કુણાલ : મૌર્ય સમ્રાટ અશોકનો પુત્ર. અશોકની યુવાન પત્ની તિષ્યરક્ષિતા આ સાવકા પુત્રના પ્રેમમાં પડી હતી. અનુશ્રુતિ અનુસાર રાણીએ રાજપુત્ર સાથે અનૈતિક સંબંધોની માગણી કરી, જેનો કુમારે અસ્વીકાર કરતાં રાણીએ બદલો લઈ એને અંધ કરાવ્યો. અંધ રાજપુત્રે બોધિગયામાં બૌદ્ધ અર્હત ઘોષની પ્રેરણાથી ધ્યાન કરીને ગયેલી દૃષ્ટિ પાછી મેળવેલી. યુઆન શ્વાંગે નોંધ્યા પ્રમાણે કુણાલને અંધ કર્યા પછી અશોકે આ જઘન્ય કૃત્યમાં સામેલ થનારા બધાને દેશવટો દીધેલો તેમણે પછી ખોતાનમાં જઈ વસાહત સ્થાપેલી.

પ્રવીણચંદ્ર પરીખ