કાવ્યમીમાંસા (ઈ. દશમી શતાબ્દી) : સંસ્કૃત અલંકાર-સંપ્રદાયમાં કવિઓ માટે વ્યાવહારિક માર્ગદર્શન આપનાર કવિશિક્ષા-વિષયક જાણીતો ગ્રંથ. એના લેખક રાજશેખર (ઉપનામ યાયાવરીય) મહારાષ્ટ્રીય વિદ્વાન હતા. રાજશેખરે ‘કાવ્યમીમાંસા’ ગ્રંથ 18 અધિકરણો કે ભાગોમાં લખ્યો હતો, પરંતુ તેમાંથી ‘કવિરહસ્ય’ નામનું પ્રથમ અધિકરણ જ ઉપલબ્ધ છે. તેમાં કુલ 18 અધ્યાયો છે. એમાં કાવ્યશાસ્ત્રના ઉદભવનું વર્ણન, કાવ્યપુરુષની ઉત્પત્તિ અને તેનું સાહિત્યવિદ્યાવધૂ સાથેનું લગ્ન, પદ-વાક્યવિવેક, કવિઓના પ્રકારો, પ્રતિભા, વ્યુત્પત્તિ, કાવ્યપાક, પાઠ-પ્રતિષ્ઠા, કાકુનું વિસ્તૃત વિવેચન, દેવ-અપ્સરા આદિની ભાષાઓ, રીતિ, કવિચર્યા, રાજચર્યા, પૂર્વવર્તી કવિઓની રચનાઓમાંથી થતું શબ્દોનું હરણ (ચૌર્ય), અર્થહરણ, કવિ-સમય, ભારતની પ્રાચીન ભૂગોળ અને છેલ્લે ઋતુ, પક્ષીઓ તથા કાલવિભાગનું નિરૂપણ છે.

કવિ થવાની ઇચ્છા ધરાવનાર માટે ‘કાવ્યમીમાંસા’ એક વિશાળ જ્ઞાનકોશની ગરજ સારે છે. ભોજ, વાગ્ભટ, હેમચંદ્ર તથા શારદાતનય જેવા સંસ્કૃત આલંકારિકોએ આ ગ્રંથમાંથી અનેક ઉદ્ધરણો લીધાં છે. કવિચર્યા, રાજચર્યા, ભારતના વિભિન્ન પ્રાન્તોના કવિઓ દ્વારા થતા કાવ્યપાઠની શૈલી, પ્રાચીન ભારતની ભૂગોળસામગ્રી આદિનું એમાં સુંદર નિરૂપણ છે.

ભગવતીપ્રસાદ પંડ્યા