કાસેલા, આલ્ફ્રેદો

January, 2006

કાસેલા, આલ્ફ્રેદો (જ. 1883, તુરિન, ઇટાલી; અ. 1947) : આધુનિક ઇટાલિયન સંગીતકાર.

પૅરિસ ખાતેની પૅરિસ કૉન્ઝર્વેટરીમાં સંગીત અને સ્વરનિયોજનનો અભ્યાસ કર્યો. ત્યાં પ્રસિદ્ધ ફ્રેંચ સ્વરનિયોજક ફૉરે (Faure) તેમના શિક્ષક હતા. પછી પિયાનોવાદન પણ શીખ્યા. તે પછી થોડો વખત પૅરિસમાં સંગીત-સંચાલક તરીકે કામ કર્યું.

1909થી 1917 સુધી સાત વરસ રોમની સેન્ટ ચેચિલિયા (Cecilia) કૉન્ઝર્વેટરી ખાતે સંગીતનું શિક્ષણ આપ્યું. 1917માં ત્યાંથી મુક્ત થઈ નૅશનલ સોસાયટી ઑવ્ મ્યુઝિક નામે સંસ્થા સ્થાપી. ઇન્ટરનેશનલ સોસાયટી ફૉર કન્ટેમ્પરરી મ્યુઝિકે તુરત જ આ સંસ્થાને માન્યતા આપી. પરદેશી અખબારોના રોમ ખાતેના સંગીત અંગેના કૉરસ્પૉન્ડન્ટ-પત્રકાર તરીકે પણ કાસેલાએ કામ શરૂ કર્યું. હવે તેમણે નૅશનલ સોસાયટી ઑવ્ મ્યુઝિકનું નામ બદલીને નવું નામ આપ્યું : ઇટાલિયન સોસાયટી ફૉર મૉડર્ન મ્યુઝિક. એક સંગીત-સંચાલક તરીકે તેમણે અમેરિકાનો પ્રવાસ પણ કર્યો અને વિશ્વના સમકાલીન સંગીતથી સુપેરે પરિચિત થયા. ઇટાલિયન લોકસંગીત, મધ્યયુગના ઇટાલીના બરોક અને રેનેસાંસ સંગીત, રશિયન સંગીત અને તેમાં પણ ખાસ કરીને સ્વરનિયોજક આઇગોર સ્ટ્રાવિન્સ્કી તથા આધુનિક ઑસ્ટ્રિયન સ્વરનિયોજક આર્નૉલ્ડ શોઅન્બર્ગના ઍટોનલ સંગીતની સામૂહિક અસર ઝીલીને તેમણે મૌલિક સ્વરનિયોજન શરૂ કરેલું. 1916માં તેમણે લખેલા પિયાનો સૉનોટા આ બધી જ અસરોનું સીધું પરિણામ છે, પરંતુ 1917 સુધીમાં રાષ્ટ્રીય ગૌરવની પુન:સ્થાપના કરે તેવા ‘રાષ્ટ્રીય સંગીત’ની રચના કરવાની મહેચ્છા કાસેલાને જન્મી. આ માટે તેમણે સમકાલીન ઇટાલિયન લોકસંગીતના ક્ષેત્રે તો સંશોધન કર્યું જ, પણ ખાસ કરીને તસ્કની (Tuscany) પ્રાંતના લોકસંગીતનો ખૂબ જ ખણખોદપૂર્વક ઊંડો અભ્યાસ કર્યો. વધારામાં ઇટાલિયન સંગીતની ભવ્ય ભૂતકાલીન પરંપરા તરફ પણ તેમને ખેંચાણ થયું. તેમાંથી સત્તરમી અને અઢારમી સદીના સંગીતમાંથી પણ તેમણે પ્રેરણાપીયૂષ પ્રાપ્ત કર્યું. 1925માં તેમણે લખેલ ‘પાર્તિતા ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા’ તેનું સીધું ફળ ગણી શકાય. એ પછી એકએકથી ચડિયાતી કૃતિઓ કાસેલા લખતા ગયા. તેમાંથી ઑર્ગન અને ચેમ્બર ઑર્કેસ્ટ્રા માટે લખેલ ‘કન્ચર્ટો રોમાનો’ તેમનો ‘માસ્ટરપીસ’ ગણાય છે. પરંપરાગત ઇટાલિયન સંગીતની કાઉન્ટરપૉઇન્ટ શૈલીને આધુનિક સંગીતમાં પુન: પ્રતિષ્ઠિત કરવાનું શ્રેય કાસેલાને મળે છે. પ્રેરણાના સ્રોત માટે ઇટાલીની સરહદોની અંદર જ નજર નાંખીને વિશ્વના આધુનિક સંગીતના મંચ ઉપર ઇટાલિયન સંગીતનું ગૌરવ સાચવી રાખવાનું શ્રેય પણ કાસેલાને જ મળે છે. પરંતુ 1944માં લખાયેલ તેમની છેલ્લી મહત્વની રચના ‘પ્રો પાચે’(Pro Pace)માં શોઅન્બર્ગની ઍટોનાલિટી (‘Atonality’) જેવાં આંતરરાષ્ટ્રીય  આધુનિકતાનાં લક્ષણો થોડેક અંશે જોઈ શકાય છે. ઑતોરિનો રેસ્પિગી અને ફેરુચિયો બુસોની સાથે કાસેલાની ગણના ‘આધુનિક ઇટાલિયન સંગીતના ઘડવૈયા’ તરીકે થાય છે.

અમિતાભ મડિયા