કિર્ગીઝસ્તાન : મધ્ય એશિયામાં આવેલો ભૂમિબંદિસ્ત દેશ. 1991 પહેલાં તે ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’માંનું એક ઘટક રાજ્ય હતું. ભૌગોલિક સ્થાન : આ દેશ 39 ઉ. અ. અને 44 ઉ. અ. તેમજ 69 પૂ. રે. અને 81 પૂ. રે.ની વચ્ચે આવેલો છે. વિસ્તાર આશરે 1,98,500 ચો.કિમી. છે. આ દેશ ટીએનશાન અને પામીરની પર્વતીય હારમાળાઓ પાસે આવેલો છે. જેની ઉત્તરે કઝખિસ્તાન, પશ્ચિમે ઉઝબેકિસ્તાન, દક્ષિણે તજાકિસ્તાન અને દક્ષિણ તેમજ અગ્નિદિશાએ ચીનની સીમા આવેલી છે. જ્યાં ટીએનશાન ગિરિમાળા આવેલી છે. આ દેશથી સમુદ્ર સુદૂર આવેલો હોવાથી અહીંની ઉદગમ પામતી નદીઓ, સમુદ્ર સુધી પહોંચી શકતી નથી. ટીએનશાન પર્વતીય હારમાળાનો 80 % જેટલો વિસ્તાર આ દેશ સાથે સંકળાયેલો છે. આથી આ દેશ ‘મધ્ય એશિયાનો સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે જાણીતો બન્યો છે.

ભૂપૃષ્ઠ : સમગ્ર વિસ્તાર ઊંચા પહાડી પ્રદેશ અને ઠંડા રણ રૂપે આવેલો છે. આ બંને વચ્ચેનો પ્રદેશ ખીણ અને નાનાં ફળદ્રૂપ મેદાનોનો બનેલો છે. આ દેશની વાયવ્યે ટીએનશાન પર્વતીય હારમાળામાં આવેલ ‘ઈશાક-કુલ-સરોવર’ (ISSYK-KUL Lake) જે વિશ્વમાં સૌથી વિશાળ પર્વતીય સરોવરોમાં ટીટીકાકા (Titicaca) પછી દ્વિતીય ક્રમે આવે છે. કાકશાલ-ટૂ (Kakshaal-Too) પર્વતીય હારમાળામાં આવેલ ‘જેનગીશ ચોકુશૂ’ (Jengish Chokusu) શિખર જે સૌથી વધુ ઊંચું છે, જેની ઊંચાઈ 7349 મીટર છે જ્યારે સૌથી નીચું સ્થાન ‘કારા-ડારીયા’ (Kara-Daryya) છે. જે સમુદ્રસપાટીથી 132 મીટરની ઊંચાઈએ આવેલું છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મંતવ્ય મુજબ સુદૂર ઉત્તરે આવેલું આ એકમાત્ર ઊંચું શિખર છે. અહીંથી ઉદગમ પામતી મુખ્ય નદી કારા ડારીયા (Kara-Daryya) જે આગળ જતાં ઉઝબેકિસ્તાનની સીમામાં પ્રવેશે છે. બીજી મુખ્ય નદી સીરદરિયા (SYRDARYA) છે. જેનું જળ ભૂમિબંદિસ્ત અરલ સમુદ્રમાં ઠલવાય છે. આ સિવાય ચૂ નદી (Chu River) પણ મહત્વની ગણાય છે. આ સિવાય અનેક નાની નદીઓ પણ વહે છે. કિર્ગીઝસ્તાનની સૂકી ભૂમિ પર સાત પારિસ્થિતિકીતંત્ર જોવા મળે છે, જેમાં  ટીએનશાન પર્વતીય કોનીફર જંગલોનો પ્રદેશ, અલાઈ-પશ્ચિમ ટીએનશાન સ્ટેપપ્રદેશ, ગીસારો-અલાઈ (Gissaro-Ali) ખુલ્લા જંગલવાળો પ્રદેશ, ટીએનશાનની તળેટીના વિસ્તારમાં સૂકા સ્ટેપનો પ્રદેશ, પામીર આલ્પાઈન રણ અને ટૂંડ્ર પ્રદેશ, ટીએનશાન પર્વતીય સ્ટેપ અને ઘાસવાળી જમીનનો પ્રદેશ તેમજ મધ્ય એશિયાનો ઉત્તરનો રણપ્રદેશ.

આબોહવા : પ્રદેશવાર આબોહવાનું વૈવિધ્ય જોવા મળે છે. નૈઋત્ય ભાગમાં એટલે કે ફેરગાનાના ખીણ પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય અનુભવાય છે. જ્યાં ઉનાળો વધુ ગરમ રહે છે. તાપમાન 40 સે. જેટલું અનુભવાય છે. ઉત્તરે તળેટીના વિસ્તારમાં   ખંડીય સૂકી તેમજ ધ્રુવીય પ્રકારની આબોહવા અનુભવાય છે. જે પ્રદેશની ઊંચાઈ પર  અવલંબિત હોય છે. અહીં લગભગ 40 દિવસ સુધી તાપમાન શૂન્ય ડિગ્રીથી પણ નીચું અનુભવાય છે. આ અરસામાં રણપ્રદેશમાં હિમવર્ષા પણ જોવા મળે છે. મોટે ભાગે જાન્યુઆરીમાં તાપમાન –6 સે. અને જુલાઈમાં 24 સે. જેટલું રહે છે.

બોરકોલ્ડોય (Borkoldoy) પર્વતીય હારમાળામાં આવેલી હિમનદીઓ વૈશ્વિક તાપમાન વધવાને કારણે પીગળવા માંડી છે. પૂર્વ યુરોપ અને મધ્ય એશિયાના દેશોમાં જે આબોહવામાં બદલાવ અનુભવાય છે તેમાં કિર્ગીઝસ્તાનનો ક્રમ ત્રીજો આવે છે. 2000થી 2020ના સમયગાળામાં તાપમાન 4.8 સે.થી 6 સે. જેટલો વધારો અનુભવાયો છે. પરિણામે અહીં અતિશય ગરમી, દુષ્કાળ અને અતિવૃષ્ટિને કારણે અહીંના અર્થતંત્ર પર પણ માઠી અસર થઈ છે.

અર્થતંત્ર : આ દેશના લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી અને પશુપાલન છે. ખેતીકીય પાકોમાં કપાસ, તમાકુ, ઘઉં, શુગરબીટ, બટાટા, લીલાં શાકભાજી અને ફળો મુખ્ય છે. પશુપાલન પ્રવૃત્તિને લીધે ઊન, માંસ અને દૂધ તેમજ દૂધની બનાવટોની વિવિધતા જોવા મળે છે. ખેતી મોટે ભાગે પ્રાથમિક સાધનો ઉપર અવલંબિત છે.

આ દેશમાં ખનીજસંપત્તિના ભંડારો અકબંધ રહ્યા છે. જેમાં કોલસો, સોનું, યુરેનિયમ અને ઍન્ટિમની મુખ્ય છે. કુદરતી વાયુ અને ખનીજતેલનું પ્રમાણ નહીંવત્ છે. આથી અહીં ભૂપૃષ્ઠને લક્ષમાં રાખીને જળવિદ્યુતનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ દેશના નિકાસ  વેપારનો આધાર બિનલોહધાતુ, ગરમ કાપડનાં વસ્ત્રો, ખેતીકીય પેદાશો પર રહેલો છે. જ્યારે આયાત વેપારમાં ખનીજતેલ, કુદરતી વાયુ, રસાયણો, યંત્રો, લાકડું અને કાગળ મુખ્ય છે. આ દેશનો વેપાર મુખ્યત્વે જર્મની, રશિયા, ચીન, કઝાખસ્તાન અને ઉઝબેકિસ્તાન સાથે રહેલો છે.

પરિવહન : આ દેશમાં જ્યારે સોવિયેત રશિયાનું શાસન હતું ત્યારે રસ્તા અને રેલમાર્ગોનું નિર્માણકાર્ય ચાલતું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં તે સ્થગિત થઈ ગયું છે. થોડાઘણા રસ્તાઓ આવેલા છે જે સર્પાકાર છે. માર્ગમાં અનેક ઘાટો (3000 મીટર ઊંચા) આવેલા છે. અહીં અનેક વાર ભૂસ્ખલન-હિમવર્ષા થતી હોવાથી તે બહુ ઉપયોગી બન્યા નથી. ખનીજતેલની આયાત પરવડી શકતી ન હોવાથી મોટરોનો ઉપયોગ મર્યાદિત છે. મોટે ભાગે અહીં પરિવહન સાધન તરીકે ઘોડાનો ઉપયોગ અધિક કરે છે. આ દેશમાં રેલમાર્ગ મર્યાદિત છે. આશરે 370 કિમી.ની લંબાઈ ધરાવતા રેલમાર્ગો આવેલા છે, જે બ્રૉડગેજ છે. અન્ય દેશો સાથે રાજકીય સંબંધો જાળવવા માટે ‘કિર્ગીઝસ્તાન ઍર કંપની’ સેવા આપે છે. બીશકેક શહેર પાસે ‘મનાસ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક’ આવેલું છે. આ સિવાય ઓશ અને જલાલ-આબાદ હવાઈ મથક કાર્યરત છે.

શિક્ષણ : અહીં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ માટેની સગવડતા જોવા મળે છે. આ દેશની રાજધાની બીશકેક (Bishkek) કે જ્યાં મહત્તમ શાળાઓ આવેલી છે. દેશના અન્ય નાનાં-મોટાં શહેરોમાં પણ શિક્ષણની વ્યવસ્થા જોવા મળે છે. 2016ના વર્ષમાં ‘યુનિવર્સિટી ઑફ સેન્ટ્રલ એશિયા’ કાર્યરત થઈ છે. આ દેશમાં 1066 પુસ્તકાલયો આવેલાં છે. ‘ધ નૅશનલ લાઇબ્રેરી ઑફ ધ કિર્ગીઝ રિપબ્લિક’ એ સૌથી જૂની લાઇબ્રેરી છે. અહીંની મુખ્ય ભાષા  કિર્ગીઝ છે. રશિયન ભાષાનો ઉપયોગ સરકારી કામકાજ માટે થાય છે. ઉઝબેક ભાષા પણ બોલાય છે.

અહીંના લોકોનો મુખ્ય ધર્મ ઇસ્લામ છે, જેમાં સુન્ની મુસ્લિમોનું પ્રમાણ અધિક છે. ક્રિશ્ચિયન ધર્મને અનુસરનારા લોકો અત્યંત ઓછા છે. અહીંની મુખ્ય રમતોમાં રગ્બી, ફૂટબૉલ, આઇસ હૉકી, બૉક્સિંગ, ઘોડેસવારી, બાસ્કેટબૉલ વગેરે છે. ગરુડ દ્વારા શિકાર કરવાની પ્રવૃત્તિ મુખ્ય છે. 31મી ઑગસ્ટ તેમનો સ્વાતંત્ર્યદિન છે. તેની વસ્તી આશરે 58,95,100 (2016 મુજબ) છે.

નીતિન કોઠારી