કુમારસ્વામી આનંદકેંટિશ

January, 2008

કુમારસ્વામી, આનંદકેંટિશ (જ. 22 ઑગસ્ટ 1877, કોલંબો, શ્રીલંકા; અ. 8 સપ્ટેમ્બર 1947, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : પૂર્વની કલાના વિશ્વવિખ્યાત સંશોધક અને વિદ્વાન ભાષ્યકાર. એમનું શિક્ષણ ઇંગ્લૅન્ડમાં થયેલું. શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી. તે ભૂસ્તરવિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવ્યા પછી 1903થી 1906 સુધી શ્રીલંકાની ખનિજવિજ્ઞાન સર્વેક્ષણ સંસ્થાના સંચાલક હતા. આ ત્રણ વર્ષો દરમિયાન તે પૂર્વની સાંસ્કૃતિક પરંપરાના અધ્યયનમાં ખૂંપી ગયા. એ રીતે એશિયાની કલા, કારીગરી, વાસ્તુશિલ્પ, ધર્મશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર, અધ્યાત્મ વગેરે વિષયોનું ગહન અધ્યયન કર્યું. આ તેમના યુગપ્રવર્તક જીવનનો આરંભકાળ હતો. એક પૌરાણિક ઋષિની જેમ કુમારસ્વામીએ પોતાનું જીવન બૌદ્ધ અને હિંદુ પરંપરાનાં રંગચિત્રો, શિલ્પ, સ્થાપત્ય, મૂર્તિવિધાન, લેખનકળા વગેરેનાં રહસ્યોની ખોજ કરી તેને પ્રગટ કરવામાં જ સમર્પિત કર્યું.

આનંદ કુમારસ્વામી જ્વલંત રાષ્ટ્રવાદી હતા. એમનો રાષ્ટ્રવાદ ફક્ત રાજકીય કે સામાજિક પ્રકારનો તાત્કાલિક ઉદ્દેશ પૂરતો સીમિત ન હતો. પૂર્વની આધ્યાત્મિકતાનું આધુનિકતાના આક્રમણથી રક્ષણ કરવું તથા પૂર્વનાં સાંસ્કૃતિક મૂલ્યોને પુનર્જીવિત કરવાં એ એમની રાષ્ટ્રભક્તિનું સ્વરૂપ હતું. ખરું રાષ્ટ્રીય તત્વ એટલે આપણી પર થયેલા રાજકીય અન્યાયોનું પરિમાર્જન નહિ. રાષ્ટ્રની સાંસ્કૃતિક એકાત્મતાથી ભારતીય જીવન સ્ફુરાયમાણ થાય નહિ, ત્યાં સુધી રાજકીય એકાત્મતાની જાણકારી થાય નહિ. એ જાણકારીનું નિર્માણ કરવું એ જ સાચું રાષ્ટ્રીય કાર્ય છે, એમ તેમનું ર્દઢ મંતવ્ય હતું. આ ર્દષ્ટિબિંદુથી એમણે પૂર્વના બધા દેશોના ભૂતકાળને તપાસીને તેનું રહસ્ય પ્રગટ કરવાનું કાર્ય અથાગ પરિશ્રમ લઈને કુશળતાથી પાર પાડ્યું. તેનાથી ભારતીય કળાને વિશ્વમાં ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત થયું છે.

એમના મુખ્ય ગ્રંથોમાં ‘મીડીવલ સિંહાલીઝ આર્ટ’ (1908), ‘આર્ટ ઍન્ડ સ્વદેશી’ (1910), ‘ઇન્ડિયન ડ્રૉઇંગ્ઝ’ (બે ખંડો) (1910), ‘મિથ્સ ઑવ્ હિન્દુઝ ઍન્ડ બુદ્ધિસ્ટસ્’ (1914) (ભગિની નિવેદિતાની સાથે), ‘વિશ્વકર્મા’ (1914), ‘વિદ્યાપતિ બંગીય પદાવલિ’ (1915) (અરુણ સેનની સાથે), ‘બુદ્ધ ઍન્ડ ધ ગૉસ્પેલ ઑવ્ બુદ્ધિઝમ’ (1916), ‘ધ ડાન્સ ઑવ્ શિવ’ (1918), ‘હિસ્ટરી ઑવ્ ઇન્ડિયન ઍન્ડ ઇન્ડોનેશિયન આર્ટ’ (1927), ‘એ ન્યૂ એપ્રોચ ટુ વેદાઝ’ (1933), ‘ટ્રાન્સફૉર્મેશન ઑવ્ નેચર ઇન આર્ટ’(1934)નો સમાવેશ થાય છે. એમણે ઑક્સફર્ડમાં એક પ્રેસ ખરીદીને એમાં પોતાનાં પુસ્તકો છપાવ્યાં હતાં. એમણે ભારતીય સંસ્કૃતિ અને કલાના ક્ષેત્રે જે મહાન કાર્ય કર્યું તેની કદરરૂપે પુણેની ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન-સંસ્થાએ 1936માં એમને માનનીય સભ્ય બનાવ્યા.

પ્રિયબાળાબહેન શાહ