કુલુ (Kullu) : હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31° 58′ ઉ. અ. અને 77° 06′ પૂ. રે.ની આજુબાજુનો 5,503 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાન તરફ લાહુલ-સ્પિટિ જિલ્લો અને કાંગડા જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ કિન્નુર અને સિમલા જિલ્લો તથા નૈર્ઋત્ય તરફ મંડી જિલ્લો આવેલા છે. જિલ્લામથક કુલુ જિલ્લામાં પશ્ચિમ તરફ આવેલું છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : મહાહિમાલય અને લઘુહિમાલય પર્વતશ્રેણીઓ વચ્ચે આવેલી અહીંની પર્વતશ્રેણી 1,300 મીટરથી 6,000 મીટર વચ્ચેની ઊંચાઈ ધરાવે છે. આ વિસ્તારમાં ઊંચાં હિમાચ્છાદિત શિખરો તેમજ હિમનદીઓ આવેલાં છે. અહીંની મહત્વની હિમનદીઓમાં કાલીહેન, બિયાસકુંડ, સરાઓમગા, ત્રિચુ, પાર્વતી, દિબ્બી અને માનતલાઈનો સમાવેશ થાય છે.

સતલજ અને બિયાસ એ બે આ જિલ્લાની મહત્વની નદીઓ છે. સમગ્ર જિલ્લાના જળપરિવાહનો આધાર આ બે નદીઓ પર રહેલો છે. બિયાસ નદીનું ઉદગમસ્થાન પીરપંજાલ હારમાળામાં આવેલું છે. માનસરોવરમાંથી આવતી અને જિલ્લાની દક્ષિણે વહેતી સતલજ નદી કુલુના નેરમંડ અને સિમલાના રામપુર તાલુકાઓ વચ્ચે સીમા રચે છે.

આબોહવાવનસ્પતિ : આ જિલ્લાની આબોહવા સમશીતોષ્ણ પ્રકારની છે. અહીં ઉનાળા અને શિયાળાનાં દૈનિક તાપમાન અનુક્રમે સરેરાશ 33° સે. અને 14° સે. તથા 15° સે. અને 0° સે. જેટલાં રહે છે. ઑક્ટોબરથી એપ્રિલ દરમિયાન વાતાવરણ ખુશનુમા રહે છે. વર્ષાઋતુનો સમયગાળો જુલાઈથી સપ્ટેમ્બરનો ગણાય છે. શિયાળામાં હિમવર્ષા પણ થાય છે.

કુલુ

જિલ્લાના અર્થતંત્રમાં જંગલોનો ફાળો મહત્વનો છે. અહીં આર્થિક ષ્ટિએ ઔષધિઓ માટે ઉપયોગી વનસ્પતિ મળે છે. ઔષધીય વનસ્પતિમાં કડુ, ગુગળ, કાકડાશિંગી મુખ્ય છે. બિયાસ અને સહાયક પાર્વતીના ખીણપ્રદેશમાં દેવદારનાં વૃક્ષો વિશેષ છે. આ ઉપરાંત જિલ્લામાં દેવદાર, કૈલ, ચેસ્ટનટ, ઓક, ચીલ, વૉલનટ જેવાં વૃક્ષો જોવા મળે છે. મશરૂમ અને ટૂંકું ઘાસ પણ થાય છે.

ખેતીપશુપાલન : જિલ્લાનું ભૂપૃષ્ઠ પહાડી હોવા છતાં તેનું અર્થતંત્ર ખેતી પર આધારિત છે. ખેતી જમીનો અને આબોહવા વિવિધતાવાળી છે. અહીંની આબોહવાકીય પરિસ્થિતિ હેઠળ શાકભાજી, બટાટા, કઠોળ, સફરજન, ખાટાં ફળો, બાજરી અને તેલીબિયાંની ખેતી થાય છે. ઘઉં, મકાઈ, ડાંગર અને જવની ખેતી લેવાય છે. શાકભાજીમાં ટામેટાં, વટાણા, ફુલેવર અને કોબીજનું વાવેતર થાય છે. પિસ્તા અને અખરોટની વાડીઓ પણ છે. ફળોની ખેતીના વિકાસ માટે ઉત્તમ બિયારણ, રાસાયણિક ખાતરો તેમજ જાપાનીઝ ટૅકનિકનો ઉપયોગ થાય છે, જેથી ઓછા સમયમાં વધુ ઉત્પાદન મેળવી શકાય.

પશુપાલનમાં ગાય, ભેંસ, ઘેટાં-બકરાં, ભુંડ અને ટટ્ટુ જેવાં પશુઓનું પ્રમાણ વધુ છે. પશુપાલનની પ્રવૃત્તિ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલી છે. આ જિલ્લામાં ખેતી પછીના ક્રમે પશુપાલનનો વ્યવસાય વિકસ્યો છે.

ઉદ્યોગવેપાર : પહાડી ભૂપૃષ્ઠને કારણે અહીં મહત્ત્વના ઉદ્યોગો સ્થાપી શકાયા નથી. નાના એકમો પૈકી શાલ, કાલીન અને હોઝિયરી બનાવવાના એકમો જોવા મળે છે. આ જિલ્લો સમગ્ર દેશમાં ટોપી અને શાલ બનાવવા માટે જાણીતો બનેલો છે. શમ્સી (Shamshi) ખાતે 35 જેટલી ઔદ્યોગિક વસાહતો વિકસી છે.

ભુંતર, કુલુ અને મનાલી અહીંનાં મહત્ત્વનાં શહેરો છે; અહીંથી સફરજન, ખાટાં ફળો, શાલ, કાલીન અને બટાટાની નિકાસ થાય છે. આયાતી વસ્તુઓમાં અનાજ, દવાઓ, મીઠું, ખાંડ અને સુતરાઉ કાપડનો સમાવેશ થાય છે.

પરિવહન : પહાડી ભૂપૃષ્ઠને કારણે અહીં રેલમાર્ગોનો વિકાસ શક્ય બની શક્યો નથી. અહીં નજીકમાં નજીકનું રેલમથક જોગીન્દરનગર જિલ્લામથક કુલુથી 130 કિમી.ના અંતરે આવેલું છે. પરિણામે અહીં સારા પાકા રસ્તાઓનું નિર્માણ થયું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 21 કુલુ તાલુકામાંથી પસાર થાય છે. વર્ષાઋતુ દરમિયાન અવારનવાર ભૂપાત થતા રહેતા હોવાથી અમુક સમયગાળા માટે બસવ્યવહાર થઈ શકતો નથી. કુલુ ખાતે હવાઈવ્યવહારની સુવિધા છે.

પ્રવાસન : આ જિલ્લો ઐતિહાસિક સ્થળો ધરાવતો હોવાથી પ્રવાસનક્ષેત્રે જાણીતો બન્યો છે.

અહીંનાં હિમાચ્છાદિત શિખરો અને વૃક્ષો પ્રાકૃતિક સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. અહીંનાં જાણીતાં પ્રવાસન સ્થળોમાં કુલુ, મણિકરણ, વશિષ્ઠ, મનાલી અને જગતસુખ મુખ્ય છે. જિલ્લામાં ઊજવાતા મુખ્ય ઉત્સવોમાં દશેરા ઉત્સવ, સઇન્જ મેળો, ભડોલી મેળો અને બૌદ્ધ દિવાળી ઉલ્લેખનીય છે.

કુલુ : જિલ્લામથક. કુલુ પ્રાચીનકાળથી પ્રવાસીઓનું આકર્ષણનું સ્થળ રહ્યું છે. તે બિયાસ અને સરવરી નદીઓના સંગમ પર આવેલું છે. જૂના વખતમાં પણ તે કુલુ દેશી રાજ્યનું મુખ્ય વહીવટી મથક હતું. કુલુનો ખીણપ્રદેશ પ્રકૃતિ સૌંદર્યથી ભરપૂર છે; તે તેની રમણીયતા માટે જાણીતું બનેલું છે. અહીંનું રઘુનાથજીનું મંદિર ખૂબ જાણીતું છે. કુલુ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 21 પર આવેલું હોવાથી તેમજ દિલ્હી અને ચંડીગઢ સાથે હવાઈમાર્ગથી સંકળાયેલું રહેતું હોવાથી ઘણા પ્રવાસીઓની અવરજવર રહે છે.

મનાલી : કુલુથી 40 કિમી. અંતરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 21 પર આવેલું ખૂબ જ રમણીય સ્થળ. આ સ્થળ સમુદ્રસપાટીથી આશરે 2134 મીટરની ઊંચાઈ પર આવેલું છે. શિયાળામાં અહીંનાં આજુબાજુનાં શિખરો હિમાચ્છાદિત બને છે અને ઉનાળા દરમિયાન તે ખુલ્લાં બની રહે છે. અહીં સફરજનની ઘણી વાડીઓ આવેલી છે. પ્રવાસીઓનું આ ખૂબ જ માનીતું સ્થળ ગણાય છે.

મણિકરણ : પાર્વતી નદીકાંઠે આવેલું ગામ. તે કુલુથી 43 કિમી. અંતરે સમુદ્રસપાટીથી 1850 મીટરની ઊંચાઈએ આવેલું છે. અહીં ઘણા ગરમ પાણીના ઝરા આવેલા છે. તેનાં પાણી ત્વચા રોગોમાં ઔષધિની ગરજ સારે છે. અહીં શીખ ગુરુદ્વારા પણ છે.

વસિષ્ઠ : મનાલીથી માત્ર 3 કિમી. અંતરે મનાલી-કેલાંગ માર્ગ પર આવેલું ગામ. આ સ્થળ પણ ગરમ પાણીના ઝરાઓ માટે જાણીતું છે. અહીં શ્રીરામ અને વસિષ્ઠ મુનિનાં પ્રાચીન મંદિરો છે. પ્રવાસીઓને સ્નાન કરવા માટે હિમાચલ પ્રદેશ પ્રવાસન વિકાસ નિગમે સ્નાનગૃહોની વ્યવસ્થા કરાવેલી છે.

જગતસુખ : આ સ્થળનું મૂળ નામ નસ્ત હતું અને ક્યારેક કુલુ દેશી રાજ્યનું મુખ્ય વહીવટ મથક પણ રહેલું. વિશુદ્ધપાલના સમય દરમિયાન રાજધાનીના આ સ્થળને નગર નામના સ્થળે ફેરવેલું. આ સ્થળ બિયાસ નદીને ડાબે કાંઠે આવેલું છે. અહીં સફરજનની વાડીઓ આવેલી છે.

કુલુનો ખીણપ્રદેશ

વસ્તી : 2024 મુજબ આશરે આ જિલ્લાની વસ્તી 43,94,765 જેટલી છે. તે પૈકી હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન લોકો મુખ્ય છે. હિન્દી અને પહાડી અહીંની મુખ્ય ભાષાઓ છે. કુલુ, મનાલી અને ભુંતરમાં ઉચ્ચતર માધ્યમિક સુધીના શિક્ષણની વ્યવસ્થા છે. કુલુ ખાતે સરકારી કૉલેજ કાર્યરત છે. ગ્રામીણ વિસ્તારોમાં તાલુકા મથકોમાં ચિકિત્સાલયોઔષધાલયો પણ ઊભાં કરાયાં છે. વહીવટી સરળતાની ર્દષ્ટિએ જિલ્લાને પાંચ તાલુકાઓમાં અને પાંચ સમાજ વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. કુલુ શહેરની વસ્તી આશરે 3 લાખ જેટલી છે (2011)

નીતિન કોઠારી