કાવ્યાલંકાર (ઈ. છઠ્ઠી સદી – પૂર્વાર્ધ)
January, 2006
કાવ્યાલંકાર (ઈ. છઠ્ઠી સદી – પૂર્વાર્ધ) : અલંકારશાસ્ત્રનો ભામહરચિત સંસ્કૃત ગ્રંથ. ભામહથી પૂર્વે ભરતમુનિરચિત ‘ભરતનાટ્યશાસ્ત્ર’માં જોકે અલંકાર અંગેનું વિવેચન અલ્પ માત્રામાં થયેલું છે. ભરતે તો મુખ્યત્વે નાટ્યને લગતા વિષયોને જ પ્રાધાન્ય આપ્યું છે, તેથી અલંકારશાસ્ત્રના વિવેચ્ય વિષયોની વાસ્તવિક ચર્ચાનો આરંભ તો ભામહની આ કૃતિથી થયેલો ગણાય છે.
કાશ્મીરનિવાસી ભામહના પિતા રક્રિલ ગોમિન્ હતા. ભામહે ‘કાવ્યાલંકાર’ના મંગલાચરણમાં સાર્વ-સર્વજ્ઞને વંદન કર્યું છે. આ ‘સાર્વ’ શબ્દ ભગવાન બુદ્ધ માટે પ્રયોજાતો હોવાથી કેટલાક વિદ્વાનો ભામહને બૌદ્ધમતાવલમ્બી માને છે. ભામહના તથા ‘કાવ્યાદર્શ’ના લેખક ‘દંડી’ના સ્થિતિકાલના પૌર્વાપર્ય અંગે વિદ્વાનોમાં મતભેદ છે. આમ છતાં તેઓ ઈ.ના છઠ્ઠા શતકમાં થયા એ મત શિષ્ટમાન્ય છે.
‘કાવ્યાલંકાર’માં કુલ છ પરિચ્છેદો અને 400 શ્લોકો (કારિકાઓ) છે. આ ગ્રંથની વિષયવ્યવસ્થા વિશે ભામહે જ અહીં બતાવ્યું છે તે પ્રમાણે પ્રથમ પરિચ્છેદમાં કાવ્યનું શરીર (લક્ષણ), પ્રયોજન, હેતુ, કાવ્યના ભેદો, રીતિ આદિનું નિરૂપણ છે. બીજામાં માધુર્ય આદિ ત્રણ ગુણો, તૃતીયમાં અલંકારો, ચતુર્થમાં કાવ્યગત દસ દોષો, પાંચમા ‘ન્યાયનિર્ણય’ નામના પરિચ્છેદમાં પ્રતિજ્ઞા, હેતુ અને ર્દષ્ટાન્ત સ-દોષ હોવાને લીધે જ્યાં દોષ ઉત્પન્ન થાય છે તેની તથા ઉદાહરણોની ચર્ચા કરી છે. આ ચર્ચા ઉપર ન્યાય-વૈશેષિક ઉપરાંત કેટલાક બૌદ્ધ દાર્શનિકોનો પ્રભાવ પડેલો જણાય છે. છેલ્લા છઠ્ઠા પરિચ્છેદમાં વ્યાકરણની અશુદ્ધિઓથી બચવા ‘સૌશબ્દ્ય’નું નિરૂપણ છે.
ભામહ મુખ્યત્વે અલંકારસિદ્ધાન્તના સમર્થક હોવાથી, રસ-સિદ્ધાંત ઉપર તે ભાર મૂકતા નથી. ભામહે દર્શાવેલ ‘વક્રોક્તિ’ આગળ જતાં એક સ્વતંત્ર ‘વક્રોક્તિ સંપ્રદાય’ થયો જેના પ્રવર્તક કુન્તક છે. ભામહ પછી થયેલા મૂર્ધન્ય આલંકારિકોએ ભામહનો સારા પ્રમાણમાં આધાર લીધો છે. એ રીતે આ ગ્રંથે ભામહને અલંકારશાસ્ત્રના ઇતિહાસમાં મહત્વનું સ્થાન અપાવ્યું છે.
ભગવતીપ્રસાદ પંડ્યા