કાસૂન્દ્રી (કાશિન્દ્રો) : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia occidentalis Linn. (સં. કાસમર્દ, કાસારી; હિં. કસૌદી, અગૌથ; બં. કાલકસુંદા; મ. કાસવિંદા; ક. એલહુરી, અલવરી; તે. પેડિતાંગેડુ, કસવીંદચેટ્ટુ; મલા. પોન્નાવીર, અં. નિગ્રોકોફી) છે. તેના સહસભ્યોમાં કાચકા, ચિલાર, લિબીદીબી, ગુલમહોર, રામબાવળ, ગરમાળો વગેરેનો સમાવેશ થાય છે. તેનું વિતરણ સમગ્ર ભારતમાં થયેલું છે. તે 75 સેમી.થી 125 સેમી. ઊંચો ઉપક્ષુપ (undershrub) છે. તેનાં પર્ણો યુગ્મ એકપિચ્છાકાર (paripinnate) સંયુક્ત પ્રકારનાં ઉપપર્ણીય (stipulate) અને પર્ણિકાઓ ભાલાકાર (lanceolate) હોય છે. પુષ્પો પીળા રંગનાં, અનિયમિત અને કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. વજ્ર, દલાભ (petaloid) હોય છે. પુંકેસરોની ગોઠવણી 3 + 4 + 3ની હોય છે; જેમાં ત્રણ સૌથી મોટાં, ચાર મધ્યમ કદનાં અને ત્રણ સૌથી નાનાં હોય છે. સૌથી નાનાં ત્રણ પુંકેસરો વંધ્ય હોય છે. બીજાશય એકસ્ત્રીકેસરી, ચપટું હોય છે અને એકકોટરીય ધારાવર્તી (marginal) જરાયુવિન્યાસ ધરાવે છે. ફળ શિંબ (legume) પ્રકારનું જોવા મળે છે.
તેનાં મૂળ, પર્ણો અને બીજ રેચક હોય છે. બીજ અને પર્ણો કાલિક જ્વરરોધી (antiperiodic) હોય છે. બીજનો ત્વચાના રોગોમાં બાહ્યોપચાર થાય છે. બીજ ભૂંજીને તેનો ઉપયોગ કૉફીની અવેજીમાં થાય છે. ભૂંજવાથી તેના ઔષધીય ગુણધર્મોનો નાશ થાય છે. બીજ ટેનિક ઍસિડ, શ્લેષ્મ (36 %), તેલ (2.56 %), ઇમોડિન અને ટૉક્સાલ્બ્યુમિન ધરાવે છે. બેઝિન દ્વારા નિષ્કર્ષણ કરતાં ક્રાઇસેરોબિન (મિથાઇલ-ડાઇહાઇડ્રૉક્સિ ઍૅન્થ્રેનૉલ) પ્રાપ્ત થાય છે.
કાસૂન્દ્રીનો ઉપયોગ લીલા ખાતર તરીકે પણ થઈ શકે છે. તે પુંવાડિયા (cassia tora) કરતાં વધારે પોટૅશિયમ ધરાવે છે.
આયુર્વેદ અનુસાર, કાસૂન્દ્રી તીખી, કડવી, મધુર, ઉષ્ણ, રુચિકર, પાચક, દીપક, કંઠશુદ્ધિકર, ગ્રાહી અને રુક્ષ હોય છે. તે કફ, અજીર્ણ, વાયુ, કાસ, પિત્ત, વિષ, કૃમિ અને વિષૂચિકાનો નાશ કરે છે. તેનાં પર્ણો પાકકાળે તીખાં, વૃષ્ય, ઉષ્ણ અને લઘુ હોય છે. તે દમ, ઉધરસ અને અરુચિનો નાશ કરે છે. તેનાં ફળ કાસ, શ્વાસ અને ઊર્ધ્વવાતનો નાશ કરે છે. તેનો ઉપયોગ દાદર, ખસ, ખરજવું વગેરે ઉપર; હેડકી અને શ્વાસ ઉપર; સોજા ઉપર; પારાના ઉતાર પર; શીઘ્ર પ્રસૂતિ થવા માટે; બગઈ વગેરે કાનમાં ગયું હોય ત્યારે; કિટિભ અને કુષ્ઠ પર અને ભિલામો ઊઠે છે તે ઉપર થાય છે. આવતા તાવમાં તેના પાનનો કે બીજનો ઉકાળો પીવાથી પસીનો વિશેષ થાય છે અને તાવ ઊતરે છે.
Cassia sopheraને કાળો કાસુંદરો કહે છે.
પ્રાગજી મો. રાઠોડ
બળદેવભાઈ પટેલ