કીલેટક (chelating agent) : સીસા અને પારા જેવી ભારે ધાતુઓની ઝેરી અસર અટકાવવા તેમની સાથે રાસાયણિક રીતે સંયોજાઈને બિનઝેરી બનતાં અને પેશાબમાં સહેલાઈથી નીકળી શકે એવાં રસાયણો. સીસા અને પારા જેવી ભારે ધાતુઓના પરમાણુઓ શરીરમાં એકઠા થઈ ઝેરી અસર પેદા કરે છે. આવી ભારે ધાતુઓને શરીરમાંથી બહાર લઈ જવા માટે કીલેટક પ્રકારનાં ખાસ રાસાયણિક ઔષધો વપરાય છે. આ ઉપરાંત રસાયણશાસ્ત્ર અને ઉદ્યોગોમાં પણ તેમનો ઉપયોગ થાય છે. ભારે ધાતુઓ સાથે કીલેટક રસાયણો એેક કરતાં વધારે બંધનોથી સંયોજાય છે. સીસાની ઝેરી અસરની તપાસમાં આવાં ઔષધ નિદાન માટે પણ કામ આવે છે. મુખ્ય કીલેટક ઔષધો અને તેમની સાથે જોડાતી મુખ્ય ભારે ધાતુઓ સારણીમાં દર્શાવ્યાં છે.

કેટલાંક કીલેટકો

ક્રમ

કીલેટક ભારે-ધાતુઓ (સંજ્ઞા)
(1) કૅલ્શિયમ ડાઇસોડિયમ એડિટેટ સીસું (Pb), કૅડમિયમ (Cd); રેડિયોધર્મી (radioactive) ધાતુઓ.
(2) ડાઇસોડિયમ એડિટેટ કૅલ્શિયમ (Ca)
(3) ડાઇમરકેપ્રોલ (બી.એ.એલ.) આર્સેનિક (As), સોનું (Au), પારો (Hg), સીસું (Pb)
(4) પેનિસિલેમાઇન તાંબું (Cu), પારો (Hg), સીસું (Pb)
(5) ડિફેરોક્સેમાઇન લોહ (Fe)

કૃષ્ણકાન્ત છ. દવે