કીવી : ન્યૂઝીલૅન્ડનું પાંખ વગરનું, મરઘીના કદનું, નિશાચર રાષ્ટ્રીય પક્ષી. સમુદાય : મેરુદંડી (chordata); ઉપસમુદાય : પૃષ્ઠવંશી (vertebrata); વર્ગ : વિહગ (aves); ઉપવર્ગ : નિયૉર્નિથિસ; શ્રેણી : એપ્ટેરિજિફૉર્મિસ; કુળ : એપ્ટેરિજિડે; પ્રજાતિ અને જાતિ : એપ્ટેરિક્સ ઑસ્ટ્રેલિયસ; અન્ય કીવીની જાતિઓ : એ. હાસ્તિ (A. haasti); એ. ઑવેની (A. owani). તેની પાંખો અવશિષ્ટ બની ગઈ છે. તેનાં પીંછાંના આચ્છાદન નીચે ભુજાસ્થિનું નાનું અંગુલ્યાસ્થિ સ્વરૂપ તેના અવશેષની જાણ કરે છે. તેના પગ મજબૂત અને ભરાવદાર હોય છે. તે ઝડપથી જમીન ઉપર દોડી શકે છે. તેની ચાંચ લાંબી અને છેડે વળેલી હોય છે. ચાંચના શરીરવર્તી છેડે વિકસિત નાસિકા છિદ્રો ખૂલે છે. તેની ઘ્રાણેન્દ્રિય તીવ્ર છે. કીવીના શરીર ઉપર બદામી રંગના લાંબા વાળ જેવાં બરછટ પીંછાંનું આવરણ હોય છે. તેનો ખોરાક મુખ્યત્વે કૃમિઓ, અળશિયાં અને કીટકો છે. પગના છેડે આવેલી નહોરયુક્ત ચાર આંગળીઓની મદદથી તે જમીનમાંથી ખોરાક ખોતરી ચાંચ વડે તેનો આહાર કરે છે. જમીનમાં દર કરવા તેમજ દુશ્મન સામે રક્ષણ કરવા માટે જોરદાર પગના નહોરનો ઉપયોગ કરે છે.

કીવી
માદા કીવી પક્ષી દરમાં માળો બનાવી 1થી 2 ઈંડાં મૂકે છે. સેવનની જવાબદારી નર પક્ષી ઉઠાવે છે. ઈંડાંનો સેવનકાળ લગભગ 80 દિવસનો હોય છે. તે દરમિયાન નર પક્ષી ભાગ્યે જ માળો છોડે છે. ઈંડાનું કદ 5થી 12 સેમી. લાંબું અને વજન આશરે 450 ગ્રામ જેટલું હોય છે. માદાના કદના પ્રમાણમાં તેના ઈંડાનું કદ ઘણું મોટું હોય છે. નરનું કદ માદાના કદ કરતાં સહેજ મોટું હોય છે.
ન્યૂઝીલૅન્ડ અને તેની આજુબાજુના દ્વીપોમાં પાંખ વગરનાં પક્ષીઓની ઘણી જાતિઓ હતી. સોળમી સદી સુધી આ દ્વીપોમાં ‘મોઆ’ નામનું શાહમૃગના કદનું, પાંખો વગરનું વિશાળકાય પક્ષી મળી આવતું હતું. માઓરી લોકોના શિકારનો ભોગ બનતાં આ મોઆ પક્ષી નામશેષ બન્યું. નર કીવીના શબ્દોચ્ચાર કી… વી… (Kee Vee) ઉપરથી માઓરીએ તેનું નામ ‘કીવી’ પાડ્યું છે. કીવી શરમાળ પક્ષી હોઈ દિવસે ભાગ્યે જ જોવા મળે છે. રાત્રે પણ તેનાં દર્શન દુર્લભ છે. ન્યૂઝીલૅન્ડમાં કીવીની ત્રણ જાતિઓ (species) મળી આવે છે. હવે ન્યૂઝીલૅન્ડની સરકારે સમયસર અભયારણ્યો રચી કીવી જેવા સુંદર પક્ષીનો વિનાશ અટકાવી દીધો છે. એકમાત્ર ન્યૂઝીલૅન્ડમાં મળી આવતું આ પક્ષી હવે ત્યાં રાષ્ટ્રીય પક્ષીનું બિરુદ પામ્યું છે.
દિલીપ શુક્લ
રા. ય. ગુપ્તે