કીર્તન : ભાગવતકથિત ભક્તિના નવ પ્રકારોમાંનો એક. કીર્તન એટલે સાદા અર્થમાં ‘કીર્તિગાન’. ભક્ત યાને સાધક સૃષ્ટિના કર્તાનું સ્તવન શબ્દોમાં ઉતારી યા કોઈએ શબ્દોમાં ઉતારેલ હોય તેનો પાઠ કરીને અને / અથવા એ ગીત-ગાનના સ્વરૂપમાં હોય તો ગાન કરીને પોતાનો  ભક્તિભાવ વ્યક્ત કરે છે, પૃથ્વી ઉપર મળી આવતા સાહિત્યમાં ‘ઋગ્વેદસંહિતા’ એ પ્રાચીનતમ ગ્રંથ છે; એમાં પ્રકૃતિનાં વિભિન્ન તત્વોને દેવત્વ આપી તે તે દેવને ઉદ્દેશી સૂક્તો ગાવામાં આવ્યાં છે. ક્રિયાવાચક વર્તમાન કૃદંત તરીકે એ શ્રીમદ્ ભગવદગીતામાં પ્રથમ વાર જોવા મળે છે. ‘શ્રવણ’, ‘કીર્તન’, ‘સ્મરણ’, ‘પાદસેવન’, ‘અર્ચન’, ‘વંદન’, ‘દાસ્ય’, ‘સખાભાવ’ અને ‘આત્મનિવેદન’ – આ ભક્તિના નવ પ્રકારમાંથી ગીતામાં ‘શ્રવણ’ અને ‘પાદસેવન’ જોવા નથી મળતાં. ‘સતત મારું કીર્તન કરતા… મારી સતત ઉપાસના કરે છે.’ એમ ‘વંદન’ ભક્તિ સાથે લગન જોવા મળે છે.

વૈદિક સાહિત્ય પછી કીર્તન પુરાણો અને ઉપપુરાણોમાં જોવા મળે છે. કીર્તન-ભક્તિનાં સારાં ઉદાહરણ શ્રીમદ્ ભાગવતના દશમા સ્કંધમાં ગોપીઓ અને શ્રીકૃષ્ણની પટરાણીઓએ ગાયેલાં અનુક્રમે ‘ગોપીગીત’ અને ‘મહિષીગીત’માં જોવા મળે છે. ત્યાં ‘વેણુગીત’, ‘ભ્રમરગીત’ અને ‘યુગલગીત’ પણ કીર્તનભક્તિનો ખ્યાલ આપે છે. સંસ્કૃત સાહિત્યમાં જયદેવનું ‘ગીતગોવિંદ’ આનો સર્વોત્કૃષ્ટ નમૂનો છે. વૈદિક ભાષાની પરંપરામાં ઊતરી આવેલી ભારતીય આર્યકુલની ભાષાઓના મધ્યકાલીન સ્વરૂપમાં અને પછી પણ કીર્તન સાહિત્ય વિપુલ પ્રમાણમાં મળે છે. બંગાળનો વિદ્યાપતિ, વલ્લભ સંપ્રદાયના સૂરદાસ વગેરે અષ્ટછાપીય ભક્તકવિઓ, હરિદાસ સ્વામી, હિતહરિવંશજી, રાજસ્થાનની મીરાંબાઈ, ગુજરાતના નરસિંહ મહેતા, ભાલણ, દયારામ વગેરે અને સ્વામીનારાયણ સંપ્રદાયના મુક્તાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ-પ્રેમસખી જેવા ભક્તકવિઓએ ભગવાન કૃષ્ણની અને ભગવાન રામની પણ જીવનલીલાઓનાં સેંકડો ભાષાપદો લખી કીર્તનોની છોળો ઉડાડી છે.

‘ભજન’ અને ‘કીર્તન’ એ બે વચ્ચે તાત્વિક ભેદ છે. જે પદોમાં તત્વજ્ઞાન વણાઈ ગયેલું છે તે ‘ભજનો’ છે અને જેમાં ભગવાનનાં દિવ્યચરિતોની લીલાનું ગાન છે તે ‘કીર્તનો’ છે. કીર્તનગાયકો સામાન્ય રીતે ભજનિકો નથી હોતા, જ્યારે ‘ભજનિકો’ ભજનો ઉપરાંત કીર્તનોના પણ ગાયક હોય છે. ભજનોમાં તત્વજ્ઞાન હોવાથી સર્વસામાન્યને સમજવામાં મુશ્કેલી રહે છે, જ્યારે કીર્તનોમાં લીલાગાન હોવાને કારણે જ્ઞાની-અલ્પજ્ઞાની-અજ્ઞાનીઓ પણ આસ્વાદ લઈ શકે છે.

કે. કા. શાસ્ત્રી