કીવ : યુક્રેન પ્રજાસત્તાક રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 50o 26’ ઉ. અ. અને 30o 31’ પૂ. રે.. શહેર તરીકે તે પ્રાચીન નગર છે. વસ્તી : 28.8 લાખ (2017, યુનો દ્વારા દર્શાવેલ).

નીપર નદીના પશ્ચિમ કિનારે વસેલું આ શહેર મૉસ્કોથી ઓડેસ્સા તથા પૉલેન્ડથી વોલ્ગોગ્રેડ(સ્ટાલિનગ્રાડ)ના રેલમાર્ગ ઉપર આવેલું છે. નીપર નદી ઉપરનું તે એક મોટું બંદર છે, જ્યાંથી માલની નિકાસ થાય છે. અહીંની ખેતીની પેદાશોમાં બટાકા, ફળફળાદિ, ઘઉં, રાઈ, મકાઈ મુખ્ય છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ પણ વિકસ્યા છે. ખાંડનાં કારખાનાં, ખેતી માટેનાં યંત્રો, ધાતુ તથા રસાયણ ઉદ્યોગો મોટા પ્રમાણમાં જોવા મળે છે.

અહીંનાં જોવાલાયક સ્થળોમાં અગિયારમી સદીનું સેન્ટ સોફિયાનું ક્થીડ્રલ, બારમી સદીની મૉનેસ્ટરી, ત્રણ સંતોનું દેવળ, વ્લાદિમિરનું કથીડ્રલ તથા 1853માં ઊભું કરવામાં આવેલું વ્લાદિમિરનું ભવ્ય પૂતળું મુખ્ય છે. અહીંની શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટેટ યુનિવર્સિટી, ઇન્ડસ્ટ્રિયલ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એવિયેશન, સાયન્સ ઍકેડમી, પૉલિટેક્નિક ઇન્સ્ટિટ્યૂટ તથા બૉટનિકલ – ઝુલૉજિકલ ગાર્ડન પ્રસિદ્ધ છે.

સંત ઍન્ડ્રયુનું દેવળ, કીવ

રશિયામાં ખ્રિસ્તી ધર્મનો પ્રવેશ વ્લાદિમિર ધ ગ્રેટના હસ્તે 988માં અહીંથી થયો હતો. આથી ઘણી વાર તેને ‘રશિયાનાં શહેરોની માતા’ અગર ‘રશિયાનું જેરૂસલેમ’ કહેવામાં આવે છે.

1240માં તાતાર લોકોના હુમલાનો તે ભોગ બન્યું હતું અને ત્યારબાદ લિથુઆનિયા, પોલૅન્ડ અને રશિયાના હસ્તક રહ્યું હતું. મધ્યયુગમાં તે રશિયાની રાજધાનીનું શહેર હતું. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન 1918માં અને બીજા વિશ્વયુદ્ધના સમયમાં 1941માં જર્મન સૈન્યોએ તેનો કબજો લીધો હતો. 1943માં રશિયાનાં સૈન્યોએ તેને મુક્ત કર્યું હતું.

દેવવ્રત પાઠક