કિલ્વા : હિંદી મહાસાગરમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 8o 45′ દ. અ. અને 39o 24′ પૂ. રે.. સુંદર બંદર અને પોર્ટુગીઝોનું ગુલામોના વેપારનું ભૂતપૂર્વ મથક. કિલ્વા કિવિન્જેની સ્થાપના ઈરાની રાજકુમાર અલી ઇબ્ન હસને ઈ. સ. 957માં કરી હતી. ઈ. સ. 1331માં ઇબ્ન બતૂતાએ તેની સુંદર બાંધણીનાં વખાણ કર્યા છે. ઈ. સ. 1505-12 દરમ્યાન તે પોર્ટુગીઝ કબજા નીચે હતું. કિલ્વા કિવિન્જેના લોકો દ્વારા સ્થપાયેલ કિલ્વા કિવિન્જે 3 કિમી. દૂર છે. કિલ્વા 1885થી જર્મન કબજા નીચે આવ્યા પછી તેનો વિકાસ કરવામાં આવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી લીગ ઑવ્ નેશન્સના મેન્ડેટથી તે બ્રિટિશ શાસન નીચે હતું. હાલ તે ટાન્ઝાનિયાનો ભાગ છે. આ જ નામનો ટાપુ પોંગો લોકશાહી પ્રજાસત્તાક દેશમાં મ્વેરુ સરોવર(Mweru Lake) પણ આવેલું છે.

હેમન્તકુમાર શાહ