કુલિંજન : એકદળી વર્ગમાં આવેલા ઝિંજીબરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alpinia galanga syn. A. galanga; Amomum galanga (સં. કોનવચા; હિં., બં., મ., ગુ. કુલિંજન; ક. કોળંજન; મલ. અરાથા; ત. પેરારાથેઈ અં. ગ્રેટર ગેલંગલ) છે. તે 1.8 મી.થી 2.4મી. ઊંચી, બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તેનું ભૂમિગત પ્રકાંડ કંદિલ, સુરભિત મૂલવૃંત (rootstock) ધરાવે છે. ભારતમાં તેની ગાંઠામૂળી માટે સર્વત્ર વાવવામાં આવે છે. પર્ણો લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate), ટોચેથી અણીદાર, સફેદ કિનારીવાળાં, અરોમિલ (glabrous), 30 સેમી.થી 60 સેમી. લાંબા, લાંબો પર્ણતલવેષ્ટ (sheathing leafsbase) અને ગોળાકાર જિહવિકા (ligule) ધરાવતાં હોય છે. પુષ્પો (એપ્રિલ-મે) 30 સેમી. લાંબા લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તેઓ લાલ લિસોટાઓવાળાં લીલાશ પડતાં સફેદ રંગનાં હોય છે. પુંકેસર-1 હોય છે અને તે ચપટો તંતુ ધરાવે છે. અગ્રીય બે વંધ્ય પુંકેસરો (staminodes) જોડાઈને સદંડી, સફેદ અને લાલ રંગ રેખાઓવાળું દ્વિખંડી ઓષ્ઠક (labellum) બનાવે છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનાં, નારંગી કે લાલ અને ગોળાકાર હોય છે.
કુલિંજન ઇંડોનેશિયાનું મૂલનિવાસી છે; છતાં, ભારતના ઘણા પ્રદેશોમાં તે હવે પ્રાકૃતિક બનેલ છે. તે બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામમાં વધારે પ્રમાણમાં મળી આવે છે અને સમગ્ર ભારતમાં મોટેભાગે છાંયાવાળી પરિસ્થિતિમાં વાવવામાં આવે છે.
શુષ્ક ગાંઠામૂળી ‘ગ્રેટર ગેલંગલ’ નામનું ઔષધ આપે છે. ગાંઠામૂળી 2.5 સેમી.થી 10.0 સેમી. જાડી, બહારથી રતાશ પડતી બદામી અને અંદરથી આછી નારંગી-બદામી હોય છે. તે સખત અને રેસામય હોય છે અને તીખો સ્વાદ ધરાવે છે. Acorus calamusની ગાંઠામૂળી અપમિશ્રક (adulterant) તરીકે વાપરવામાં આવે છે.
તાજી ગાંઠામૂળીના બાષ્પનિસ્યંદનથી બાષ્પશીલ તેલ (0.04 %) ઉત્પન્ન થાય છે. તેની ગંધ તીવ્ર અને તેજાનાની સોડમવાળી હોય છે. આ બાષ્પશીલ તેલ મિથાઇલ સિન્નેમેટ (48 %), સીનેઓલ (20-30 %), કૅમ્ફર અને સંભવત: d-પિનેન ધરાવે છે. તે વાતહર (carminative) અને મધ્યમ માત્રામાં અનૈચ્છિક સ્નાયુપેશી પર ઉદ્વેષ્ટરોધી (antispasmodic) અસર નિપજાવે છે અને આંતરડાની થતી વધુ પડતી પરિસંકોચન(peristalsis)ની ક્રિયાને અવરોધે છે. તે કેન્દ્રસ્થ ચેતાતંત્ર(central nervous system, CNS)ના અવનમક (depressant) તરીકે કાર્ય કરે છે. ગિની પિગ માટેની વિનાશક માત્રા 50 (lethal dose 50, LD50) 0.068 મિલી./100 ગ્રા. છે. તે જીવાણુનાશક (bactericidal) ગુણધર્મ ધરાવે છે. તેના તેલનો અત્તર ઉદ્યોગમાં પણ ઉપયોગ થાય છે.
ઔષધનો ઉપયોગ સંધિવા અને શ્વાસનળીની શ્લેષ્મકલા(mucus membrane)ના સોજામાં વધારે પ્રમાણમાં થાય છે. તે બલ્ય, ક્ષુધાપ્રેરક (stomachic), વાતહર અને ઉત્તેજક (stimulant) છે. તેનો જટિલ ઔષધોની બનાવટોમાં સુગંધિત સંયોજક (adjunct) તરીકે અને કફ અને પાચક ઔષધોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉપયોગ સારા અવાજ માટે થાય છે. આ ઔષધ કફોત્સારક પ્રક્રિયા દર્શાવે છે અને ખાસ કરીને બાળકોમાં શ્વસન સંબંધી રોગોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ઉદ્વેષ્ટરોધી અસર દમમાં રાહત આપે છે. વળી, તે એમ્ફીટેમિનરોધી (anti-amphetamine) અને મૂત્રલ (diuretic) ગુણધર્મો ધરાવે છે. અન્ય બાષ્પશીલ તેલોની જેમ, આ ઔષધ જઠરાંત્રીય (gastro-intestinal) માર્ગની તકલીફોમાં ઉપયોગમાં લઈ શકાય છે.
ઇંડોનેશિયામાં ગાંઠામૂળીનો ઉપયોગ તેજાના તરીકે થાય છે. કેરળમાં તે માછલીના પરિપક્વન (seasoning) માટે અને અથાણા માટે ઉપયોગી છે. ગાંઠામૂળી કીટનાશક (insecticide) તરીકે વપરાય છે.
પર્ણોમાંથી મળતા બાષ્પશીલ તેલમાં મોટેભાગે મિથાઇલ સિન્નેમેટ હોય છે. ઇંડોનેશિયામાં પુષ્પો કાચાં કે અથાણા સ્વરૂપે ખવાય છે. આ વનસ્પતિ પ્રતિગુલિકીય (antitubercular) ગુણધર્મ ધરાવે છે. વાત-શુષ્ક (air-dried) છોડના આલ્કોહૉલીય નિષ્કર્ષના જલદ્રાવ્ય ઘટક β-મિથેઝોનની જેમ પ્રતિશોથ (anti-inflammatory) સક્રિયતા દાખવે છે. બીજ ઉષ્મા-સંવેદના-ગ્રાહી (calefacient), ક્ષુધાપ્રેરક અને છિક્કાજનક (sternutatory) ગણાય છે. તેનો પેટશૂળ, અતિસાર (diarrhoea) અને ઊલટીમાં ઉપયોગ થાય છે. બીજમાં 1′-એસિટોક્સિચેવિકોલ એસિટેટ અને 1′-એસિટોક્સિયુજેનોલ એસિટેટ નામના વ્રણરોધી (anti-ulcer) પદાર્થો રહેલા છે. કેરિયોફાઇલિન ઑક્સાઇડ, કેરિયૉફાઇલેનોલ I, કૅરિયોફાઇલેનોલ II, પૅન્ટાડેકેન, 7-હેપ્ટાડેકેન અને ફેટી ઍસિડ મિથાઇલ એસ્ટર અલગ તારવવામાં આવ્યા છે.
આયુર્વેદ અનુસાર, તે તીખું, કડવું, ઉષ્ણ, અગ્નિદીપક, રુચિકર, સ્વર્ય અને હૃદ્ય ગણાય છે. તે મુખ અને કંઠની શુદ્ધિ કરનાર છે. તે મુખદોષ, કફ, ઉધરસ અને વાયુનો નાશ કરે છે. તેનો ઉપયોગ ઉટાંટિયામાં, વાયુથી અંગ રહી ગયું હોય તો તે ઉપર, સ્વરભંગ, કૉલેરા, બહુમૂત્રરોગ, મુખદુર્ગંધી, દંતરોગ વગેરે પર કરવામાં આવે છે.
તેનો પ્રભાવ ઉષ્ણવીર્ય છે. યુનાની મત પ્રમાણે તેને હૃદય, જઠર અને યકૃતને બળ આપનારું ગણવામાં આવે છે. વાજીકરણ ઔષધોમાં પણ તેની ગણના થાય છે. જાતીય મંદતા અને શિથિલતા જેવા દોષો કે રોગોમાં તેનો ઉપયોગ બીજાં વાજીકર ઔષધો સાથે કરવામાં આવે છે.
ગુજરાતમાં પન્નગચંપા (A. nutans Roscoe) નામની બીજી જાતિ પણ થાય છે.
પ્રાગજી મો. રાઠોડ
બળદેવભાઈ પટેલ