કાવ્યાલંકાર (ઈ. સ. નવમી સદી) : આચાર્ય રુદ્રટપ્રણીત અલંકારશાસ્ત્રનો મહત્વનો સંસ્કૃત ગ્રંથ. તેમાં સોળ અધ્યાયો છે. મોટેભાગે આર્યા છંદમાં કાવ્ય અને કાવ્યશાસ્ત્રને લગતા વિવિધ વિષયોની હૃદયંગમ ચર્ચા કરવામાં આવી છે. પ્રથમ અધ્યાયમાં કાવ્યપ્રયોજન, કાવ્યહેતુ અને કવિમહિમાનું વર્ણન છે; બીજામાં કાવ્યલક્ષણ, શબ્દભેદ, રીતિ, વક્રોક્તિ (શ્લેષ તથા કાકુ), અનુપ્રાસ, તેના ભેદ તથા મધુરા, પ્રૌઢા, પરુષા લલિતા તથા ભદ્રા એમ પાંચ વૃત્તિઓનું; ત્રીજામાં યમકનું; ચોથા અને પાંચમા અધ્યાયમાં શ્લેષ તથા ચિત્રાલંકારનું; છઠ્ઠામાં દોષોનું વિવેચન છે; સાતમામાં અર્થનું સ્વરૂપ અને ‘વાચક’ શબ્દના ભેદનું અને ત્રેવીસ અર્થાલંકારોનું વાસ્તવવર્ગની અંતર્ગત નિરૂપણ કરવામાં આવ્યું છે. રુદ્રટે સંભવત: સૌપ્રથમ અલંકારોને ચોક્કસ વર્ગમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે. પાછળથી રુય્યકે તેમનામાંથી જ પ્રેરણા લઈને અલંકારોનું વૈજ્ઞાનિક વર્ગીકરણ કર્યું છે. પ્રસ્તુત અધ્યાયમાં રુદ્રટે વાસ્તવ, ઔપમ્ય, અતિશય અને શ્લેષ એમ ચાર વર્ગોનો નિર્દેશ કર્યો છે. ‘વાસ્તવ’માં સહોક્તિ, સમુચ્ચય, જાતિ, યથાસંખ્ય, ભાવ, પર્યાય, વિષમ, અનુમાન, દીપક, પરિકર, પરિવૃત્તિ, પરિસંખ્યા, હેતુ, કારણમાલા, વ્યતિરેક, અન્યોન્ય, ઉત્તર, સાર, સૂક્ષ્મ, લેશ, અવસર, મીલિત અને એકાવલી એમ 23 અર્થાલંકારોનું વિવેચન છે. આઠમા અધ્યાયમાં ઔપમ્યમૂલક વર્ગમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અપહ્નુતિ, સંશય, સમાસોક્તિ, મત, ઉત્તર, અન્યોક્તિ, પ્રતીપ, અર્થાન્તરન્યાસ, ઉભયન્યાસ, ભ્રાંતિમાન, આક્ષેપ, પ્રત્યનીક, ર્દષ્ટાંત, પૂર્વ, સહોક્તિ, સમુચ્ચય, સામ્ય તથા સ્મરણ – એમ 21 અર્થાલંકારોનું. નવમા અધ્યાયમાં અતિશયમૂલક, પૂર્વ, વિશેષ, ઉત્પ્રેક્ષા, વિભાવના, તદગુણ, અધિક, વિરોધ, વિષમ, અસંગતિ, પિહિત, વ્યાઘાત અને અહેતુ – એમ 12 અર્થાલંકારોનું તથા દસમા અધ્યાયમાં શ્લેષમૂલક, અવિશેષશ્લેષ, વિરોધશ્લેષ, અધિકશ્લેષ, વ્યાજશ્લેષ, ઉક્તિશ્લેષ, અસંભવશ્લેષ, વક્રશ્લેષ, અવયવશ્લેષ, તત્વશ્લેષ તથા વિરોધાભાસશ્લેષ – એમ 10 અલંકારોનું સોદાહરણ વિવેચન છે. અગિયારમા અધ્યાયમાં 36 અર્થદોષોનું  અપહેતુ, અપ્રતીત, નિરાગમ, બાધયન્, અસંબદ્ધ, ગ્રામ્ય, વિરસ, તદ્વાન, અતિમાત્ર તથા ઉપમાદોષોનું નિરૂપણ છે. બારમા અધ્યાયમાં શ્રોતાની ર્દષ્ટિએ કાવ્યપ્રયોજન, રસસંખ્યા, રસસ્વરૂપ, શૃંગારલક્ષણ, નાયક અને નાયિકાભેદનું વર્ણન છે. તેરમા અધ્યાયમાં શૃંગારના એક ભેદ સંભોગશૃંગારનું અને નવોઢાનાં લક્ષણોનું નિરૂપણ છે. ચૌદમામાં વિપ્રલંભશૃંગાર અને તેના ભેદોનું – અનુરાગ, પ્રવાસ, માન, કરુણ, તથા શૃંગારાભાસ, કામદશાઓ અને રીતિપ્રયોગોનું; પંદરમામાં શૃંગાર, વીર, કરુણ, બીભત્સ, ભયાનક, અદભુત, હાસ્ય, રૌદ્ર, શાંત અને પ્રેયાન્ – એમ નવ રસોનું નિરૂપણ છે. આમ રુદ્રટ ‘પ્રેયાન્’ નામનો નવીન રસ સ્વીકારે છે. જોકે તેનું સ્વરૂપ પ્રેયોલંકારને મળતું આવે છે. સોળમા અધ્યાયમાં કાવ્યના ચાર વર્ગો, કાવ્યભેદ, ઉત્પાદ્ય, અનુત્પાદ્ય કાવ્ય, મહાકાવ્ય, લઘુકાવ્ય, ઉત્પાદ્ય મહાકાવ્ય, સર્ગ, સંધિઓ, કથા, આખ્યાયિકા તથા લઘુકાવ્યનું વિવેચન કરવામાં આવ્યું છે. રુદ્રટે 35 નવીન અલંકારોની ઉદભાવના કરી છે. ભોજ, મમ્મટ અને રુય્યક જેવા આલંકારિકો પણ રુદ્રટનાં અલંકારલક્ષણો અને ઉદાહરણોનો આધાર લે છે. કાવ્યના પ્રત્યેક પાસાનું તેમનું નિરૂપણ ઝીણવટભર્યું છે.

‘કાવ્યાલંકાર’ પર ત્રણ ટીકાઓનો ઉલ્લેખ મળે છે. એમાંથી જૈન વિદ્વાન નમિસાધુકૃત (ઈ. સ. 1068) ટીકા ‘કાવ્યાલંકાર’ના હિન્દી અનુવાદ સાથે ચૌખમ્બા સંસ્કૃત સીરિઝ, વારાણસીમાંથી ઈ. સ. 1966માં પ્રકાશિત થઈ છે. કાશ્મીરી વિદ્વાન વલ્લભદેવની ‘રુદ્રટાલંકાર’ અને એક અન્ય જૈન વિદ્વાન આશાધરકૃત ટીકા અનુપલબ્ધ છે.

પારુલ માંકડ