કાસની (ચિકોરી) : દ્વિદળી વર્ગમાં આવેલા એસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cichorium intybus Linn. (ગુ. કાસની, કાશીની, કાસ્ની; અં. ચિકોરી, વાઇલ્ડ એન્ડિવ) છે. તેના સહસભ્યોમાં ભાંગરો, અક્કલગરો, ગોરખમુંડી, સૂર્યમુખી, કસુંબો વગેરેનો સમાવેશ થાય છે.
તે બહુવર્ષાયુ, 30 સેમી.થી 90 સેમી. ઊંચી, શાકીય વનસ્પતિ છે. તેનું સોટીમૂળ માંસલ અને 60 સેમી.થી 75 સેમી. લાંબું હોય છે. પર્ણો સાદાં અને અંડાકાર હોય છે. પુષ્પો આછા ભૂરા અથવા ભૂરા-વાદળી પુષ્પગુચ્છ સ્વરૂપે ઑક્ટોબરથી માર્ચ માસમાં બેસે છે.
તે જૂની દુનિયાના સમશીતોષ્ણ પ્રદેશની મૂલનિવાસી વનસ્પતિ છે અને પંજાબ અને હૈદરાબાદમાં પ્રાકૃતિક રીતે થાય છે. તે નડિયાદ, ભરૂચ અને અમલસાડમાં ઉગાડવામાં આવે છે. તેનું વાવેતર કાં તો ચારા માટે અથવા મૂળ માટે થાય છે.
કાસની કોઈ પણ પ્રકારની મૃદામાં ઊગે છે. જોકે વરસાદ એકસરખો પડતો હોય અથવા સિંચાઈ શક્ય હોય ત્યારે રેતાળ ગોરાડુ મૃદા સૌથી શ્રેષ્ઠ ગણાય છે. મૂળનું સારું ઉત્પાદન મેળવવા મૃદા ઊંડી, ફળદ્રૂપ, સહેલાઈથી ખેડી શકાય તેવી અને સારા નિતારવાળી હોવી જોઈએ. વૃદ્ધિ-ઋતુ છ માસ સુધી ટકે છે. તે દરમિયાન સારી એવી કાળજી રાખવી પડે છે અને મજૂરીની પણ જરૂરિયાત પડે છે.
ચારા કે શાકભાજી માટે સારા તૈયાર કરેલા ખેતરમાં પ્રતિહેક્ટરે 7.5 કિગ્રા.થી 13.5 કિગ્રા. બીજ છૂટે હાથે વેરીને વાવવામાં આવે છે. આ પાક 5થી 10 વર્ષ સુધી ટકે છે. મૂળનો પાક લેવા તેનું વાવેતર મધ્ય ઑક્ટોબરમાં કરવામાં આવે છે. તેને માટે લગભગ 2.8 કિગ્રા./હેક્ટર બીજની જરૂર પડે છે. વૃદ્ધિના પ્રારંભિક તબક્કામાં અપતૃણોનો નાશ કરવામાં આવે છે. મે મહિનાના અંતમાં પર્ણો ખાઈ શકાય તેવાં પોષક હોય છે. છોડ પરિપક્વ બને ત્યારે તુરત જ તેને મૂળસહિત ખેંચી લઈ 14 દિવસ માટે ખેતરમાં રાખવામાં આવે છે. જો તેમાં ઢીલ કરવામાં આવે તો તેઓ રેસાયુક્ત બને છે અને કદ વધવા છતાં વજનમાં ઘટાડો થાય છે. ન્યૂઝીલૅન્ડમાં તેનું ઉત્પાદન પ્રતિએકરે 10થી 11 ટન જેટલું થાય છે. ભારતમાં તેનું ઉત્પાદન ઓછું થાય છે.
મૂળ કાં તો સૂર્યપ્રકાશમાં અથવા ક્લિન (klin) પદ્ધતિ દ્વારા સૂકવવામાં આવે છે. ક્લિનશુષ્ક મૂળ કરતાં સૂર્યપ્રકાશમાં સૂકવેલાં દેખાવમાં વધારે સારાં હોય છે. જોકે ક્લિનશુષ્ક મૂળો વધારે કાર્યક્ષમ હોવાથી તેમને પસંદગી આપવામાં આવે છે. શુષ્ક મૂળને ભૂંજીને તેનો પાઉડર બનાવવામાં આવે છે અને કૉફી સાથે મિશ્ર કરવામાં આવે છે.
ચિકોરીના તાજા મૂળનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 77 %, ગુંદર-દ્રવ્ય 7.5 %, ગ્લુકોઝ 1.1 %, કડવો નિષ્કર્ષ 4.0 %, લિપિડ 0.6 %, સેલ્યુલોઝ, ઇન્યુલિન અને રેસો 9.0 % અને ભસ્મ 0.8 %. ભસ્મમાં પોટૅશિયમ પુષ્કળ હોય છે. કડવું ઘટક ફ્રુક્ટોઝ અને પાયરોકૅટેચૂઇક ઍસિડનો ગ્લુકોસાઇડ ધરાવે છે. મૂળના રસમાં સ્ટિયરિન, મેનાઇટ અને ટાર્ટેરિક ઍસિડ હોય છે. બિટાઇન અને કોલાઇન અલ્પ સાંદ્રતાએ હોય છે. સંગ્રહના સમયમાં ઇન્યુલિન ઇન્યુલાઇડ અને ફ્રુક્ટોઝમાં ફેરવાય છે. ચિકોરીમાં કૅફીન અને ટેનિન હોતું નથી.
ભૂંજવાથી ચિકોરી લાક્ષણિક વાસ આપે છે. બાષ્પશીલ દ્રવ્યમાં ઍસિટાલ્ડિહાઇડ, ઍસિટોન, ડાઇએસિટિલ, βy-ડાઇકીટોપેન્ટેન, ફરફ્યુરાલ્ડિહાઇડ, 5-હાઇડ્રૉક્સિમિથાઇલ-ફરફ્યુરાલ્ડિહાઇડ, માલ્ટોલ, ફ્યુરેન, મિથાઇલ અને ફરફ્યુરિલ આલ્કોહૉલ અને ઍસેટિક, પાયરુવિક, લૅક્ટિક, પાયરોમ્યુસિક અને પામિટિક ઍસિડ વધારે પ્રમાણમાં અને ફિનૉલ અને તટસ્થ તેલ અલ્પ પ્રમાણમાં હોય છે. ભૂંજવાની પ્રક્રિયા દરમિયાન ઇન્યુલિનનો વધારે પ્રમાણમાં નાશ થાય છે. તેથી ઉદભવતી નીપજ રિડ્યુસિંગ શર્કરાઓ, ડૅક્ષ્ટ્રિન અને કેરેમલ ધરાવે છે.
નિષ્કર્ષની ક્યુપ્રિકને રિડ્યુસ કરવાની ક્ષમતાને આધારે કૉફીમાં ચિકોરીનું મિશ્રણ કરવામાં આવે છે. ભૂંજેલી કૉફીમાં 1.9 %થી 2.6 % અને ભૂંજેલી ચિકોરીમાં 25 %થી 27 % જેટલી રિડ્યુસિંગ શર્કરાઓ હોય છે.
કેટલીક વાર ચિકોરીને બીટ (Beta vulgaris Linn.) સાથે અપમિશ્રિત (adulterated) કરવામાં આવે છે. બિટાઇન દ્રવ્યના નિર્ધારણ દ્વારા અપમિશ્રણની પરખ થઈ શકે છે. ચિકોરી કરતાં બીટમાં સાતગણું બિટાઇન હોય છે.
આયુર્વેદમાં કૃષ્ય (cutivated) જાતનો ઉપયોગ પુષ્ટિકારક તરીકે થાય છે. તે તાવ, ઊલટી, અતિસાર અને બરોળ વધવાના રોગમાં ઉપયોગી છે. વન્ય જાત પુષ્ટિકારક, આર્તવપ્રેરક (emmenogogue) અને વિષરોધી (alexiteric) હોય છે.
પ્રાગજી મો. રાઠોડ
બળદેવભાઈ પટેલ