કિર્લોસ્કર નાટક મંડળી (1880) : બળવંત પાંડુરંગ કિર્લોસ્કર ઉર્ફે અણ્ણાસાહેબ કિર્લોસ્કરે સ્થાપેલી નાટક મંડળી. 1880માં એક પારસી નાટક મંડળીએ પાશ્ચાત્ય ઑપેરા નાટકની શૈલીમાં ભજવેલું સંગીત-નાટક અણ્ણાસાહેબે જોયું અને મરાઠીમાં એવો જ અખતરો કરી જોવાનો વિચાર એમના મનમાં આવ્યો. કાલિદાસના- ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’નો મરાઠી અનુવાદ કર્યો અને તેમાં પોતાનાં ગીતો પણ ઉમેર્યાં. આ નાટકના પ્રયોગથી જ ‘કિર્લોસ્કર નાટક મંડળી’નો આરંભ થયો. વિષ્ણુદાસ ભાવેનાં પૌરાણિક નાટકોની મંડળી 1843થી શરૂ થયેલી. પછી લગભગ ચાળીસ વર્ષ સુધી એ પૌરાણિક નાટકો ભજવતી અનેક નાટક મંડળીઓ ચાલી. પણ નાટ્યકારે કરેલી રચના પ્રમાણે નાટકો (આવાં નાટકોને તે જમાનામાં ‘બુકિશ’ નાટકો કહેતા હતા.) ભજવતી ધંધાદારી નાટક મંડળી તરીકે આધુનિક મરાઠી રંગભૂમિની પ્રથમ નાટક મંડળી ‘કિર્લોસ્કર નાટક મંડળી’ હતી. ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’ ઉપરાંત ‘સૌભદ્ર’ અને ‘રામરાજ્યવિયોગ’ (અપૂર્ણ) એ બે કિર્લોસ્કરનાં નાટકો કિર્લોસ્કર નાટક મંડળીએ ભજવ્યાં હતાં.

નાટક મંડળીની શરૂઆતથી પુણેના રહેવાસી ડૉ. ગર્દે અને પનવેલના વેપારી વિઠોબા ખંડાપ્પા ગુળવેએ અણ્ણાસાહેબને આર્થિક મદદ કરીને ઉત્તેજન આપ્યું. અણ્ણાસાહેબ સાથે નાટક મંડળીમાં બાળકોબા નાટેકર અને મોરોબા વાઘુલીકર જેવા ગાયક નટો અને શંકરરાવ મજમુદાર જેવા ગદ્ય નટ પણ જોડાયા, જે પછી મંડળીના વ્યવસ્થાપનમાં પણ હતા. એક વર્ષ પછી આમાં ભાઉરાવ કોલ્હટકર નામના ગાયક કલાકારનો ઉમેરો થયો અને મંડળીના નાટ્યપ્રયોગો લોકપ્રિય થવા લાગ્યા.

મંડળીનાં નાટકોમાં સંસ્કૃત નાટકોની જેમ નાંદીનો તથા સૂત્રધાર અને નટીનો પ્રવેશ રહેતો અને ત્યારપછી જે નાટક ભજવતાં તેમાં પારસી નાટક મંડળીઓની જેમ પડદા અને દૃશ્યોનો ઉપયોગ કરવામાં આવતો, પણ વેશભૂષામાં સમકાલીન રજવાડી પદ્ધતિના પહેરવેશનું અનુકરણ રહેતું. અભિનયરીતિ નાટકી (theatrical) ઢબની રહેતી અને રસપરિપોષ થાય એ રીતે સંગીતનો ઉપયોગ કરવામાં આવતો. મરાઠી રંગભૂમિનો અવિભાજ્ય ભાગ બનેલી સંગીત-રંગભૂમિનો પાયો કિર્લોસ્કર નાટક મંડળીએ નાખ્યો. એ જમાનામાં અણ્ણાસાહેબ પોતે નાટકમાં સંગીતમય અભિનય કરતા, સૂત્રધાર તરીકેની ફરજ બજાવતા અને નાટકો તૈયાર કરતા. નાટકો તૈયાર કરનાર કલાકારને ત્યારે તાલીમ માસ્તર કહેતા. 2 નવેમ્બર 1885ના દિવસે અણ્ણાસાહેબના મૃત્યુ પછી 1890 સુધી નાટેકર, મોરોબા અને ભાઉરાવ કોલ્હટકર જેવા કલાકારોના આધારે નાટક મંડળી ચાલી શકી અને ‘વિક્રમોર્વશીય’ નામના એક નાટકનો મંડળીના પ્રયોગોમાં એ દરમિયાન ઉમેરો પણ થયો. પણ પછી મોરોબા અને નાટેકર વૃદ્ધ થતાં મંડળી છોડી ગયા અને કંપનીની જવાબદારી માત્ર ભાઉરાવ પર જ આવી પડી. ઉંમર વધી જવાથી ભાઉરાવ પુરુષ-પાત્રો ભજવવા લાગ્યા અને સ્ત્રી-પાત્રો માટે ચિંતોપંત ગુરવ અને કૃષ્ણરાવ મોરેનો મંડળીમાં પ્રવેશ થયો. ખ્યાતનામ નાટ્યકાર દેવલના ‘વિક્રમોર્વશીય’ નાટક પછી એમનાં જ ‘શાપસંભ્રમ’, ‘શારદા’, ‘મૃચ્છકટિક’ નાટકો મંડળીએ ભજવ્યાં અને ભાઉરાવ કોલ્હટકરના નેતૃત્વ હેઠળ નામના મેળવી, પણ 1901માં થયેલા એમના અચાનક અવસાન પછી કિર્લોસ્કર નાટક મંડળીનું ભાવિ અંધકારમય બન્યું. વ્યવસ્થાપકોએ જીદ પકડી મંડળી ચાલુ રાખી અને ભાઉરાવની જગ્યાએ જોગળેકર નામના નટ-ગાયકને લેવામાં આવ્યા, પણ 1905 સુધી નાટક મંડળી મૂળ સ્થાન અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકી નહિ. 1905માં નારાયણ રાજહંસ નામના એક ગાયક કલાકારનો પ્રવેશ કિર્લોસ્કર સંગીત-નાટક મંડળીમાં થયો અને મંડળીમાં નવી ચેતના આવી. નારાયણ રાજહંસ એટલે જ બાલગંધર્વ – એટલે કે અભિનય અને સંગીતનો સુરેખ સંગમ. પણ 1913માં મંડળીમાં ભાગલા પડ્યા અને બાલગંધર્વની સાથે ઘણા સારા કલાકારો મંડળીમાંથી બહાર નીકળ્યા અને બાલગંધર્વની સંગીત-નાટક મંડળીની સ્થાપના થઈ. ત્યારપછી કિર્લોસ્કર નાટક મંડળીનું અસ્તિત્વ નહિવત્ બન્યું એમ કહી શકાય.

મરાઠી સંગીત રંગભૂમિને દૃઢ પાયા પર સ્થાપિત કરનાર કિર્લોસ્કર સંગીત-નાટક મંડળીએ કિર્લોસ્કર, ખાડિલકર, દેવલ, કોલ્હટકર જેવા નાટ્યકારો, ભાસ્કરબૂવા બખલે, ગોવિંદરાવ ટેંબે જેવા સંગીત દિગ્દર્શકો તેમજ બાલગંધર્વ, ભાઉરાવ કોલ્હટકર, ગણપતરાવ બોડસ અને જોગળેકર જેવા ગાયક-અભિનેતાઓ તેમજ અભિનેતાઓ મરાઠી સંગીત રંગભૂમિને બક્ષ્યા. અણ્ણાસાહેબના અવસાન પછી ખાડિલકર અને દેવલ તે જમાનામાં ‘તાલીમ માસ્તર’ના બિરુદથી ઓળખાતા. તેઓ દિગ્દર્શકની ફરજ બજાવતા હતા.

યશવંત કેળકર

હસમુખ બારાડી