કીટ્સ, જૉન (જ. 31 ઑક્ટોબર 1795, લંડન; અ. 23 ફેબ્રુઆરી 1821, રોમ) : અંગ્રેજી ઊર્મિકવિ. ઇન્દ્રિયગમ્ય તાદૃશ કલ્પનોથી ભરપૂર તેમનું કાવ્યસર્જન, રોમૅન્ટિક કવિઓમાં તેમને આગવું સ્થાન આપે છે. ‘એન્ડિમિયન’, ‘લા બેલ દેં સા મરસિ’, ‘ઓડ ઑન મેલન્ક્લી’, ‘ઓડ ટૂ અ નાઇટિંગેલ’, ‘ઓડ ઑન અ ગ્રીશિયન અર્ન’, ‘ઓડ ટૂ સાયકી’, ‘ધી ઇવ ઑવ્ સેંટ એગ્નિસ’ અને ‘હાયપિરિયન’ અંગ્રેજી કવિતામાં નોંધપાત્ર સર્જનો છે.

જૉન કીટ્સ

1 ઑક્ટોબર 1815ના રોજ લંડનવાળા ગાયના દવાખાનામાં વિદ્યાર્થી તરીકે દાખલ થઈ, પાટા બાંધવાના નિષ્ણાત (ડ્રેસર) તરીકે કામ શરૂ કર્યું. આ જૂનિયર હાઉસસર્જનની સમકક્ષ જગ્યા હતી; પરંતુ કીટ્સને તો કવિતાનો કેફ ચડ્યો હતો. મે 1816માં ‘ઓ સૉલિટ્યૂડ’ સૉનેટ ‘એક્ઝામિનર’ સામયિકમાં પ્રસિદ્ધ થયું. 1816માં ‘સોસાયટી ઑવ્ એપૉથેકરીઝ’ દ્વારા તેમને સનદ આપવામાં આવી. તેમને ‘રૉયલ કૉલેજ ઑવ્ સર્જન્સ’નું સભ્યપદ પણ મેળવવું હતું; પરંતુ તે ઇચ્છા બર આવી નહિ. લંડન બ્રિજની સામે ડીન સ્ટ્રીટમાં રહેતા હતા ત્યારે એક સાંજે તેમના દિલોજાન દોસ્ત ક્લાર્ક સાથે જ્યૉર્જ ચેપમૅને ‘હોમર’નું અનુવાદ કરેલું મહાકાવ્ય વાંચ્યું. ઘેર આવીને તેમણે પોતાની અમર કૃતિ ‘ઑન ફર્સ્ટ લુકિંગ ઇન ટૂ ચેપમૅન્સ હોમર’ સૉનેટ લખ્યું. અહીં તેમને ચિત્રકાર હેયડન, કવિ રેનૉલ્ડ્ઝ અને પછીથી કવિ શેલીનો પરિચય થયો. પોતે કવિતાને ખાતર દાક્તરી વ્યવસાય છોડી દેવા માંગે છે એવો નિર્ધાર કરતાં વડીલોની સહાનુભૂતિ ગુમાવવી પડી. 1817માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પોઇમ્સ’ પ્રસિદ્ધ થયો.

એપ્રિલ 1817માં લંડન છોડીને કીટ્સે કવિતા લખવા માટે એકાંત પસંદ કર્યું. તે માર્ગેઇટ, કેન્ટરબરી, હેસ્ટિંગ્ઝ અને હેમ્પસ્ટીડ ગયા. ‘એન્ડિમિયન’ સુદીર્ઘ રચના એમણે લખવી શરૂ કરી દીધી હતી. એમના ભાઈ ટૉમને ટી. બી. થયેલો. 1818માં તેમણે ‘ઇઝાબેલા : ઑવ્ ધ, પૉટ ઑવ્ બેસિલ’ લખ્યું. દરમિયાન વેસ્ટમોરલૅન્ડના પર્વતો અને સ્કૉટલૅન્ડ, લેક ડિસ્ટ્રિક્ટ અને વેસ્ટર્ન હાયલૅન્ડ્ઝ તથા આયર્લૅન્ડમાં ભ્રમણ કર્યું. ટૉમની છેવટે સુધી, તેમણે ભારે સેવા કરી.

‘એન્ડિમિયન’ કાવ્યનાં ત્રણ અવલોકનો ‘એડિનબર્ગ મેગેઝિન’, ‘ક્વાર્ટર્લી રિવ્યૂ’ અને ‘બ્રિટિશ ક્રિટિક’માં પ્રગટ થયાં. આમાંનાં વિવેચનો કટુ હતાં, પૂર્વાગ્રહથી ભરપૂર હતાં. બ્લૅકવુડના વિવેચકે તો કવિ તરીકે ભૂખે મરવા કરતાં કીટ્સે દવા-દાક્તરીના ધંધામાં પાછા જવું બહેતર છે એવી ટીકા પણ કરી. અલબત્ત, કીટ્સને પોતાનામાં ભારે શ્રદ્ધા હતી. તેણે ‘હાઇપિરિયન’ રચવાનું ચાલુ રાખ્યું. આ અરસામાં ફેની બ્રાઉનનો પ્રેમ તેને મળ્યો. ‘ધી ઇવ ઑવ્ સેંટ એગ્નિસ’ અને ‘ઇવ ઑવ્ સેંટ માર્ક’ 1819માં રચાયાં. કોઈ વસ્તુ, વિચાર કે પંખીને ઉદ્દેશીને રચાયેલાં તેમનાં ઓડ-કાવ્યો ‘ટૂ સાયકી’, ‘ઑન મેલન્ક્લી’, ‘ટૂ અ નાઇટિંગેલ’, ‘ઑન અ ગ્રીસિયન અર્ન’ અને ‘ટૂ ઑટમ’ નોંધપાત્ર છે. પોતાના અમેરિકા-નિવાસી ભ્રાતા જ્યૉર્જને પૈસાની જરૂર હોઈ તેમણે વર્ણનાત્મક કવિતા ‘લામિયા’ અને નાટ્યકૃતિ ‘ઑથો ધ ગ્રેટ’ લખ્યાં. દરમિયાન કીટ્સને ક્ષયરોગની બીમારી લાગુ પડી ગઈ હતી. એટલે તેમને લાગ્યું કે મૃત્યુ ઘણું નજીક હતું. જોકે તેમનાં કાવ્યોને હવે સારો આવકાર મળતો હતો. દાક્તરી સલાહ મુજબ તેમણે હવાફેર માટે ઇટાલી જવાનું નક્કી કર્યું. તેમના પ્રકાશકો અને જોસેફ સેવર્ન નામના કલાકારે જરૂરી પૈસાની સગવડ કરી આપતાં તેઓ 17 સપ્ટેમ્બર 1820ના રોજ લંડન છોડીને પોતાના પચીસમા જન્મદિવસે નેપલ્સ થઈ રોમ પહોંચ્યા. લોહીની ઊલટી થતાં પોતાના મિત્ર સેવર્નના હાથમાં જ તેમનું મૃત્યુ થયું. કવિએ અગાઉથી જ લખી રાખેલ ‘હિયર લાઇઝ વન  હૂઝ નેમ વૉઝ રિટન ઇન વૉટર’ (‘અહીં એક એવો માનવી સૂતો છે, જેનું નામ પાણી પર લખાયું હતું’) મૃત્યુલેખ તેમની કબર પર આજે પણ વાંચી શકાય છે. શેલીએ તેના મૃત્યુને નિમિત્ત બનાવી ‘ઍડોનેસ’ નામનું પ્રસિદ્ધ કરુણ પ્રશસ્તિકાવ્ય રચ્યું. આમ, ટૂંકા આયુષ્યમાં કીટ્સે જીવન અને કલા વિશે પોતાની આગવી સૂઝ દાખવીને અંગ્રેજી કવિતામાં પોતાનું નામ વજ્રલેપ કર્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી