કિશ : સુમેર અને અક્કડ સંસ્કૃતિઓનું અતિ પૂર્વકાલીન અને મહત્વનું શહેર. તે 32o 30′ ઉ. અ. અને 45o પૂ. રે. પર આવેલું છે. વર્તમાન બગદાદની દક્ષિણે 80 કિલોમીટરે આવેલું છે. ભૌગોલિક દૃષ્ટિએ કિશનો ઇતિહાસ રસપ્રદ છે. ઇ.પૂ.ની ત્રીજી સહસ્રાબ્દીમાં હમુરબ્બી વગેરે શાસકોએ કિશના વિકાસમાં ખાસ કરીને મંદિરોના પુનર્નિર્માણમાં મહત્ત્વનું પ્રદાન કરેલું. કિશ અક્કડ સંસ્કૃતિનું ધર્મતીર્થ હતું. યુફ્રેટીસ નદીના કાંઠે બંને બાજુ વિકસેલું કિશ ઝિગ્ગુરાતના વિખ્યાત સ્થળેથી દોઢ કિલોમીટરે છે. સારગોનના પુત્રો ગર્વથી ‘કિશના રાજા’નું બિરુદ ધરાવતા.

રસેશ જમીનદાર