કીર્તિસ્તંભ : ભારતીય સ્થાપત્યનો વિશિષ્ટ પ્રકાર. મંડપરચના તેમજ રાજમાર્ગની વચમાં દીપસ્તંભ કે તળાવમાં જલસ્તંભ તરીકે સીમા દર્શાવવા માટે બંધાવેલા સીમાસ્તંભ કે ચિહનસ્તંભ તેમજ મહાલયના ચોગાનમાં કીર્તિસ્તંભ તેમજ ગરુડસ્તંભ, બ્રહ્મસ્તંભ વગેરે અનેક પ્રકારના સ્તંભ જુદા જુદા ઉપયોગ માટે બાંધવામાં આવતા અને તે સ્તંભનું વિભિન્ન શૈલી મુજબ શિલ્પકામ થતું. ભારતની સ્થાપત્યકલામાં આમ સ્તંભનો એક વિશિષ્ટ ફાળો છે.

કીર્તિસ્તંભ

પંદરમા સૈકામાં થયેલ મહારાણા કુંભા વાસ્તુશાસ્ત્રના વિદ્વાન હતા. તે કલારસિક હતા. તેમણે અનેક મંદિરોની સાથે એક કીર્તિસ્તંભ બંધાવ્યો છે. 37.2 મીટર ઊંચો આ કીર્તિસ્તંભ ભવ્ય અલંકરણોથી ચિતોડને શોભાવે છે. તેમાં હિંદુ દેવદેવીઓની સેંકડો પ્રતિમાઓ મૂકેલી છે. વળી દરેક પ્રતિમાની નીચે નામ કોતરેલું છે. મૂર્તિશાસ્ત્રનો કોશ આ કીર્તિસ્તંભમાં કંડારેલો હોય એમ લાગે. શિલ્પસ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનારૂપ આ સ્તંભ બાંધતાં આઠ વર્ષ થયાં હતાં. ઈ. સ. 1440માં તેને બાંધવાની શરૂઆત થઈ. 1906માં કુંભસ્વામી વૈષ્ણવ મંદિરના ઉત્સવની યાદગીરીમાં તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ કીર્તિસ્તંભના પાંચમા માળે તેના સ્થપતિ જૈત અને તેના બે પુત્રોનાં શિલ્પો છે. તેના ટોચના (નવમા) માળે તે સમયના ચાર શિલાલેખો છે. તેમાંના બે હાલમાં નથી અને બે સારી સ્થિતિમાં છે. બીજો કીર્તિસ્તંભ અહીંથી થોડે દૂર થોડો નાનો જૈન સ્તંભ છે, જે બારમા સૈકાનો માનવામાં આવે છે. (જૈન સ્તંભમાં બે માળ ઓછા છે) કીર્તિસ્તંભની અંદરના ભાગમાં તેમજ બહારના ભાગમાં બંને બાજુએ કોરેલાં શિલ્પોનાં અર્થાત્ દેવદેવીઓનાં શિલ્પોનાં નામ કંડારેલાં છે. ષડ્ઋતુઓ – હેમન્ત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદનાં શિલ્પો માનવ-આકૃતિમાં કંડારેલાં છે.

પ્રિયબાળાબહેન શાહ