કિસિંજર હેન્રી આલ્ફ્રેડ

January, 2008

કિસિંજર, હેન્રી આલ્ફ્રેડ (જ. 27 મે 1923, ફર્થ, જર્મની, ; અ. 29 નવેમ્બર 2023) : અમેરિકાના વિખ્યાત રાજનીતિજ્ઞ, પ્રથમ કક્ષાના મુત્સદ્દી, વિદેશનીતિજ્ઞ તથા અમેરિકાની પ્રમુખ નિકસન(1969)ની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના સલાહકાર અને ગૃહમંત્રી હતા. નાઝી શાસનના જુલમથી બચવા માટે 1938માં દેશવટો ભોગવ્યો હતો અને અમેરિકામાં કાયમી વસવાટ સ્વીકાર્યો હતો. 1943માં અમેરિકાના કાયદેસર નાગરિક બન્યા હતા. ન્યૂ યૉર્કની સિટી કૉલેજમાં શિક્ષણ લીધા પછી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં કામગીરી બજાવી હતી તથા જર્મનીમાં યુદ્ધોત્તર સમયમાં રચાયેલી સરકારમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1950માં બી. એ. તથા 1954માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી અને ત્યાં રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા (1954-69) હતા. દરમિયાન રાજ્યના રાષ્ટ્રીય સુરક્ષા અંગેના સલાહકાર તરીકે સેવા આપી (1955-68) હતી. 1959-69ના સમયગાળા દરમિયાન ડિરેક્ટર ઑફ ડિફેન્સ સ્ટડિઝ તરીકે કામગીરી બજાવી હતી. ડિસેમ્બર 1968માં રાષ્ટ્રપ્રમુખ રિચાર્ડ નિક્સનના રાષ્ટ્રીય સલામતી અંગેની બાબતોના મદદનીશ અને 1969-75 દરમિયાન તેના પ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું.

હેન્રી આલ્ફ્રેડ કિસિંજર

1973-77ના ગાળામાં તે અમેરિકાના વિદેશપ્રધાન રહ્યા હતા. 1989-93 દરમિયાન રહેલા અમેરિકાના વિદેશ પ્રધાન ટૉમસ જૅફરસન પછી આ પદ પર આવેલ અત્યંત પ્રભાવશાળી રાજનીતિજ્ઞ તરીકે હેન્રી કિસિંજરનું નામ લેવાય છે. રશિયા, ચીન, વિયેટનામ તથા મધ્યપૂર્વના દેશોમાં અમેરિકા વતી તેમણે પ્રમુખ રાજકીય ભૂમિકા ભજવી હતી.

રશિયા સાથે અમેરિકાના રાજકીય સંબંધો સુધારવામાં અને તે દ્વારા 1969માં ‘વ્યૂહાત્મક શસ્ત્રનિયંત્રણ કરાર’(Strategic Arms Limitation Treaty : SALT)ની વાટાઘાટો શરૂ કરાવવામાં તેમનો ફાળો મહત્વનો ગણાય છે. 1972માં અમેરિકા અને ચીન વચ્ચે રાજદ્વારી સંબંધો પુન: પ્રસ્થાપિત કરવાની દિશામાં થયેલી મંત્રણાઓને લીધે રાષ્ટ્રપ્રમુખ નિક્સને તે વર્ષે ચીનની મુલાકાત લીધી હતી. એનાં પગલે વિશ્વરાજકારણમાં તનાવ-નિવારણની પ્રક્રિયાને વેગ મળ્યો હતો. તેનો યશ પણ કિસિંજરને ફાળે જાય છે. આ મંત્રણાઓને ‘પિંગપૉન્ગ ડિપ્લોમસી’ તરીકે ઓળખવામાં આવે છે. વિયેતનામ યુદ્ધમાં અમેરિકાના સૈનિકોની અવેજીમાં દક્ષિણ વિયેતનામના સૈનિકોનું પ્રદાન ક્રમશ: વધતું જાય તે માટે તે સતત પ્રયત્નશીલ રહ્યાં હતાં. તે દેશમાં યુદ્ધની સમાપ્તિ થઈને શાંતિ સ્થાપવાના તેમના પ્રયત્નો સફળ થતાં, 1973નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક તેમને તથા ઉત્તર વિયેતનામના શાંતિ કરાર માટેના મધ્યસ્થી લી ડક થોને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યું હતું (જોકે લી ડક થોએ તેનો અસ્વીકાર કર્યો હતો.) 1973ના આરબ-ઇઝરાયેલ યુદ્ધ દરમિયાન બંને પક્ષોના સૈનિકોને અલગ પાડી તેમની વચ્ચે યુદ્ધમોકૂફીની પ્રક્રિયાને ઉત્તેજન આપવામાં તેમણે ભજવેલ ભૂમિકા પ્રશંસાપાત્ર બની હતી. કિસિંજરની આ વ્યૂહરચના ‘શટલ ડિપ્લોમસી’ તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વની આરબ-ઇઝરાયલ રાજકીય કટોકટી નિવારવાની દિશામાં કૅમ્પ ડેવિડ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય મંત્રણામાં પણ કિસિંજરનો ફાળો નોંધપાત્ર હતો. છેક 1967થી અમેરિકા અને ઇજિપ્ત વચ્ચે વિચ્છિન્ન થયેલા રાજદ્વારી સંબંધો આ મંત્રણાઓને અંતે પુન: પ્રસ્થાપિત થયા હતા, તેને તેમની રાજકીય કારકિર્દીની સફળતાનું સીમાચિહન ગણવામાં આવે છે.

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમણે પાકિસ્તાન-પરસ્ત વલણ અખત્યાર કર્યું હતું, જેને પરિણામે બંગાળના ઉપસાગરમાં અમેરિકાના સાતમા નૌકાદળે પ્રવેશ કર્યો હતો એવી માન્યતા છે. 1977માં રાજદ્વારી પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈને વ્યક્તિગત ધોરણે આંતરરાષ્ટ્રીય સલાહકાર, વિદેશનીતિના સમાલોચક (commentator), ઉપરાંત લેખક, પ્રાધ્યાપક જેવી વિવિધ પ્રવૃત્તિમાં તે સક્રિય રહ્યાં હતાં. વિદેશનીતિના ક્ષેત્રમાં રાજદ્વારી નેતાઓ સાથે અને આંતરિક બાબતોમાં અમેરિકાની સંસદના પ્રમુખ નેતાઓ સાથે વ્યક્તિગત સંપર્ક સાધવાની તેમની શૈલી અને વ્યૂહરચના તેમની સફળતા માટેનાં મુખ્ય પરિબળ ગણવામાં આવે છે.

આફ્રિકામાં ઍંગોલા અને રહોડેશિયાની કટોકટી સમયે 1976માં મંત્રણાઓ દ્વારા તેમણે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. નિક્સન વહીવટીતંત્રના તેઓ સૌથી શક્તિશાળી સાથી હતા. 1983માં પ્રમુખ રોનાલ્ડ રિગને, સેન્ટ્રલ અંતરિક્ષ અંગે દ્વિપક્ષી પંચના વડા તરીકે તેમની નિમણૂક કરી હતી. ત્યારબાદ તેઓ તેમના પ્રાધ્યાપકીય કારકિર્દીના ક્ષેત્રે પાછા ફર્યા હતા અને અમેરિકાના રાજકીય જીવનમાં નિષ્ક્રિય બની રહ્યા હતા. આમ છતાં 2002માં કાશ્મીર પ્રશ્નની ચર્ચા માટે તેમણે ભારતની મુલાકાત લીધી હતી.

કોવિડ-19 મહામારી પછી તેમણે વિશ્વમાં ઉદારીકરણની પ્રક્રિયા પર જોખમ ઊભું થશે એવી સંભાવના વ્યક્ત કરી હતી. મે, 2022માં તેમણે રશિયા-યુક્રેન વચ્ચેનાં યુદ્ધ પર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનાં સાહસિક નેતૃત્વ અને યુક્રેનનાં નાગરિકોનાં રાષ્ટ્રપ્રેમની પ્રશંસા કરી હતી તેમજ રશિયાને રાજદ્વારી વાટાઘાટના માર્ગે પરત ફરીને યુદ્ધનો અંત લાવવાની સલાહ આપી હતી. તેમણે તેમનાં મૃત્યુનાં એક મહિના અગાઉ ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ અંગે પણ તેમનો અભિપ્રાય વ્યક્ત કરીને કહ્યું હતું કે, હમાસના ઉદ્દેશો આરબ દુનિયાને ઇઝરાયેલ સામે લડવા કે તટસ્થ રહેવા મજબૂર કરી શકે છે તથા યુદ્ધ કે હુમલાઓથી ઇઝરાયેલ સાથેની શાંતિપૂર્ણ વાટાઘાટો પડી ભાંગશે.

તેમણે લખેલા ગ્રંથોમાં ‘ન્યૂક્લિયર વેપન્સ ઍન્ડ ફૉરિન પૉલિસી’ (1957), ‘અમેરિકન ફૉરિન પૉલિસી’ (1969), ‘ધ વ્હાઇટ હાઉસ’ (1971) તથા ‘ફૉર ધ રેકૉર્ડ’ (1981) નોંધપાત્ર છે.

કેયૂર કોટક

બાળકૃષ્ણ માધવરાવ મૂળે