કિસાનગની : આફ્રિકાના પોંગો લોકશાહી પ્રજાસત્તાક દેશના  ઈશાન ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 0o 30′ ઉ. અ. અને. 25o 12′ પૂ. રે.. તે કૉંગો નદીને કિનારે બોયોમા પ્રપાત પાસે વસેલું છે. કોંગો લોકશાહી પ્રજાસત્તાક દેશનું બીજા ક્રમનું  સૌથી મોટું આંતરિક બંદર છે.

હેન્રી મોર્ટન સ્ટેનલી દ્વારા 1883માં સ્થપાયેલું આ શહેર 1966 સુધી સ્ટેનલી વિલે તરીકે જાણીતું હતું. ઓગણીસમી સદીના અંત પછી તે ઉત્તર કૉંગોનું મુખ્ય કેન્દ્ર બની ગયું. ઝૈરના પ્રથમ વડાપ્રધાન પેટ્રીસ લુમુમ્બાએ કિસાનગનીને વડું મથક બનાવ્યું હતું. કૉંગોના આંતરવિગ્રહ દરમિયાન લશ્કરી બળો ફાટી નીકળતા 1964થી 1967ના ગાળામાં કિસાનગનીની વસ્તી અને પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો હતો પરંતુ તે પછી ત્યાં ઝડપી વ્યાપારી અને ઔદ્યોગિક વિકાસ થયો હતો.

કિસાનગનીની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. ત્યાં તાડ, ડાંગર, કપાસ, કૉફી, કોકો, રબર, લાકડું અને ક્વિનાઇન મળે છે. પૂર્વ તરફ આવેલા બુનિયા ખાતે પશુપાલનપ્રવૃત્તિ વિકસેલી છે. મત્સ્યપ્રવૃત્તિ પણ ચાલે છે. કાગોની શાખાનદી ત્શોપો નદી પરના વાગેનિયા ધોધ નજીક જળવિદ્યુતમથક ઊભું કરવામાં આવ્યું છે. અહીં રાચરચીલું, પોશાકો અને મુદ્રણના એકમો આવેલા છે. 1971માં ઝૈર યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલી છે. 1974માં હવાઈ મથકની સ્થાપના થયેલી છે. વસ્તી : 16,00,000 (2015).

હેમન્તકુમાર શાહ