કુડ્ડાલોર : તામિલનાડુ રાજ્યના દક્ષિણ આર્કટ જિલ્લાનું વડું મથક તથા બંદર. બંગાળના ઉપસાગરના કોરોમંડલ કિનારે આ શહેર 11o 43’ ઉત્તર અક્ષાંશ અને 79o 46’ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તમિલ શબ્દ ‘કુટ્ટલ ઊર’ એટલે નદીઓનો સંગમ જેના પરથી આ શહેરને નામ અપાયેલું છે. આ શહેર પોન્નાઇયાર અને ગાડીલમ નદીઓના સંગમસ્થાને આવેલું છે. અહીં મોટાભાગનો વરસાદ શિયાળામાં પડે છે. નદીઓમાં વારંવાર આવતાં પૂર શહેરને નુકસાન કરે છે. જૂના કુડ્ડાલોરમાં મુખ્ય બજાર અને બંદર વિસ્તાર આવેલા છે. દક્ષિણ રેલવે પર આવેલું આ શહેર તિરુચિલાપલ્લી, સેલમ, ચેન્નાઈ તેમજ પોંડિચેરી, કાંચીપુરમ, કુંભકોણમ વગેરે શહેરો સાથે જોડાયેલું છે. ચેન્નાઈ બંદરનો વિકાસ થતાં આ બંદરનું મહત્વ ઘટ્યું છે. અહીં મચ્છીમારી અને વહાણ-બાંધકામ પ્રવૃત્તિ ધીમે ધીમે વિકસી રહી છે. ડાંગર, શેરડી, કઠોળ અને મગફળી મુખ્ય પાક છે. લોખંડ, સિમેન્ટ, ખાતર, તેલ અને ખાંડનાં કારખાનાં તથા તેલમિલો વગેરે અત્રે આવેલાં છે. નજીકમાં નેવેલીની લિગ્નાઇટની ખાણો અને ખાતરનું કારખાનું આવેલાં છે. સેલમનું મૅંગેનીઝ અને બેલારી હોસ્પેટની લોહઅયસ્ક ખાણોની લોખંડની કાચી ધાતુ અહીંથી નિકાસ થાય છે. કોલસા, ગંધક, સુપર ફૉસ્ફેટ, યુરિયા, મોટર કાર, મીઠું, કઠોળ, ટાઇલ્સ વગેરેની આયાત થાય છે. જાપાન, યુ.કે., મલેશિયા, લંકા, યુ.એસ. સાથે તેનો વેપાર છે. ડુંગળી, લસણ અને મોઝેઇક ટુકડા ઈરાની અખાતના દેશો, દક્ષિણ કોરિયા, શ્રીલંકા વગેરે દેશોમાં જાય છે.

આ જૂના બંદર-શહેરનો ઇતિહાસ 1600માં બંધાયેલા ‘સેન્ટ ડેવિડ ફૉર્ટ’ સાથે સંકળાયેલ છે. 1690થી 1785 સુધી ફ્રેન્ચ અને બ્રિટિશ શાસન હેઠળ રહેલા આ શહેરના નવા કુડ્ડાલોર વિભાગમાં આવેલ કચેરીઓ અને કર્મચારીઓનાં રહેણાક મકાનોની બાંધણી પર ફ્રેન્ચ અને બ્રિટિશ સંસ્કૃતિની છાપ જોવા મળે છે. વસ્તી 1.74 લાખ (2011).

વસંત ચંદુલાલ શેઠ

શિવપ્રસાદ રાજગોર