કુમાચ (1969) : ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા 1971માં પુરસ્કૃત સિંધી કાવ્યસંગ્રહ. લેખક કૃષ્ણસુંદરદાસ વછાણી (રાહી) (જ. 1932)-પ્રસ્તુત સંગ્રહ સમગ્ર સિંધી કાવ્યપરંપરાનું પ્રતિબિંબ ઝીલે છે. સંગ્રહમાં દોહા, સોરઠા, બેત, કાફી, બાઈ (ઊર્મિગીત), બાત, લોલી (લોરી), ખોરાણો (શીતળા માતાની સ્તુતિ), લાડા (લગ્નગીત), સહરો, ઝુમિર છે. ઉપરાંત ગીત, ગઝલ, કતખા, કવાયલી, નઝમ, રુબાઈ વગેરે પારંપરિક કાવ્યપ્રકારોની સાથે તેમાં અછાંદસ કવિતા, હાઈકુ, તરાઈલ (ટ્રાયોલેટ), સૉનેટ વગેરે નવા કાવ્યપ્રકારો અને પ્રયોગોને પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ કૃતિ 4 ભાગમાં વિભાજિત છે. તે દરેક વાદ્યના તંતુના પ્રતીકનું અમુક સ્વરૂપ ધરાવે છે. ‘જિન્દુજિ તંદુ’ના પ્રથમ ભાગમાં કુદરત અને કુદરત દ્વારા સર્જાતા ખેલની વિવિધ પરિસ્થિતિનું વર્ણન છે તથા માદરે વતનથી વિખૂટા પડ્યાનો આર્તનાદ પ્રગટ થાય છે. બીજો ભાગ ‘લોકતારા’ લાડો, સહિરો જેવાં લોકગીતો રજૂ કરે છે. ત્રીજો ‘મનજિ તંદુ’માં કવિની પ્રતિક્રિયાની પ્રતીતિ થાય છે. ચોથા ભાગમાં ‘તર્ઝા તોંવ્હી’માં હાઈકુ, તરાઈલ, સૉનેટ જેવાં અન્ય કાવ્યસ્વરૂપો જોવા મળે છે.

જયંત રેલવાણી