કિર્લોસ્કર : મરાઠી ભાષામાં પ્રકાશિત થતું, પ્રગતિશીલ વિચારસરણી તથા લલિત સાહિત્યને વરેલું માસિક. સ્થાપના 1920. વીસમી સદીના ત્રીજા દાયકામાં મરાઠી સામયિકોમાં જુવાળ આવ્યો. તે અરસામાં પ્રગટ થયેલાં અનેક સામયિકોમાંથી ટકી રહેલાં અને સતત પ્રગતિપથ પર અગ્રેસર રહેલાં સામયિકોમાં ‘કિર્લોસ્કર’નું નામ મોખરે છે. એમાં ટૂંકી વાર્તાઓ પછી ધારાવાહી નવલકથા, નિબંધો, કવિતા, સમકાલીન સમાજની સમસ્યાઓ વિશેના લેખો, ગ્રંથાવલોકન અને એકાંકીઓ પ્રગટ થવા લાગ્યાં. આ માસિક મરાઠીભાષી વાચકવર્ગમાં એટલું લોકપ્રિય થયું કે એના સંચાલકોએ ‘સ્ત્રી’ (1930) અને ‘મનોહર’ (1934) નામનાં બીજાં બે વધારાનાં સામયિકો શરૂ કર્યાં. આજે પણ એ મરાઠીમાં પ્રથમ કક્ષાના સામયિકનું સ્થાન ધરાવે છે. આચાર્ય અત્રે, વિ. સ. ખાંડેકર, સાને ગુરુજી, પુ. લ. દેશપાંડે, અરવિંદ ગોખલે, ગંગાધર ગાડગીળ, કુસુમાગ્રજ, ગ. દિ. માડગૂળકર, કવિ અનિલ, વસંત બાપટ, વિંદા કરંદીકર વગેરે ‘કિર્લોસ્કર’માં લખતા રહ્યા છે.

મરાઠી સમાજમાં ‘શં. વા. કિ.’ના નામથી જાણીતા બનેલા શંકરરાવ વાસુદેવ કિર્લોસ્કર (1891-1975) તેના સ્થાપક-સંપાદક હતા. તે પોતે ઉત્કૃષ્ટ ચિત્રકાર, વેચાણવિદ્યાના પદવીધર અને કુશલ વહીવટકર્તા હોવાથી તથા સાહિત્ય, રંગભૂમિ અને શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં તેમને સવિશેષ રસ હોવાથી આ માસિકની ઝડપી પ્રગતિમાં તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો છે.

લલિતા મિરજકર

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે