાં પ્રવેશે છે. સૌપ્રથમ યજમાનના લોહી સાથે ડિમ્ભ તબેલા-માખીના શરીરમાં પ્રવેશીને ત્યાં વિકાસ પામે છે. યજમાનનું લોહી ચૂસતી વખતે માખી દ્વારા ડિમ્ભનું પ્રસ્થાપન નવા યજમાનના હોઠ, નાસિકા અથવા શરીરના અન્ય ભાગ પર થાય છે. આ ભાગને ચાટવાથી ડિમ્ભ નવા યજમાનના શરીરમાં પ્રવેશે છે.

પીડિત યજમાનના મળ વાટે મસ્કા જેવા કૃમિઓનાં ઈંડાં બહાર આવતાં આવા દૂષિત મળમાં વૃદ્ધિ પામનાર મધ્યસ્થ યજમાન માખીઓના શરીરમાં દાખલ થઈ આ કૃમિઓના ડિમ્ભો વિકાસ પામે છે. વિકાસ પામેલા ડિમ્ભો ઘાસ જેવા ખોરાક સાથે પશુ યજમાનના શરીરમાં પ્રવેશે છે.

શ્રેણી – 5 Filarida : આ શ્રેણીનાં પ્રાણીઓ હોઠ વગરનાં હોય છે. જીવનચક્રના ભાગ રૂપે કિશોરાવસ્થામાં કૃમિઓના ડિમ્ભયુક્ત લોહીને ચૂસવાથી, કૃમિનાં ડિમ્ભો લોહીચૂસી કીટકના શરીરમાં પ્રવેશે છે.

5.1.1. Filaroides osleri : કૂતરાનાં ફેફસાં અને શ્વાસનલિકાઓમાં જોવા મળતા આ કૃમિને મધ્યસ્થ યજમાન હોતો નથી. તે શ્વાસનલિકાની અંત:સ્થ સપાટીની અંદર રહી, નાની નાની ગાંઠો ઉત્પન્ન કરે છે. પરિણામે કૂતરું શ્વસનક્રિયામાં તકલીફ અનુભવે છે અને ખાઈ શકતું નથી. શરીર ક્ષીણ થતાં તે મૃત્યુ પામે છે.

5.1.2. Aelurostrongylus obstrusus : બિલાડીનાં ફેફસાંમાં જીવન પસાર કરતા કૃમિ. મધ્યસ્થ યજમાન તરીકે ગોકળગાય હોય છે.

5.1.3. A cantonesis : સામાન્યપણે તે ઉંદરનાં ફેફસાંમાં વાસ કરતા હોય છે. જોકે અપરિપક્વ અવસ્થામાં કોઈક વાર માણસના મગજમાં પણ જોવા મળે છે. પરિણામે ત્યાં મગજના આવરણનો સોજો (meningitis) ઉત્પન્ન કરે છે.

5.1.4. Dirofilaria immitis : કૂતરાં, બિલાડી, શિયાળ અને વરુ જેવાં પ્રાણીઓના હૃદયના જમણા ભાગમાં અને ફુપ્ફુસ શિરામાં જોવા મળે છે. કોઈક વાર અન્ય ભાગમાં પણ તે વાસ કરતા હોય છે. મચ્છરો કરડવાથી શરીરમાં આ કૃમિઓ પ્રવેશે છે. કૃમિને લીધે યજમાન રુધિરાભિસરણમાં મુશ્કેલી અનુભવે છે.

લોહી તપાસવાથી આ કૃમિનું નિદાન થઈ શકે છે. Dithiazomine iodide. levamisole અને ivermectin જેવી દવાઓ આ કૃમિ સામે ઉપચાર તરીકે ઉપયોગી નીવડે છે.

5.1.5. Parafilaria multipapillosa : આ કૃમિ ઘોડાની ચામડી નીચે આવેલી સ્નાયુપેશીમાં રહી ત્યાં નાની ગાંઠો ઉત્પન્ન કરે છે. નર અને માદા કૃમિની લંબાઈ અનુક્રમે 28.0 મિમી. અને 40થી 70 મિમી. હોય છે. ગાંઠો ફૂટી જવાથી લોહી નીકળે છે. સામાન્ય રીતે ઉનાળામાં રોગનું પ્રમાણ વધારે હોય છે.

5.1.6. P. bovicola : ગાય અને ભેંસની ચામડીની નીચે વાસ કરતા કૃમિઓ. માખી દ્વારા આ પ્રાણીનું પ્રસરણ થાય છે. આ કૃમિને લીધે ખભો, પીઠ અને પાંસળીના ભાગમાં લોહીયુક્ત ગાંઠો થાય છે. ગાંઠો ફૂટી જવાથી જાનવર ખૂબ જ વેદના અનુભવે છે. Nitroxynil, levamisole અને fenbendazole જેવી દવાઓ આ કૃમિથી થતી તકલીફની સારવાર માટે અપાય છે.

5.1.7. Setaria equina ઘોડાના શરીરમાં જોવા મળે છે.

5.1.8. S. labiato-papillosa : ગાય, હરણ, સાબર જેવાં પ્રાણીઓની શરીરગુહામાં વાસ કરતા કૃમિઓ.

5.1.9. S. digita : ગાય અને ભેંસનાં શરીરમાં વાસ કરતા કૃમિઓ,

5.1.10. S. cervi : ખાસ કરીને ભારતમાં હરણ અને ભેંસોમાં જોવા મળતા કૃમિ.

સિટેરિયા કૃમિઓનું પ્રસરણ મચ્છરો દ્વારા થાય છે. યજમાનની શરીરગુહામાં વાસ કરતા કૃમિઓ સામાન્યપણે કોઈ પણ જાતનું નુકસાન કરતા નથી. ડિજિટાટાનું અપરિપક્વ અવસ્થાનો કૃમિ કોઈક વાર યજમાનના ચેતાતંત્રમાં પ્રવેશીને હાનિકારક નીવડે છે.

5.1.11. Wucherria bancrofti : માણસમાં હાથીપગાના રોગ માટે જવાબદાર કૃમિ. પક્વ કૃમિઓ માનવની લસિકાવાહિનીઓમાં વીંટળાયેલી અવસ્થામાં જોવા મળે છે. માદા કૃમિઓ ફલિતાંડોને શરીરમાં જાળવી રાખે છે જ્યારે અપરિપક્વ કૃમિ (microfilaria) રુધિરની અંદર તરતા હોય છે. માણસને કરડતા મચ્છરના શરીરમાં તે પ્રવેશે છે. ત્યાં પ્રગલ્ભ અને સંક્રમક અવસ્થા પ્રાપ્ત કરે છે. આવા મચ્છરો કરડવાથી તે માણસના શરીરમાં પ્રવેશે છે. મચ્છરનો નાશ કરવાથી આ રોગનો ફેલાવો અટકાવી શકાય છે. ઍન્ટિમની અને આર્સેનિક દવા વડે આ રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે, પરંતુ આ દવાઓ ઝેરી હોવાથી બહુ કાળજી લેવી પડે છે.

સારણી 8 : જુદાં જુદાં પ્રાણીઓનાં શરીરમાં વાસ કરતા પર્ણકૃમિઓ

યકૃતકૃમિ શંકુકૃમિ રુધિરકૃમિ
(ક) વાગોળતાં (ruminating) પ્રાણીઓમાં વાસ
1. Fasciola 1. Paramphistomum 1. Schistostoma
2. Dicrocoelium 2. Cotylophoron 2. Ornithobilherzia
3. Eurytrema 3. Fischocderius
4. Fascioloides 4. Gastrothylax
5. Gigantocotyle 5. Carmyerius
(ખ) ઘોડાના શરીરમાં :
1. Fasciola 1. Gastrodiscus 1. Schistostoma
2. Fascioloides 2. Pseudodiscus 2. Ornithobilharzia
3. Dicrocoelium
(ગ) કૂતરાં અને બિલાડાંમાં વાસ કરતા કૃમિઓ
1. Fasciola 1. Scistosoma
2. Fascioloides 2. Heterobilarzia
3. Opisthrorchis
4. Platynosomum
(ઘ) ભૂંડના શરીરમાં વસનારા
1. Fascila 1. Gastrodiscus 1. Schistosoma
2. Fasciolodes 2. Gastrodiscoid
3. Opisthorchis
(ચ) મનુષ્યના શરીરમાં પરોપજીવી તરીકે રહેલા
1. Fasciola 1. Gastrodiscoid 1. Schistosom
2. Opisthorchis
  1. 6. શ્રેણી Dracuncalidaના કૃમિઓને હોઠ કે મુખગુહા હોતી નથી. મધ્યસ્થ યજમાનને લઈને આ કૃમિઓ સસ્તનોના શરીરમાં પ્રવેશે છે.

6.1.1. Dracunculus medinensis : વાળા (guinea worm) તરીકે ઓળખાતો આ કૃમિ પીવાના પાણીમાં વાસ કરતા સૂક્ષ્મ પોરા-(cyclops)ને લીધે માનવના અન્નમાર્ગમાં પ્રવેશે છે. આંતરડામાં ભોંકાઈને તે રુધિરવાહિનીઓમાં જાય છે. છેવટે ત્યાંથી રુધિર દ્વારા સંયોજકપેશી પ્રદેશમાં પહોંચતાં તે પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે. નર કૃમિ નાનો એટલે કે 12થી 30 મિમી. લાંબો હોય છે, જ્યારે માદા કૃમિ 50થી 120 સેમી. હોઈ શકે છે. આશરે એકાદ વર્ષ યજમાનના શરીરમાં પસાર કર્યા બાદ કૃમિ માણસની ત્વચામાં કાણું પાડીને ત્યાં ફોલ્લો કરે છે. ફોલ્લામાં અસંખ્ય ડિમ્ભો હોય છે. જો તે તલાવડી જેવા પાણીના સંપર્કમાં આવે અને પોરા તેમનું ભક્ષણ કરે તો પોરાના શરીરમાં વિકાસ પામીને સંક્રમક અવસ્થા પ્રાપ્ત કરે છે.

6.1.2. D. insignis : કૂતરાં કે તેની નિકટનાં પ્રાણીઓના શરીરમાં વાસ કરતા આ કૃમિનું જીવનચક્ર વાળાને મળતું આવે છે. પાણી પીવાથી અથવા અન્ય રીતે પાણીનો સંપર્ક થવાથી પાણીમાં રહેલા પોરા દ્વારા તે શરીરમાં પ્રવેશે છે.

કાણું પાડીને બહાર નીકળતા વાળાને પાતળી સળી ફરતે વીંટાળવામાં આવે છે. જો દુર્ભાગ્યે વાળો તૂટી જાય તો શરીરમાં રહેલો શેષ ભાગ યજમાન માટે જીવલેણ ઠરે છે. શસ્ત્રક્રિયા દ્વારા પણ માદાને શરીરમાંથી દૂર કરી શકાય છે. Thiabendazole અથવા Niridazoleની સારવારથી રોગને મટાડી શકાય છે.

ચપટા કૃમિઓ (flat worms) : શરીરગુહા ન હોય તેવા અપૃષ્ઠવંશી ચપટા કૃમિઓને પૃથુકૃમિ સમુદાયનાં ગણવામાં આવે છે. શરીરગુહાને અભાવે વિવિધ અંગો વચ્ચે આવેલો અવકાશ વાદળી (sponge) જેવી મૃદુતક (parenchymatous) પેશીથી વ્યાપેલો હોય છે. શરીરમાં સ્વતંત્ર શ્વસનાંગો, અભિસરણાંગો અને કંકાલતંત્ર હોતાં નથી. સામાન્યપણે ચપટા કૃમિઓ ઉભયલિંગી (hermaphrodite) હોય છે. મોટાભાગના કૃમિઓ જીવનની એક યા બીજી અવસ્થામાં પરોપજીવી જીવન પસાર કરતા હોય છે.

પરોપજીવી પૃથુકૃમિઓને બે મુખ્ય વર્ગોમાં વહેંચી શકાય છે : વિદ્ધપત્રી (trematoda) અને અનાંત્રી (cestoda).

વિદ્ધપત્રીઓને સામાન્ય રીતે પર્ણકૃમિ (flukes) તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે અનાંત્રીઓમાં પટ્ટીકૃમિ (tapeworms) માનવસ્વાસ્થ્યની ર્દષ્ટિએ અગત્યનાં છે.

યજમાનના યકૃતમાં વાસ કરતા કૃમિઓને યકૃતકૃમિ (liver fluke) તરીકે, જઠર અને આંતરડાંમાં વાસ કરતા કૃમિઓ સહેજ જાડા હોવાથી તેમને શંકુકૃમિ (cone worms) તરીકે જ્યારે રુધિરમાં વાસ કરતા કૃમિઓને રુધિરકૃમિ (blood flukes) કહે છે.

પૃથુકૃમિઓ રાખોડી, સફેદ અથવા કિરમજી રંગના હોય છે. તે અગ્ર છેડે મુખદ્વારની પાસે એક અને શરીરના મધ્યભાગ તરફ બીજું આમ બે ચૂસકો (suckers) ધરાવે છે. આ ચૂસકો દ્વારા તે યજમાનને વળગી રહે છે. મુખગુહા પાસે એક અન્નનળી હોય છે. અન્નમાર્ગ મુખ્યત્વે શાખાપ્રબંધિત આંતરડાનું બનેલું હોય છે, પરંતુ તેને મળદ્વાર હોતું નથી. યજમાનના શરીરમાંથી તે પચેલા ખોરાકનું ગ્રહણ કરતા હોય છે, તેથી માત્ર પચેલો ખોરાક કૃમિના આંતરડામાં પ્રવેશે છે. આ ખોરાકનું વિતરણ પ્રસરણ દ્વારા થાય છે. ઉત્સર્જનના એકમ તરીકે જ્યોતકોષો (flamecells) આવેલા હોય છે. પૃથુકૃમિ દ્વિલિંગી હોય છે અને નર અને માદાનાં જનનાંગો એકબીજાંની નજીક આવેલા જનનદ્વારમાં ખૂલે છે.

રુધિરકૃમિના નર જાડા, નાના અને અર્ધચંદ્રાકાર શરીર ધરાવતા હોય છે. શરીરની વક્ષ બાજુએ લાંબું પોલાણ હોય છે. તે ગાયનેફેરિક કૅનાલ નામે ઓળખાય છે. આ પોલાણની અંદર પાતળી દોરી જેવા આકારની માદા સ્થાયી જીવન પસાર કરતી હોય છે. મોટેભાગે નર અને માદા સાથે જ રહેતાં હોય છે.

પૃથુકૃમિનું જીવનચક્ર (જુઓ આકૃતિ 3) : યકૃતકૃમિ યજમાનની પિત્તનળીમાં ઈંડાં મૂકે છે, જે પિત્ત સાથે આંતરડાંમાં પ્રવેશે છે. કેટલાક પૃથુકૃમિઓ તો યજમાનના ગળફા અથવા મળ વાટે પણ બહાર આવતા હોય છે. રુધિરકૃમિનાં ઈંડાં શૂળ ધરાવતાં હોય છે અને અન્નમાર્ગની દીવાલને વીંધી આંતરડાંમાં દાખલ થાય છે અને છેવટે મળ વાટે શરીરની બહાર પડે છે.

જો ઈંડાં તળાવ કે ખાબોચિયા જેવાં પાણીના સંપર્કમાં આવે તો ત્યાં વિકાસ પામી મિરાસીડિયમ ડિમ્ભમાં રૂપાંતર પામે છે. જો અવિકસિત ડિમ્ભ લિમ્નિયા અથવા પ્લૅનોર્બિસ જેવા શંખના સંપર્કમાં આવે તો શંખના શરીરમાં પ્રવેશી સ્પોરોસિસ્ટમાં રૂપાંતર પામે છે. પ્રત્યેક સ્પોરોસિસ્ટની અંદર 6-7 જેટલા રેડિયો ડિમ્ભો પેદા થાય છે. પ્રત્યેક રેડિયો ડિમ્ભના વિકાસથી ઘણાં સર્કારિયા ડિમ્ભો પેદા થાય છે. કેટલાક પૃથુકૃમિઓ રેડિયો અવસ્થામાંથી પસાર થતા નથી. ત્યાં સ્પોરોસિસ્ટો સીધો જ સર્કારિયાને જન્મ આપે છે.

આકૃતિ 3 : યકૃતકૃમિનો વિકાસ

યકૃતકૃમિ અને શંકુકૃમિના સર્કારિયા જો જળાશયના કિનારે આવેલા ઘાસ સાથે સંપર્કમાં આવે તો પોતાની ફરતે કવચ બનાવીને કોષ્ઠ(cyst)માં ફેરવાઈ જાય છે. ઘાસ સાથે કોષ્ઠ યજમાનના શરીરમાં પ્રવેશતાં તે પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે.

માણસના શરીરમાં વિકાસ પામતા યકૃતકૃમિને બે મધ્યસ્થ યજમાન હોય છે. સર્કારિયા ખોરાકનો સ્વીકાર કરવાથી તે બીજા સસ્તન યજમાનના શરીરમાં પ્રવેશીને ત્યાં મેટાસર્કારિયામાં રૂપાંતર થાય છે. જો માણસ આવા યજમાનના માંસને ખોરાક તરીકે સ્વીકારે તો તેના શરીરમાં પ્રવેશીને ત્યાં વિકાસ પામે છે.

રુધિરકૃમિના સર્કારિયા મુખ પાસે એક શૂળ જેવો પ્રવર્ધ ધરાવે છે. આ શૂળની મદદથી તે યજમાનના શરીરમાં સીધા જ પ્રવેશી શકે છે. જોકે દૂષિત પાણી કે ખોરાક દ્વારા પણ તે યજમાનના શરીરમાં પ્રવેશી શકે છે. મુખ્ય યજમાનના પાચનતંત્રમાં આવેલા ઉત્સેચક રસોને અધીન મેટાસર્કારિયા ઉત્તેજિત બને છે અને આંતરડાંની દીવાલને ચોંટીને ત્યાં વિકસે છે. ત્યાંથી તે યજમાનની આંતરડાંની દીવાલને ભેદીને યકૃતમાં જાય છે.

જઠરમાં આવેલા શંકુકૃમિઓ આંતરડાંમાં દોઢ-બે મહિના સુધી વિકાસ પામીને જઠર તરફ પ્રયાણ કરે છે, જ્યારે રુધિરકૃમિઓ આંતરડાંની કેશવાહિનીમાં થઈને નિશ્ચિત અંગમાં પ્રવેશે છે. તે જ પ્રમાણે કૃમિઓ સર્કારિયા રૂપે ચામડી વાટે યજમાનના શરીરમાં દાખલ થયા હોય તોપણ તે રુધિરવાહિની દ્વારા નિશ્ચિત અંગમાં પ્રવેશે છે.

પર્ણકૃમિઓને લીધે યજમાનના શરીર પર થતી હાનિકારક અસર, રોગનિદાન અને ઉપચાર : જો એકીસાથે ઘણા યકૃતકૃમિઓ યજમાનના યકૃતના સંપર્કમાં આવે અને તે બધા યકૃતના કોષો તેમજ રુધિરને ખોરાક તરીકે સ્વીકારે તો યકૃતમાં રક્તસ્રાવ થાય છે, કોષો નાશ પામે છે અને રોગ તીવ્ર બની યજમાન મૃત્યુ પામે છે. રોગની અસર હેઠળ યજમાન ઓછો ખોરાક લે છે અને શરીર નબળું તથા ફિક્કું પડે છે. વળી યકૃતની જગ્યાએ સહેજ પણ દબાવવાથી યજમાન અત્યંત વેદના અનુભવે છે. જો યકૃતકૃમિઓ ઓછી સંખ્યામાં યજમાનના યકૃતને ચોંટ્યા હોય તો તેઓ પિત્તનલિકા તરફ પ્રયાણ કરી ત્યાં પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે અને યજમાન દીર્ઘકાલીન (chronic) માંદગીથી પીડાય છે. પરિણામે યજમાનના શરીરની અંદર રક્તસ્રાવ થાય છે અને નષ્ટ કોષોની જગ્યા તંતુમય પેશીઓથી પુરાય છે. પિત્તનલિકાની દીવાલ જાડી બને છે, યકૃત ફૂલે છે અને પિત્તનલિકામાં ચીકણું અને જાડું પ્રવાહી ઝરે છે. પરિણામે રોગીનું વજન ઘટે છે અને તે ઝાડાથી પીડાય છે. તેનું ઊન કે તેના વાળ ખરે છે અને કમળાનાં ચિહનો જોવા મળે છે. શરીર નબળું અને ફિક્કું બને છે. પરિણામે તેની પ્રજોત્પાદનશક્તિ ઘટે છે.

સારણી 9

(ક) યકૃતકૃમિ તથા શંકુકૃમિના ચેપ અંગે સારવાર
અનુ. દવાનું

નામ

રોગપીડિત શરીરના

પ્રત્યેક કિગ્રા. વજન

દીઠ માત્રા

કઈ રીતે

દવા આપવી

 1. Carbontetra-

Chloride

ઘેટાં : પૅરાફિન ઑઇલ

સાથે સરખે ભાગે.

1થી 5 મિલી.

મોં વાટે
 2. Carbontetra-

Chloride

ગાય અને ભેંસ :

0.05 મિલી.થી 10 મિલી.

સુધી, રોગની તીવ્રતા મુજબ.

મોં વાટે
 3. Hexa-

Chlorethane

ગાય અને ભેંસ :

220થી 400 મિગ્રા.

3થી 4 ભાગમાં

મોં વાટે
 4. Hexa-

Chlorophane

ઘેટાં અને બકરાં :

15થી 20 મિગ્રા.

મોં વાટે

અથવા

અધ:ચર્મક્ષેપથી

 5. Bithionol ગાય, ભેંસ વગેરે :

30થી 35 મિગ્રા.

મોં વાટે
 6. Oxyclozaride ઘેટાં, બકરાં, ગાય,

વગેરે : 15થી 20 મિગ્રા.

મોં વાટે
 7. Nitroxynil ઘેટાં, બકરાં, ગાય

ભેંસ વગેરે : 10 મિગ્રા.

અધિ:ચર્મશ્વા-ક્ષેપથી
 8. Triclabendazole ગાય, ભેંસ, વગેરે :

12 મિગ્રા.

મોં વાટે
 9. Niclofolan ગાય, ભેંસ, ઘેટાં,

બકરાં વગેરે : 6 મિગ્રા.

મોં વાટે
10. Diamphinothide ઘેટાં, બકરાં :

100 મિગ્રા.

  (ખ) રુધિરકૃમિઓના ચેપ અંગે

અનુ. દવાનું

નામ

રોગપીડિત પ્રાણીનું

નામ; માત્રા – રોગીના પ્રત્યેક

કિગ્રા. વજનદીઠ

1. Plazianantel ગાય, ભેંસ વગેરે;

60 મિગ્રા.

મોં વાટે
2. Sodium Salt

of Antimosan

ગાય, ભેંસ વગેરે;

દરરોજ 7.5 મિગ્રા.

છ દિવસ સુધી.

સ્નાયુપેશીમાં

અંત:ક્ષેપથી

3. Niridazole ઘેટાં, બકરાં :

100 મિગ્રા. 3 દિવસ

સ્નાયુપેશીમાં

અંત:ક્ષેપથી

4. Trichlorophene 1 ગાય અને ભેંસ;

50થી 70 મિગ્રા.

મોં વાટે

યકૃતકૃમિના પ્રમાણમાં પુખ્ત શંકુકૃમિઓ યજમાનના શરીરને ખાસ નુકસાન પહોંચાડતા નથી. જોકે અપરિપક્વ શંકુકૃમિઓ આંતરડાની દીવાલ કરડી ખાય છે અને ઘા ઊંડે સુધી જતાં આંતરડા પર સોજો આવે છે અને ત્યાંથી ચીકણું પ્રવાહી ઝરે છે. પરિણામે યજમાન વધુ પાણી પીએ છે જે જડબાંની નીચે ભરાય છે, દુર્ગંધવાળા ઝાડા થાય છે અને શરીર નબળું પડે છે. યજમાનના શરીરમાં વધુ સંખ્યામાં કૃમિ વસતા હોય તો મૃત્યુ નીપજે છે.

સારણી 10 : વિવિધ સસ્તનોનાં શરીરમાં વાસ કરતા પટ્ટીકૃમિઓ

(ક) વાગોળનારાં પ્રાણીઓમાં :
યકૃતમાં વાસ આંતરડાંમાં વાસ

રોગકારક

અવસ્થા

1. Stilesia

2. Thysanosoma

3.

1. Moniezia

2. Avitellina

3. Thysaniezia

Hydatid

Coenurus

Cysticercus

(ખ) ઘેટાંના શરીરમાં :
4. Anoplocephala

5. Paranoplocephala

Hydatid

Cysticercus

(ગ) કૂતરાં અને બિલાડાંના શરીરમાં :
6. Dipylidium

7. Taenia

8. Echinococcus

9. Diphyllobothrium

 

10. Spirometra

 

Coenurus

 

 

Hydatid

(ઘ) ભૂંડના શરીરમાં :
11. Diphyllobothrium Hydatid
(ચ) મનુષ્યના શરીરમાં : 12. Taenia

13. Diphyllobothrium

14. Dipylldium

Hydatid

રુધિરકૃમિનાં ઈંડાં આંતરડાંમાં સ્થાયી બનતાં ત્યાં સોજો આવે છે અને ત્યાં ગાંઠ થાય છે. આ અવસ્થાને અંડજન્ય દાણાદાર ગાંઠ (egg-granuloma) કહે છે. તે જ પ્રમાણે ફેફસાં, યકૃત વગેરે અંગોમાં પણ ઈંડાંની ગાંઠ નિર્માણ થતી હોય છે. કેશવાહિનીમાં વાસ કરતા કૃમિઓ તે કેશવાહિનીની દીવાલ તોડવાથી ત્યાંથી પ્રવાહી ઝરે છે. આ જ પ્રમાણે મૂત્રાશયમાં પણ પ્રવાહી ભરાવાથી મૂત્ર લાલ રંગનું થાય છે.

જો ઈંડાંની ગાંઠ નાકમાં ઉત્પન્ન થાય તો નાકનું પોલાણ ઘટીને શ્વાસોચ્છવાસમાં તકલીફ ઊભી થાય છે અને શ્વસન દરમિયાન અવાજ ઉત્પન્ન થાય છે. આ અવસ્થાને ‘સ્નોરિંગ’ કહે છે. સિસ્ટોઝોમાં રુધિરકૃમિના સર્કારિયા મનુષ્યના સંપર્કમાં આવતાં તે ચામડી વાટે શરીરમાં દાખલ થઈ સંલગ્ન રક્તવાહિની વાટે રુધિરમાં પ્રવેશે છે. રક્તવાહિનીનો તે ભાગ લાલ બને છે અને ચચરાટ થાય છે. આ અવસ્થાને ધોબીની ખંજવાળ (Dhobi’s itch) કહે છે.

પર્ણકૃમિનું નિદાન પર્યાવરણિક પરિસ્થિતિ તેમજ લીધેલ ખોરાક અંગેનો ખ્યાલ મેળવીને, છાણ તપાસીને કે શવપરીક્ષણથી થઈ શકે છે. મૂત્રાંગો કે નાકમાં વાસ કરતા રુધિરકૃમિના રોગ અંગેની માહિતી, મૂત્ર કે નાસિકા-સ્રોતનું નિરીક્ષણ કરીને પણ મેળવી શકાય છે.

પટ્ટીકૃમિ એટલે પરોપજીવી જીવન પસાર કરનાર જુદા જુદા પૃથુકૃમિઓની લાંબી પટ્ટી રૂપે આવેલી વસાહત. આ વસાહતના આગળના છેડે ગાંઠ જેવું મૂર્ધા (colex) નામે ઓળખાતું શીર્ષ હોય છે, જ્યારે અન્ય ભાગ દેહખંડ (proglottid) નામથી અનેક ભાગોમાં વિભાજિત હોય છે. મૂર્ધા મોટેભાગે અંકુશો(hooks)થી સધાયેલા ચૂસકો(suckers)નું બનેલું હોય છે. ત્યારપછીનો ભાગ સહજ કુંઠિત હોય છે. તેને ગ્રીવા (neck) કહે છે. ત્યારબાદ આવેલા આગલા ભાગના દેહખંડો નાના હોય છે, જ્યારે પાછલા ભાગના દેહખંડો ક્રમશ: મોટા થતા જાય છે. યજમાન પરની પકડ વધુ મજબૂત બને તે માટે કેટલાકમાં અનેક અંકુશો ધરાવતું વધારાનું અંગ રોસ્ટેલમ હોય છે. પાચનતંત્રના અભાવમાં દરેક દેહખંડ યજમાનના શરીરમાંથી સ્વતંત્ર રીતે ખોરાકનું શોષણ કરે છે. આ પ્રત્યેક દેહખંડ વાસ્તવમાં એક સ્વતંત્ર પૃથુકૃમિ હોય છે. પાછલા ભાગમાં આવેલા દેહખંડોમાં જનનાંગોનો વિકાસ સારી રીતે થયેલો હોય છે. પ્રત્યેક ખંડમાં નર અને માદાનાં જનનાંગો આવેલાં હોય છે. નર અને માદાનાં જનનદ્વારો સ્વતંત્ર રીતે ખૂલતાં હોવાથી સ્વફલન સાધ્ય બને છે. પાછલા ભાગના દેહખંડોમાં ફલિતાંડોના વિકાસથી બનેલા ગર્ભો ધરાવતું ગર્ભાશય આખા શરીરને આવરે છે, જ્યારે અન્ય જનનાંગો લોપ પામે છે. કેટલાંકમાં ગર્ભાશય કાયમી ધોરણે જનનદ્વાર વાટે મધ્ય ભાગમાં ખૂલે છે.

સામાન્યપણે પટ્ટીકૃમિઓનું જીવનચક્ર જટિલ સ્વરૂપનું હોય છે અને જીવનકાળ દરમિયાન મુખ્ય યજમાન ઉપરાંત એક અથવા બે મધ્યસ્થ યજમાનોનાં શરીરમાં પણ પસાર થવું પડે છે.

યજમાનના મળ વાટે બહાર પડતાં ઈંડાંની અંદર 3 જોડ અંકુશો ધરાવતા ગર્ભ આવેલા હોય છે. ખોરાક સાથે આ ઈંડાં મધ્યસ્થ યજમાનના શરીરમાં પ્રવેશવાથી તેનો વિકાસ કોષ્ઠ (cyst) રૂપે થાય છે. પ્રત્યેક કોષ્ઠના આવરણની અંદર 6 અંકુશ અને ચૂસકો ધરાવતા સુષુપ્ત અવસ્થાના કૃમિઓ હોય છે, જ્યારે કૃમિની ફરતે પાતળું પ્રવાહી હોય છે. કૃમિદૂષિત ખોરાક ખાવાથી આ કોષ્ઠો મુખ્ય યજમાનના શરીરમાં દાખલ થાય છે. તે આંતરડામાં જતાં, કોષ્ઠ દીવાલમાંથી કૃમિ બહાર નીકળી ચૂસકોની મદદથી આંતરડાની દીવાલને ચોંટે છે. સમય જતાં નવા દેહખંડો પેદા થાય છે અને પટ્ટીકૃમિ રૂપે પૃથુકૃમિઓની વસાહત બને છે. આ વિકાસ દરમિયાન નવા દેહખંડો મૂર્ધા પાસે પેદા થાય છે, જ્યારે અગાઉ ઉત્પન્ન થયેલા દેહખંડો વિકાસ પામી મોટા થતા જાય છે અને પ્રૌઢ બને છે.

મગજમાં પ્રવેશેલા સિન્યુરસ સૈરબ્રાલિસ કોષ્ઠને ઑપરેશન દ્વારા કાઢી શકાય. અન્ય Cinurus અને Hydatid કોષ્ઠોને પણ શસ્ત્રક્રિયા દ્વારા કાઢી શકાય છે. મધ્યસ્થ યજમાનના શરીરમાં આવેલા સુષુપ્ત અવસ્થાના કૃમિઓ હોય તો ઉપચાર મુશ્કેલ છે.

સારણી 11  : વાગોળનારાં પ્રાણીઓ માટે સારવાર

1. મોરથૂથું એક ભાગ, ફિનોથાયલિન 10 ભાગ અને મીઠું 100 ભાગનું

મિશ્રણ બનાવી મોં વાટે આપવું.

2. યજમાનના કિલોગ્રામ વજનદીઠ નીચેની દવાઓ આપવી :
2.1 Albendazole 10 મિગ્રા.
2.2 Fenbendazole 5 મિગ્રા.
2.3 Praziquantale 15 મિગ્રા.
2.4 Dichlorophane 100 મિગ્રા.
2.5 Bithionale 200 મિગ્રા.
2.6 Nictosamide 75થી 150 મિગ્રા.
2.7 Mebendazole 20 મિગ્રા.
2.8 Bithionale 7.0 મિગ્રા.

જો યજમાનના શરીરમાં વધુ સંખ્યામાં પટ્ટીકૃમિઓ આવ્યા હોય તો યજમાનનાં પચનાંગો નબળાં પડે છે અને પાચનક્રિયાની શક્તિ ઘટે છે. વિપરીત સંજોગોમાં આ કૃમિઓ જીવલેણ નીવડે છે. કબજિયાત અથવા ઝાડા થવા, શરીર ફીકું અને નબળું પડવું, પેટ ફૂલવું, રક્તક્ષીણતા થવી તે આ રોગનાં ચિહનો છે.

જો કૂતરાના શરીરમાં વિકાસ પામતા ટીનિયાના સિન્યુરસ કોષ્ઠ ઘેટાં અને બકરાંનાં શરીરમાં પ્રવેશે તો તે યજમાનના મગજમાં જઈ ત્યાં વિકાસ પામે છે. પરિણામે ચેતાતંતુઓ બરાબર કામ કરી શકતા નથી, જ્યારે સંલગ્ન ખોપરીનો ભાગ પોચો બનીને ઊપસે છે અને પ્રાણી ગિડ (gid) રોગથી પીડાય અને જાનવર ગોળ ગોળ ફર્યા કરે છે.

તે જ પ્રમાણે એકાઇનોકોકસનો હાઇડેટિડ કોષ્ઠ અન્ય યજમાનોનાં શરીરમાં પ્રવેશ પામે તો યકૃત અને ફેફસાંમાં તે વિકાસ પામે છે અને સંલગ્ન કોષો નાશ પામે છે. કોષ્ઠ મોટા હોવાથી અને યજમાનનાં અંગો નાજુક અને અગત્યનાં હોવાથી પશુ મરણ પામવાની શક્યતા ખરી.

માનવશરીરમાં ટીનિયા સોલિયમ અને ટી. એજિનાટા કૃમિઓ ભૂંડ, ગાય, બળદ, ભેંસ જેવાંનાં શરીરમાં પ્રવેશતાં ત્યાં સિસ્ટિસર્કસ સેલ્યુલોઝ અને સિ. બોવિસ અવસ્થા પ્રાપ્ત કરે છે. તેથી માનવો આવા કોષ્ઠ યકૃત માંસને ખોરાક તરીકે સ્વીકારતા નથી.

યજમાનોના મળમાં કૃમિઓનાં ઈંડાં કે કોષ્ઠ હોય તો તેમને તપાસવાથી કૃમિઓને ઓળખી શકાય છે. શવ-પરીક્ષણથી અથવા ઇમ્યુનોડાયગ્નોસ્ટિક પરીક્ષણ દ્વારા પણ કૃમિ અંગોનો ખ્યાલ મેળવી શકાય છે. જોકે અન્ય રીતે પણ રોગનું નિદાન કરી શકાય. દાખલા તરીકે ડાયપાયલિયમ કૅનિનમનાં ઈંડાં મળદ્વારમાંથી બહાર નીકળે છે, ત્યારે ખંજવાળ ઉત્પન્ન થાય છે. પરિણામે કૂતરાં પાછળના પગને આગળ સીધા કરી મળદ્વારને જમીન સાથે ઘસે છે.

ભરત લા. આવસત્થી

એ. આઈ. પટેલ

લક્ષ્મણ કથીરિયા