કુંવરસિંહ (જ. આશરે 1777, જગદીશપુર, જિ. શાહાબાદ, બિહાર; અ. 24 એપ્રિલ, 1858, જગદીશપુર) : 1857ના મહાન વિપ્લવના એક બહાદુર યોદ્ધા અને સેનાપતિ. તેઓ ઉચ્ચ રાજપૂત કુળના વંશજ હતા. ભારતમાં અંગ્રેજોની સત્તા સામે 1857માં વિપ્લવ થયો ત્યારે કુંવરસિંહ આશરે 80 વર્ષના વૃદ્ધ હતા. વૃદ્ધાવસ્થા તથા નરમ સ્વાસ્થ્ય હોવા છતાં, અંગ્રેજો સામે લડાઈનું આહવાન થયું, ત્યારે આ વૃદ્ધ સિંહે તેમાં ઝંપલાવ્યું. તેઓ ર્દઢ સંકલ્પ તથા અદમ્ય સાહસ કરીને લગભગ એક વર્ષ સુધી બ્રિટિશ સેનાનો વીરતાપૂર્વક સામનો કરતા રહ્યા.

કુંવરસિંહ
દેશના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામમાં કુંવરસિંહે જે બહાદુરીભર્યાં કાર્યો કર્યાં તે અવશ્ય આ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયાં છે. અંગ્રેજોને લગભગ એક વર્ષ સુધી પરેશાન કર્યા બાદ, કુંવરસિંહે પોતાના રાજ્ય જગદીશપુરમાં પાછા ફરવું પડ્યું. તેઓ જગદીશપુર જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં, ગંગા નદી પાર કરતી વખતે તેમની પાછળ પડેલા સૈનિકોની ગોળી તેમના હાથ પર વાગી અને તેઓ ઘાયલ થયા. આ વૃદ્ધ યોદ્ધાએ પોતાના ઘાયલ હાથને કાપીને, આખરી ભેટ રૂપે ગંગા નદીના પ્રવાહમાં નાખી દીધો. તે પછી તરત જ 23 એપ્રિલ, 1858ના રોજ જગદીશપુરની પાસે તેઓ છેલ્લું યુદ્ધ લડ્યા. તેમાં બ્રિટિશ સેના સંપૂર્ણ પરાજિત થઈને અસ્તવ્યસ્ત થઈ ગઈ.
જયકુમાર ર. શુક્લ