કીડામારી : દ્વિદળીવર્ગમાં આવેલા એરિસ્ટોલોકિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aristolochia bracteolata Lam. syn. A. bracteata Deta. (સં. ધૂમ્રપત્રા, હિં. કીડામારી; બં. તામાક; મ. ગિધાન, ગંધન, ગંધાટી; ક. કરિગિડ, કત્તગિરિ; તે ગાડિદેગાડાપારા, ત. અડુટિન્નાલાઇ; અં. બ્રેક્ટિયેટેડ બર્થવર્ટ) છે. તે એક પાતળી, ઉચ્ચાગ્રભૂશાયી (decumbent), અરોમિલ (glabrous), 30 સેમી.થી 45 સેમી. લાંબું પ્રકાંડ ધરાવતી બહુવર્ષાયુ વનસ્પતિ છે. ઉત્તર ભારતમાં હરિયાણા અને ઉત્તરપ્રદેશથી માંડી દક્ષિણ તરફ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ સુધી તે થાય છે. પર્ણો મૂત્રપિંડ આકારનાં કે પહોળાં અંડાકાર, તરંગિત કિનારીવાળાં, સૂક્ષ્મદંતી (crenulate) કે અખંડિત, લાંબા પર્ણદંડવાળાં (3 સેમી. જેટલાં લાંબાં) હોય છે અને ફળ/પુષ્પનિર્માણ જુલાઈથી ડિસેમ્બર સુધી થાય છે. પુષ્પો પર્ણસર્દશ અને એકાકી હોય છે. પરિદલપુંજ 2.5 સેમી.થી 5 સેમી. લાંબા અને ઉપગોલાકાર (sub-gdobose) તલવાળો હોય છે. તેની નલિકા રણશિંગા (trumpet) આકારનું મુખ ધરાવે છે. ઓષ્ઠ ઘેરા જાંબલી, ગ્રંથિમય અને અંદરની બાજુએથી રોમયુક્ત હોય છે. પ્રાવર લંબચોરસ-ઉપવલયી (oblong-ellipsoid), 12-ખાંચોવાળું અને અરોમિલ હોય છે. બીજ એક બાજુએથી કાળાં, બીજી બાજુએથી સફેદ અને ચપટાં હોય છે.
આ વનસ્પતિ કાળી મૃદામાં અપતૃણ તરીકે થાય છે. તે મનુષ્ય અને ઢોરો માટે વિષાળુ છે અને તેના નામ પ્રમાણે કીટનાશક (insecticidal) કે કીટપ્રતિકર્ષી (insect-repellant) ગુણધર્મ ધરાવે છે. આ ગુણધર્મ એરિસ્ટોલોકિક ઍસિડની હાજરીને કારણે છે.
કીડામારીનો સ્થાનિક ઔષધ તરીકે ઉપયોગ થાય છે. તે કડવી, રેચક અને કૃમિઘ્ન હોય છે. તેનું મૂળ અર્કમૂલ(A. indica Linn.)ની અવેજીમાં વાપરવામાં આવે છે. તેનું મૂળ સોટીમય હોય છે અને છેડા તરફ જતાં ક્રમશ: સાંકડું બનતું જાય છે, જે અનેક પાર્શ્વમૂળો અને અસંખ્ય તંતુમય ઉપમૂળો ધરાવે છે. તેની છાલ બદામી રંગની અને આડી તિરાડો ધરાવે છે. મૂળને કોઈ વિશિષ્ટ ગંધ હોતી નથી; પરંતુ ઊબકા આવે તેવો કડવો સ્વાદ ધરાવે છે. નાઇટ્રોસેલ્યુલોઝ પર સ્થાપિત મૂળનું ચૂર્ણ પારજાંબલી કિરણોમાં જાંબલી પ્રસ્ફુરણ (fluorescence) દર્શાવે છે. એરિસ્ટોલોકિક ઍસિડ શુષ્ક મૂળમાં 0.087 % અને તાજાં મૂળમાં 0.1 % હોય છે.
મૂળનો કાઢો ગોળ કૃમિઓને બહાર કાઢવામાં વપરાય છે. તે આર્તવ પ્રેરક (emmenagogue) છે, અને ગર્ભાશયના સંકોચન માટે શુષ્ક ચૂર્ણ સ્વરૂપે કે આસવ સ્વરૂપે આપવામાં આવે છે. જોકે પ્રાયોગિક રીતે આ સક્રિયતા સિદ્ધ થઈ શકી નથી. કચરેલાં પર્ણો દિવેલ સાથે મિશ્ર કરી ખરજવા પર લગાડવામાં આવે છે. વળી, તે ગર્ભપાતી (abortifacient) ગુણધર્મ ધરાવે છે. તે દિવેલ સાથે પેટના દુખાવામાં બાળકોની ડૂંટીએ લગાડવામાં આવે છે. પર્ણો અને ફળો સેરિલ આલ્કોહૉલ (પર્ણો 0.38 %, ફળો 0.12 %), β-સીટોસ્ટેરોલ અને પોટૅશિયમ ક્લોરાઇડ ધરાવે છે. સમગ્ર વનસ્પતિનો રસ ચાંદાંઓ પર લગાડવામાં આવે છે.
તેનાં બીજ વાળ મૃદુ બનાવવા માટે વપરાય છે. બીજમાંથી પેટ્રોલિયમ ઇથર-નિષ્કર્ષણ દ્વારા પીળાશ પડતું લીલું, અશુષ્કન (non-drying) તેલ (લગભગ 18.5%) ઉત્પન્ન થાય છે. તે મગોફ્લોરિન સહિત ત્રણ ચતુર્થક (quaternary) આલ્કેલૉઇડો ધરાવે છે.
આયુર્વેદ અનુસાર, તે કડવી, સારક, કૃમિઘ્ન, ગર્ભાશયોત્તેજક, સ્વેદજનન, નિયતકાલિક જ્વરપ્રતિબંધક અને વિષહર છે. શુષ્ક વનસ્પતિ કરતાં તાજી વનસ્પતિથી ગુણ વધારે મળે છે. તેનો કડવો રસ અને તેની ઉષ્ણવીર્યગુણ-શક્તિને કારણે મંદાગ્નિ, કૃમિ, અજીર્ણ અને પિત્તજ દોષના રોગોમાં હિતકારી ગણાય છે. અનાર્તવ, અનિયમિત આર્તવ કે કષ્ટાર્તવ માટેની તે સફળ ઔષધિ ગણાય છે. પેટપીડમાં તેનાં બે પર્ણો મસળીને પિવડાવવામાં આવે છે. નાનાં બાળકોને મળ સાફ થવા માટે પર્ણો ડૂંટીએ બાંધવામાં આવે છે. શીતજ્વર અને સતત જ્વર ઉપર પર્ણોનો રસ શરીરે ચોળવામાં આવે છે, અથવા પિવડાવાય છે. સોજા ઉપર કીડામારી, સમુદ્રફળ, માલકાંકણી અને મરી વાટી લેપ કરવામાં આવે છે. સંધિશોથ અને આમવાતમાં કીડામારી સૂંઠની સાથે અપાય છે અને સાંધાઓ પર લેપ કરાય છે. કીડામારી આનુલોમિક હોવાથી જ્વરમાં અતિસાર હોય તો આપવી નહિ.
અર્કમૂલ (A. indica) સૌરાષ્ટ્રમાં લીંબડીથી થાન સુધીના પ્રદેશમાં, પંચમહાલમાં અને ઉત્તર ગુજરાતમાં મળે છે. તેનાં બીજ સપક્ષ (winged) હોય છે. તે સપ્ટેમ્બરથી ઑક્ટોબર સુધી પુષ્પ અને ફળનિર્માણ કરે છે.
બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ