કાવ્યસાહિત્ય (પ્રાકૃત) : ઈ. સ.ની પહેલી સદીથી અઢારમી સદી સુધીમાં વિકાસ પામેલું પ્રાકૃત કાવ્યસાહિત્ય. સંસ્કૃત મહાકાવ્યોની શૈલીના પ્રભાવ નીચે વિકસેલા આ સાહિત્યમાં શૃંગારરસને અને છન્દોબદ્ધ પદ્ય તેમજ મુક્તક કાવ્યસ્વરૂપને ઉચિત સ્થાન મળ્યું છે. એમાં ક્વચિત્ ગેયતત્વનો પણ સમાવેશ થયો છે.

આ સાહિત્યની નોંધપાત્ર રચનાઓ નીચે મુજબ છે :

(1) ‘ગાહાસત્તસઈ’ (ગાથાસપ્તશતી) : પ્રાકૃતના શ્રેષ્ઠ કવિઓ અને કવયિત્રીઓની ચૂંટેલી શ્રેષ્ઠ સાતસો એક ગાથાઓનો આ સંગ્રહ છે. આંધ્રવંશના સાતવાહન રાજા હાલ(ઈ. સ. 169)ને આનો સંગ્રહકર્તા માનવામાં આવે છે. આ કૃતિ પર 18થી વધુ ટીકાઓ રચાઈ છે.

(2) વજ્જાલગ્ગ (વ્રજ્યાલગ્ન) : શ્વેતાંબર મુનિ જયવલ્લભે સંકલિત કરેલ આ સુભાષિતસંગ્રહમાં અનેક કવિઓનાં રચેલાં 795 પ્રાકૃત પદ્યોને કાવ્ય, સજ્જન, દુર્જન, દૈવ, દારિદ્ર્ય, ગજ, સિંહ, ભ્રમર, સુરત, પ્રેમ, પ્રવસિત, સતી, અસતી, જ્યોતિષિક, લેખક, વૈદ્ય, ધાર્મિક, યાંત્રિક, વેશ્યા, ખનક, જરા, વડવાનલ વગેરે 95 વ્રજ્યાઓમાં વહેંચવામાં આવ્યાં છે. રત્નદેવગણિએ સંવત 1939(ઈ. સ. 1440)માં આ ગ્રંથ પર સંસ્કૃત ટીકા રચી છે.

(3) ગાથાસાહસ્રી : સમયસુંદરગણિ (ઈ. સ. 1629)એ કરેલા આ સુભાષિતસંગ્રહમાં 855 ગાથાઓમાં સૂરિઓના 36 ગુણો, સાધુઓના ગુણ, જિનકલ્પિકનાં ઉપકરણો, યતિદિનચર્યા, 25.5 આર્યદેશ, ધ્યાતાનું સ્વરૂપ, પ્રાણાયામ, 32 પ્રકારનાં નાટક, 16 શણગાર, શકુન અને જ્યોતિષને લગતા વિષયોનો સમાવેશ થયો છે.

(4) સેતુબંધ : પ્રવરસેને (ઈ. સ. પાંચમી સદી) રચેલા મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષામાં નિબદ્ધ, ‘રાવણવધ’ કે ‘દશમુખવધ’ નામે ઓળખાતા, આ મહાકાવ્યમાં પંદર ‘આશ્વાસ’માં વાનરસેનાના પ્રસ્થાનથી આરંભીને રાવણના વધ સુધીની રામકથાનું વર્ણન છે. આ કાવ્ય પર રચાયેલી ટીકાઓમાં જયપુરરાજ્યનિવાસી અકબરકાલીન રામદાસ(ઈ. સ. 1595)રચિત ‘રામસેતુપ્રદીપ’ પ્રસિદ્ધ છે.

(5) ગઉડવહો (ગૌડવધ) : ઈ. સ. 750ના અરસામાં બપ્પરાએ (વાક્પતિરાજે) રચેલા આ લૌકિક ચરિત ઉપર આધારિત પ્રબંધકાવ્યમાં યશોવર્માએ મગધ(ગૌડ)ના રાજાનો વધ કેવી રીતે કર્યો એ ઘટનાનું નિરૂપણ 1209 મહારાષ્ટ્રી પ્રાકૃત ગાથાઓમાં કરવામાં આવ્યું છે. આ ગાથાઓ 5 થી 150 જેટલી ગાથાઓ ધરાવતા કુલકોમાં વહેંચાયેલી છે. હરિપાલે આની ઉપર ‘ગૌડવધસાર’ નામની ટીકા રચી છે.

(6) લીલાવઈ (લીલાવતી) : ભૂષણભટ્ટના પુત્ર કોઊહલ (આશરે ઈ. સ.ની આઠમી સદી) નામના બ્રાહ્મણે પોતાની પત્નીના આગ્રહને લીધે ‘મરહદેસિભાસા’માં રચેલ આ કાવ્યમાં દેવલોક અને માનવલોકનાં પાત્રોવાળી દિવ્યમાનુષી કથા (સિંહલદેશની રાજકુમારી લીલાવતીની પ્રેમકથા) 1800 અનુષ્ટુપ શ્લોકપ્રમાણ છે. તેમાં મૂળ 1333 ગાથાઓ છે. પ્રાય: અનુષ્ટુપ છંદોબદ્ધ આ કાવ્યમાં કેટલાંક ગદ્ય વાક્યો પણ છે. ગ્રંથની શૈલી અલંકૃત અને સાહિત્યિક છે. ભાષા પ્રવાહી છે. આ કાવ્ય પર કોઈ ગુજરાતનિવાસી અજ્ઞાત પંડિતે ‘લીલાવતીકથાવૃત્તિ’ નામની સંસ્કૃત ટીકા રચી છે.

(7) કુમારવાલચરિય (કુમારપાલચરિત) : કલિકાલસર્વજ્ઞ જૈન આચાર્ય હેમચંદ્ર(ઈ. સ. 1088)રચિત, ‘દ્વયાશ્રયકાવ્ય’ તરીકે પણ ઓળખાતા આ કાવ્યની રચના ‘સિદ્ધહેમ’ નામના સંસ્કૃત વ્યાકરણગ્રંથમાંના નિયમોનાં ઉદાહરણો પ્રસ્તુત કરવા માટે થઈ છે. પ્રથમ ભાગમાં ‘સિદ્ધહેમ’ના સાત અધ્યાયોનાં ઉદાહરણો આપવા સાથે સોલંકી વંશના મૂળરાજથી આરંભીને જૈન ધર્મોપાસક રાજા કુમારપાળ સુધીના ઇતિહાસનું વીસ સર્ગોમાં વર્ણન કર્યું છે. બીજા ભાગમાં ‘સિદ્ધહેમ’ના આઠમા અધ્યાયમાં સમાયેલા પ્રાકૃત વ્યાકરણનાં ઉદાહરણો નિરૂપતાં રાજા કુમારપાલનાં યુદ્ધો વગેરેનું વર્ણન આઠ સર્ગોમાં છે. આ રીતે એક ર્દષ્ટિએ કાવ્ય અને બીજી ર્દષ્ટિએ સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણનિયમોનાં ઉદાહરણ એમ બે પ્રયોજનોના આશ્રયરૂપ હોઈ આ કૃતિ ‘દ્વિ-આશ્રય-કાવ્ય’ છે. આ કાવ્યના સંસ્કૃત ભાગ ઉપર અભયતિલકગણિએ અને પ્રાકૃત ભાગ ઉપર પૂર્ણકલશગણિએ ટીકાગ્રંથની રચના કરી છે.

(8) સિરિચિંધકવ્વ (શ્રીચિહ્નકાવ્ય) : વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’ અને ત્રિવિક્રમના પ્રાકૃત વ્યાકરણના નિયમોનાં ઉદાહરણ પ્રસ્તુત કરવા માટે, આશરે ઈ. સ.ની તેરમી સદીમાં, કૃષ્ણલીલાંશુક – ઉર્ફે સાર્વભૌમ, કોદંડમંગલ કે બિલ્વમંગલ – નામના કેરળનિવાસી કવિએ સર્ગના અંતે ‘શ્રી’ શબ્દના પ્રયોગવાળી આઠ સર્ગોની કાવ્યકૃતિની રચના કરી છે. બાકીના ચાર – 9થી 12 – સર્ગોની રચના આ કાવ્યના ટીકાકાર દુર્ગાપ્રસાદ યતિએ કરી છે. આ કાવ્યમાં કૃષ્ણની લીલાનું વર્ણન છે.

(9) સોરિચરિય (શૌરિચરિત) : મલબાર(કેરળ)ના રાજા કેરલવર્મનના રાજપંડિત શ્રીકંઠે (ઈ. સ. 1700) રચેલ આ યમકકાવ્ય ચાર આશ્વાસ સુધી જ ઉપલબ્ધ છે. એમાં કૃષ્ણના ચરિતનું નિરૂપણ છે. એની દરેક ગાથામાં યમક અલંકારનો પ્રયોગ થયો છે.

(10) ભૃંગસંદેશ : અજ્ઞાતકર્તૃક આ કાવ્યની પણ અપૂર્ણ પ્રત ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથાલયમાં સચવાયેલી પડી છે. એના ટીકાકારનું નામ પણ અજ્ઞાત છે.

(11) કંસવહો (કંસવધ) : કેરળદેશ-નિવાસી રામપાણિવાદરચિત (ઈ. સ. 1707થી 1775) કંસવહો ચાર સર્ગોમાં વહેંચાયેલ 233 પદ્યોનું ખંડકાવ્ય છે. ભાષા શુદ્ધ સાહિત્યિક પ્રાકૃત છે. એમાં શ્રીમદભાગવતને આધારે કંસવધનું વર્ણન છે.

(12) ઉષાણિરુદ્ધ : આ પણ રામપાણિવાદનું જ ચાર સર્ગોનું ખંડકાવ્ય છે, એમાં શ્રીમદભાગવતને આધારે ઉષા અને અનિરુદ્ધની પ્રેમકથાનું નિરૂપણ છે.

આ ઉપરાંત ‘કામદત્તા’ (ઈ. સ. પાંચમી સદી), વાકપતિરાજકૃત ‘મહુમહવિયય’ (મધુમથવિજય), સર્વસેનકૃત ‘હરિવિજય’, ‘રાવણવિજય’, આનંદવર્ધનકૃત ‘વિસમબાણલીલા’ વગેરે કાવ્યો વિશે ઉલ્લેખો મળી આવે છે.

રમણિકભાઈ મ. શાહ