કિશનગંજ (Kishanganj) : બિહાર રાજ્યના છેક ઈશાન છેડે આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26o 07′ ઉ. અ. અને 87o 56′ પૂ.રે.ની આજુબાજુનો 1,884 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળ અને પશ્ચિમ બંગાળનો દાર્જીલિંગ જિલ્લો, પૂર્વ તરફ પશ્ચિમ બંગાળની સીમા, દક્ષિણ તરફ પૂર્ણિયા જિલ્લો તથા પશ્ચિમ તરફ અરારિયા જિલ્લો આવેલા છે. જિલ્લામથક જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : જિલ્લાની ઉત્તર સરહદ નેપાળ સાથે જોડાયેલી છે, ત્યાં પહાડી ભૂપૃષ્ઠ જોવા મળે છે. જિલ્લાના મેદાની ભાગનો ઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફનો છે. મહાનંદા અહીંની મુખ્ય નદી છે. તે દાર્જીલિંગ જિલ્લાના કુર્સિયાંગમાંથી નીકળે છે અને જિલ્લાના ઈશાન ભાગમાં પ્રવેશે છે, ત્યાંથી ઠાકુરગંજ, પૂર્ણિયા અને કિશનગંજને છોડીને આગળ વધે છે, પશ્ચિમ બંગાળ સાથે તે સરહદ રચે છે.

ખેતીપશુપાલન : ડાંગર, શણ, ઘઉં, જવ અને મકાઈ અહીંના મુખ્ય કૃષિપાકો છે. ભારતને આઝાદી મળ્યા પછી અહીં સિંચાઈ માટે યોજનાઓ કરવામાં આવેલી છે. ગાય-ભેંસ અહીંનાં મુખ્ય પશુઓ છે. તેમની ઓલાદ પ્રમાણમાં ઊતરતી કક્ષાની છે. પશુઓ માટે જરૂરી દવાખાનાં અને ચિકિત્સાલયો આવેલાં છે.

ઉદ્યોગવેપાર : જૂના વખતમાં અહીં ઘણા ગૃહઉદ્યોગો હતા, અહીં કાગળની, ચોખાની તથા શણની મિલો આવેલી છે. જિલ્લામાં ચોખા, દોરડાં અને પૂંઠાંનું ઉત્પાદન લેવાય છે. શણની નિકાસ અને કાપડ, ખાંડ, સિમેન્ટ, શાકભાજી, ચૂનો, મીઠું, કેરોસીન, કોલસા, ઘઉં અને કઠોળની આયાત કરવામાં આવે છે. કિશનગંજ, બહાદુરગંજ, ઠાકુરગંજ અને દિઘલબંક અહીંનાં મુખ્ય વેપારી મથકો છે; આ મથકો ખાતે વાણિજ્ય-બૅંકોની સગવડો પણ છે.

કિશનગંજ

પરિવહન : જિલ્લામાં સડકમાર્ગો અને રેલમાર્ગોની સુવિધા છે. કિશનગંજ અને ઠાકુરગંજ અહીંનાં મુખ્ય રેલમથકો છે. હવાઈ સેવાની ઉતરાણ-સુવિધા માટે કિશનગંજ ખાતે વ્યવસ્થા છે.

પ્રવાસન : અંધાસુ, દિઘલબેક, જિરણગાહ અને તુલસિયા અહીંનાં પ્રવાસીમથકો છે.

કિશનગંજ : જિલ્લામથક. ગંગા-દાર્જીલિંગ માર્ગ પર આવેલું રેલમથક. અહીં શણની ત્રણ મિલો આવેલી છે. અહીંથી શણની નિકાસ થાય છે.

શિવરાત્રિ, જન્માષ્ટમી, દશેરા અને દિવાળીના તહેવારો પર અહીં મેળાઓ ભરાય છે.

વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 16,90,948 જેટલી છે તે પૈકી 52% પુરુષો અને 48% સ્ત્રીઓ છે; તથા 90% ગ્રામીણ વસ્તી અને 10% શહેરી વસ્તી છે. જિલ્લામાં મુસ્લિમો અને હિન્દુઓની વસ્તી વિશેષ છે; જ્યારે જૈનો, ખ્રિસ્તી, બૌદ્ધ અને શીખોની વસ્તીનું પ્રમાણ ઓછું છે. હિન્દી, બંગાળી અને ઉર્દૂ અહીંની મુખ્ય ભાષાઓ છે. જિલ્લામાં સાક્ષરતાનું સરેરાશ પ્રમાણ માત્ર 25% જેટલું જ છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું પ્રમાણ નગરોમાં સારું છે. કિશનગંજ અને બહાદુરગંજ ખાતે કૉલેજો આવેલી છે. કિશનગંજ ખાતે પુસ્તકાલયોની સગવડ છે. જિલ્લાનાં નગરો ઉપરાંત આશરે 25 % ગામડાંઓમાં તબીબી સેવાની સુવિધાઓ છે. વહીવટી સરળતા માટે જિલ્લામાં  ઉપવિભાગ,  સમાજવિકાસ ઘટકો,  નગરો વહેંચેલ છે.

ઇતિહાસ : આ જિલ્લા મૂળ પૂર્ણિયા જિલ્લામાંથી અલગ કરીને રચવામાં આવેલો છે. પૂર્ણિયા જિલ્લાના કિશનગઢ ઉપવિભાગને નવા જિલ્લાનું સ્વરૂપ અપાયું છે.

ગિરીશભાઈ પંડ્યા