કુમારિકાતીર્થ : સ્કંદપુરાણના કુમારિકાખંડમાં ઉલ્લેખાયેલું મહી નદીના સાગર સંગમ પાસેનું કામ્યનગર. આ નગરનું પ્રાચીન નામ તે સ્તંભતીર્થ (વધુ સાચું તો  स्कम्भतीर्थ ખંભાત). એને જ ‘ગુપ્તક્ષેત્ર’ કે ‘કુમારિકાક્ષેત્ર’ પણ કહેવામાં આવે છે. ‘પૅરિપ્લસ’ નામની ભૂગોળમાં ઈ. સ.ની પહેલી સદી આસપાસના મુસાફરે આ પુણ્યતીર્થને ‘કૌમાર’ નામથી બતાવ્યું છે. (ભારતવર્ષના તદ્દન દક્ષિણ છેડે આવેલી ભૂશિર પરનું ‘કુમારિકાક્ષેત્ર’ એ આનાથી તદ્દન જુદું છે.) ‘કુમારિકાતીર્થ’ સંજ્ઞા કેમ પડી એની પૌરાણિક કથા ઉક્ત કુમારિકાખંડમાં આપવામાં આવી છે.

કે. કા. શાસ્ત્રી