કુમારિલ ભટ્ટ (પૂ. મી.) (સાતમી સદી ઉત્તરાર્ધ) (Oસ્વામી, Oમિશ્ર, Oભટ્ટપાદ) : પ્રાચીન બ્રાહ્મણધર્મ અને કર્મકાંડના પ્રબળ પુરસ્કર્તા મીમાંસક. દંતકથાના આધારે તેમના જીવન અંગેની માહિતી મળે છે. ઉત્તર બિહાર(સંભવત: મિથિલા)માં બ્રાહ્મણકુળમાં જન્મ. પિતા યજ્ઞેશ્વર ભટ્ટ અને માતા ચંદ્રગુણા. જયમિશ્ર તેમનો પુત્ર હતો. બુદ્ધાચાર્ય પાસે બૌદ્ધ સિદ્ધાંતો શીખ્યા હતા. પ્રભાકરમિશ્ર, મંડનમિશ્ર અને ભવભૂતિ (ઉમ્બેક) તેમના શિષ્યો હતા. આદ્ય શંકરાચાર્યના વયોવૃદ્ધ સમકાલીન એવા કુમારિલ પ્રયાગમાં ત્રિવેણીતટે તુષાગ્નિમાં પ્રવેશીને સ્વેચ્છાએ દેહત્યાગ કરતા હતા, ત્યારે બંનેનું પ્રથમ અને અંતિમ મિલન થયું હતું.

કુમારિલે બૌદ્ધ સિદ્ધાંતોનું ખંડન કરી વૈદિક ધર્મ અને કર્મકાંડને પુનર્જીવિત કર્યા હતા. વેદોને નિત્ય, અપૌરુષેય અને સર્વશ્રેષ્ઠ પ્રમાણ ગણીને તેના આધારે યાગાદિ(કર્મકાંડ)નું જ પ્રાધાન્ય પ્રસ્થાપિત કરનાર કુમારિલ એક મહાન યુગપ્રવર્તક આચાર્ય હતા.

તેમણે જૈમિનિરચિત પૂર્વમીમાંસાસૂત્ર ઉપરના શાબરભાષ્ય ઉપર ઘણી વિસ્તૃત ટીકા લખી છે. તેના ત્રણ ભાગ છે : (1) શ્લોકવાર્તિક (1.1), (2) તંત્રવાર્તિક(1.2.1)થી અધ્યાય-3 સુધી અને (3) ટુપ્-ટીકા (અધ્યાય 4થી 12) ઉપરાંત બૃહટ્ટીકા અને મધ્યમટીકા તેમની કૃતિઓ ગણાય છે.

શબરસ્વામીથી જુદા પડીને તેમણે પોતાનાં મૌલિક મંતવ્યો આપ્યાં છે. તેમનો મત ભાટ્ટમત તરીકે જાણીતો છે.

મનસુખ જોશી