કુંભલગઢનો કિલ્લો : રાજસ્થાનનો પ્રસિદ્ધ કિલ્લો. કુંભલગઢ રાજસ્થાનમાં ઉદેપુરની વાયવ્યે 80 કિમી. દૂર અરવલ્લીની ટેકરીઓમાં આવેલો છે. તેના વ્યૂહાત્મક સ્થાનને લીધે રાજસ્થાનના કિલ્લાઓમાં તે બીજા ક્રમે આવે છે. રાણા કુંભાએ 1443–1458 દરમિયાન પ્રસિદ્ધ સ્થપતિ મંડનની દેખરેખ નીચે તે બંધાવ્યો હતો. માળવા અને ગુજરાતના સુલતાનોએ તેને જીતવા અનેક પ્રયત્નો કર્યા હતા; પરંતુ તેની દુર્ગમ રચના અને વ્યૂહાત્મક સ્થાનને કારણે અજિત રહ્યો હતો. કિલ્લામાં અનેક મંદિરો, મહેલો, વાવ, છતરડીઓ આવેલાં છે. દક્ષિણમાં આવેલા અરેત પોળના દરવાજામાંથી કિલ્લામાં પ્રવેશી શકાય છે. બાદ હલ્લા પોળ, હનુમાન પોળ, રામપોળ અને વિજય પોળમાંથી પસાર થવાય છે. હનુમાન પોળ દરવાજામાં પધરાવેલી હનુમાનજીની પ્રતિમા રાણા કુંભો માંડવપુરમાંથી લાવ્યો હતો. ભૈરો પોળ, નીમ્બુ પોળ અને પાન્ધ્રા પોળ – એ ત્રણ દરવાજામાં થઈને મહેલોના પરિસરમાં જવાય છે. પૂર્વમાં એક અન્ય દરવાજો  દાણીબત્તા આવેલો છે, જે મેવાડને મારવાડ સાથે જોડે છે. મહેલોના રસ્તે આવેલું ગણેશ મંદિર મહારાણા કુંભાએ બંધાવ્યું હતું. ચિત્તોડ ગઢના કીર્તિ સ્તંભના એક શિલાલેખમાં આ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે. કિલ્લાનું બાંધકામ પૂર્ણ થઈ ગયા બાદ રાણા કુંભાએ 1457માં વિધિ કરવા માટે વેદી મંદિર બંધાવ્યું. ઊંચી પીઠિકા પર આવેલું પૂર્વાભિમુખ આ મંદિર બે મજલાનું છે. તેનો પ્લાન અષ્ટકોણીય છે.  36 સ્તંભો મંદિરની ઘુંમટાકાર છતને ટેકવે છે. આ મંદિરની પૂર્વમાં

કુંભલગઢનો કિલ્લો

આવેલું એક દેવી-મંદિર ત્રણ ગર્ભગૃહો ધરાવે છે. નીલકંઠ મહાદેવનું મંદિર 1458માં બંધાયું હતું. તેના ગર્ભગૃહને ચારે દિશાએ ચાર પ્રવેશદ્વાર છે તેથી આ મંદિર સર્વતોભદ્ર પ્રકારનું છે. તેના એક સ્તંભ પરના શિલાલેખ પ્રમાણે રાણા સંગે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પાર્શ્ર્વનાથનું મંદિર નરસિંહ પોખડે વિ. સં. 1508માં બંધાવ્યું હતું. બાવન દેરી જિનાલયમાં મુખ્ય મંદિરને ફરતી 52 દેવકુલિકાઓ હોવાથી તેને આવું નામ મળ્યું છે. આનાથી થોડે દૂર ગોલેરાવ મંદિરોનો સમૂહ આવેલો છે. ત્યાં 9 મંદિર આવેલાં છે. મંદિર-સમૂહને ફરતો પ્રાકાર (કોટ) છે. મંદિરની પીઠનું સ્થાપત્ય જોતાં આ મંદિરો રાણા કુંભાએ બંધાવ્યાં હોવાનું મનાય છે. મામદેવ કે કુંભ-શ્યામના મંદિરના ગર્ભગૃહ અને સભામંડપની છત સપાટ છે. મંદિરમાંના શિલાલેખમાં કુંભલગઢનો ઇતિહાસ વિગતે આપેલો છે. મંદિરની નજીક આવેલા તળાવના કાંઠે કુંભાના પુત્ર ઉદયે તેની હત્યા કરી હોવાનું મનાય છે. પિત્તળિયા દેવ મંદિર જૈન શેઠ પિત્તળિયાએ વિ. સં. 1512માં બંધાવ્યું હતું. પૂર્વાભિમુખ આ મંદિરના ગર્ભગૃહની ચારે દિશાએ ચાર પ્રવેશદ્વાર છે. સભામંડપની ત્રણ બાજુએ પ્રવેશચોકીઓ છે. રાણા કુંભાનો મહેલ પગદા પોળની નજીક આવેલો છે. આ ઇમારત બે માળની છે. ઝલિયા ક માલિયા અથવા રાણી ઝાલીના મહેલ નામની ઇમારત મહારાણા પ્રતાપનું જન્મસ્થળ હોવાનું મનાય છે. કિલ્લાની સૌથી ઊંચાઈએ બાદલ મહેલ આવેલો છે. તેનું બાંધકામ રાણા ફતેહસિંહે (1885–1930) કરાવ્યું હતું. બે મજલાની આ ઇમારત બે જુદા વિભાગમાં વિભક્ત છે  જનાના મહેલ અને મર્દાના મહેલ. મહેલની ભીંતો સુંદર ચિત્રકામથી અલંકૃત છે. જનાના મહેલમાં પથ્થરનું સુંદર જાળીકામ છે. જાળીઓમાંથી રાણીઓ દરબારની કાર્યવહી અને અન્ય પ્રસંગો જોઈ શકતી.

થૉમસ પરમાર