કુંભારકામ : અગ્નિમાં તપાવેલા ભીની માટીના વિવિધ ઘાટ ઉતારવાનું કામ. ભીની માટીના અનેક ઘાટ ઘડી શકાય છે. તેને અગ્નિમાં યોગ્ય રીતે તપાવવાથી તેમાં વિશિષ્ટ શક્તિ પેદા થઈને પાણીથી તે ઓગળી જતા નથી, તેમજ તે પથ્થર કે અન્ય પદાર્થોની માફક વાપરી શકાય છે. એ જ્ઞાન કુંભારકામનું મૂળ છે. આ જ્ઞાન પૃથ્વી પરના માનવઅસ્તિત્વના ઇતિહાસમાં પ્રમાણમાં મોડું, છેલ્લાં પાંચસાત હજાર વર્ષથી દેખાય છે.
તેનો ઉપયોગ વાસણો, ઈંટો, નળિયાં આદિ સ્થાપત્ય માટેનાં સાધનો, સુશોભનો માટેના પદાર્થો, રમકડાં તથા યુદ્ધ માટેનાં સાધનો બનાવવામાં થતો દેખાય છે. માટીની વસ્તુઓ માનવો ઘણી વાપરે છે, તેથી માનવવસવાટો પરથી તે વિપુલ પ્રમાણમાં મળી આવે છે. તેના ઘાટ, બનાવટની વિશિષ્ટ પદ્ધતિ, તેનું સ્તરમાં સ્થાન તથા તેમાં થતા અંતરંગ ફેરફારો આદિની સહાયથી તેનો કાલનિર્ણય થાય છે, તે કાલનિર્ણય માનવવસવાટના ઇતિહાસમાં ઘણો મહત્વનો હોઈને માટીનાં વાસણોને પુરાવસ્તુની બારાખડી કે વર્ણમાલા કહે છે.
માટી, પૃથ્વી પરના વિવિધ ખડકો પર થતી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાથી તૈયાર થાય છે. તેમાં ખડકના ઘટકોને લીધે તથા તેમાં થતાં બીજાં મિશ્રણોને લીધે તેનું વૈવિધ્ય દેખાય છે. ખડકોમાંથી તૈયાર થતી માટી વરસાદ, પવન આદિ નૈસર્ગિક પ્રક્રિયાને લીધે ફેલાય છે. તેનું ધોવાણ એક સ્થળે થતાં તે બીજી જગ્યાએ નવરચનાનું કામ કરતી હોય છે. આ માટીમાં લાદ અને કુશકી જેવા પદાર્થો ભેળવીને તેમાંથી બનાવેલી વસ્તુઓ અગ્નિના તાપમાં ખરાબ ન થાય તેવી તકેદારી રાખીને તેનો ઉપયોગ કરવામાં આવે છે.
વસ્તુઓ બનાવવા માટે માટી તૈયાર કર્યા બાદ તેની જુદી જુદી વસ્તુઓ હાથથી ઘડીને, ચાક પર ચઢાવીને, કે બીબાંથી તૈયાર કરવામાં આવે છે. આવી વસ્તુઓના જુદા જુદા ભાગો બનાવીને તે એકબીજા સાથે ચોંટાડીને આખી વસ્તુ તૈયાર થાય છે. આમ તેની બનાવટની વિવિધ પદ્ધતિઓ હોય છે.
વસ્તુ તૈયાર થયા પછી તેને ટીપીને મોટી કરવી, તેની પર અસ્તર ચઢાવવું, તેની પર રંગબેરંગી ચિત્રો ચીતરવાં વગેરે જટિલ પ્રક્રિયાઓ કરવામાં આવે છે. આ પ્રક્રિયાઓ કેટલીક વાર કાચી માટી ઉપર કરવામાં આવે છે, તો કેટલીક વાર માટી પકવીને આ પ્રક્રિયાઓ કરીને તેને બીજી વાર પકવવામાં આવે છે.
માટીની વસ્તુઓના ઘાટ ઘડ્યા પછી તેને નિભાડામાં પકવવામાં આવે છે. આ નિભાડા ખુલ્લા, બંધ કરેલા, અડધા ખુલ્લા, જમીન પર, જમીનની અંદર એમ વિવિધ રીતે તૈયાર કરેલા હોય છે. નિભાડામાં પકવાતાં વાસણો કે માટીની વસ્તુને કેટલા પ્રમાણમાં અને કેટલો વખત ગરમી આપવી એ ગણતરીનું કામ અનુભવ માગી લે છે, કારણ કે ઓછી ગરમીથી વસ્તુ કાચી રહે છે અને વધુ પડતી ગરમીથી તે બગડી જાય છે.
આ કુંભારકામથી તૈયાર થતી વસ્તુઓમાં સૌથી વધુ સ્થાપત્યમાં વપરાતી ઈંટો છે. આ ઈંટો સંચાથી મોટેભાગે લંબચોરસ ઘાટની બનાવવામાં આવે છે. તેનું કદ જુદા જુદા સમયમાં જુદું જુદું જોવામાં આવ્યું છે. સાદી ઈંટો ઉપરાંત સુશોભિત ઈંટો, લાંબી ઈંટો અને ઈંટની બનાવેલી કમાનો જોવામાં આવે છે. આ ઈંટોના બહારથી દેખાતા ભાગો સુશોભિત હોય છે અને બીજા ભાગો સાદા હોય છે. તેનું કદ તેના ઉપયોગ પ્રમાણે નક્કી કરેલું હોય છે. આવી સુશોભિત ઈંટોમાં જ્યારે માનવઆકૃતિ કે પ્રાણીઓની આકૃતિ હોય છે, ત્યારે તે ઈંટો માટીકામના જુદા ક્ષેત્ર તરફ અંગુલિનિર્દેશ કરે છે. સુશોભનો બીબાંથી કે કોતરીને તૈયાર કરવામાં આવતાં હોય છે, તેની પર ક્વચિત્ રંગ ચઢાવવામાં આવે છે. રંગ ચઢાવવાની પ્રક્રિયાનું વૈવિધ્ય ઘણું છે. તેમાં માત્ર સાદો રંગ ચઢાવવાથી માંડીને, કાચનો ઓપ ચઢાવવાની પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે.
છાપરાં માટે વપરાતી માટીની વસ્તુઓમાં વિવિધ ઘાટનાં નળિયાંની ગણના થાય. તેમાં ઓપ ચઢાવેલાં નળિયાં કુંભારકામનો સારો વિકાસ દર્શાવે છે. પાણી લઈ જવા માટેની નળીઓ, ભૂંગળાં આદિમાં પણ માટીકામનો પ્રચુર ઉપયોગ દેખાય છે.
મકાનોના બાંધકામમાં વપરાતી આ વસ્તુઓ ઉપરાંત માટલાં, કૂંડાં, ઘડા, ગોરસિયાં, વાડકા, થાળી, ઢાંકણો, કોઠી આદિ રોજિંદા ઉપયોગની ઘણી વસ્તુઓ માટીની બને છે. આ વાસણોના ઘાટનાં બે સ્વરૂપો છે : એક સ્વરૂપ લાંબો વખત ચાલુ રહીને તેના ઉપયોગની પરંપરા સૂચવે છે અને બીજું સ્વરૂપ પલટાતા શોખ અને રિવાજો દર્શાવે છે. માટીનાં વાસણો તૂટી ગયા પછી તેનો ખાસ ઉપયોગ થતો નથી તેથી તે વપરાશના સ્થળથી થોડે દૂર ફેંકી દેવામાં આવે છે. આવાં ઠીકરાં કોઈ પણ સ્થળના ઇતિહાસમાં કાલક્રમ નક્કી કરવાનાં ઉત્તમ સાધનો હોવાથી પુરાવસ્તુવિદો તેને મહત્વની સામગ્રી ગણે છે.
માટીનાં વાસણોના ઘડતરમાં તથા તેના સ્વરૂપમાં વૈવિધ્ય જોતાં તેમાં કાળાં, લાલ, નીલ-લોહિત, પીળાશ પડતાં, સફેદ, સાદાં તથા ચીતરેલાં કે ઉપસાવેલી ભાતવાળાં વાસણો દેખાય છે. તેની ઉપરની સપાટી સાદી તથા વિવિધ અસ્તરો અને રંગોવાળી હોય છે. આ અસ્તરની પરીક્ષા કરતાં તે જુદી જુદી માટીનાં તથા વિવિધ મિશ્રણોવાળાં હોઈ તે લીસાં, ચળકતાં, વિવિધરંગી તેમજ એકરંગી જોવામાં આવે છે, તેમજ તેનાં પોત પણ અનેક પ્રકારનાં હોય છે.
માટીનાં વાસણોના સ્વરૂપ પરથી તેના વિવિધ ભેદો તથા નામાવલિ દેખાય છે, તેમાં કોડિયાં, પ્યાલા, કલેડાં, થાળી, લોટા, ઘડા, માટલાં, કોઠીઓ આદિ વિવિધ સ્થળ-કાળમાં મળી આવે છે. એમાં સાદી બેઠકવાળાં તથા બેઠક વિનાનાં, નીચેથી અર્ધગોળ કે અણિયાળાં, વચ્ચેનો ભાગ બહિર્ગોળ કે અંતર્ગોળ તથા નાનીમોટી ડોક અને તેના વિવિધ ઘાટના કાંઠલાથી ઘણા ભેદ દેખાય છે. આ વાસણો પકડવાના હાથાવાળાં, પાણી બહાર કાઢવાનાં નાળચાંવાળાં હોય ત્યારે તે હાથા અને નાળચાંનાં અનેક સ્વરૂપો જોવામાં આવે છે.
માટીનો ઉપયોગ જ્યારે રમકડાં, મૂર્તિઓ આદિ બનાવવામાં થાય છે ત્યારે તેના ઘૂઘરા, લખોટીઓ, લખોટા, પૂતળીઓ તથા પૈડાંવાળાં અને હાલતાં-ચાલતાં અંગોવાળાં પશુ-પંખીઓ બનાવવામાં આવે છે. તેમાં ઘણી વિવિધતા જોવા મળે છે. માટીની મોટી પ્રતિમાઓ બનાવવામાં આવે છે ત્યારે તે તેની દેશકાળની કલાશૈલીનાં દર્શન કરાવે છે. તેમાં દેવદેવી, પાળિયાઓ આદિની સાથે ચાક પર ઉતારેલાં વિવિધ અંગોના ભાગો જોડીને તૈયાર કરેલા પોલા હાથી, ઘોડા, વાઘ આદિની વિશાળ સૃષ્ટિનું સર્જન કરે છે.
માટીની વસ્તુઓમાં સુશોભનો માટે મણકા, બંગડી, કુંડળો જેવાં આભૂષણો, વિવિધ જાતની મુદ્રાઓ અને મુદ્રાંકનો પણ આગવી ભાત પાડે છે.
ર. ના. મહેતા