કાવ્યમંગલા (1933) : ગુજરાતી કવિ સુન્દરમ્(1908-1991)નો પ્રથમ કાવ્યસંગ્રહ. 1938, 1953, 1958, 1961, 1962, 1964, 1974, 1977 અને 1980માં એની આવૃત્તિઓ થઈ. 2002માં તેનું પુનર્મુદ્રણ થયું છે.

ગાંધીયુગની કવિતાના પ્રારંભિક ઘડતરમાં સુન્દરમ્-ઉમાશંકરનો ફાળો મુખ્ય છે. ગાંધીજીના પ્રભાવથી દીન-પીડિત જનસમુદાય પ્રત્યેની સહાનુભૂતિનો ભાવ ‘કાવ્યમંગલા’માં વ્યક્ત થયેલ છે. સુન્દરમ્ એ ભાવોને રસાત્મક રૂપ આપતા હોઈ હૃદયસ્પર્શી નીવડે છે. એ ર્દષ્ટિએ ‘સાફલ્યટાણું’, ‘વેરણ મીંદડી’, ‘ત્રણ પાડોશી’ નોંધપાત્ર છે. સુન્દરમની કાવ્યસર્જકતાનો નવોન્મેષ પ્રગટ કરતાં ‘બુદ્ધનાં ચક્ષુ’, ‘ત્રિમૂર્તિ, ‘બાનો ફોટોગ્રાફ’, ‘પતંગિયું અને ગરુડ’, ‘મેઘનૃત્ય’, ‘ધ્રુવપદ ક્યહી’ જેવાં કાવ્યો સંગ્રહની ઉત્કૃષ્ટ કાવ્યસંપત્તિરૂપ છે.

‘કાવ્યમંગલા’માં સ્વાતંત્ર્યભાવના, પ્રકૃતિપ્રેમ, પ્રણયભાવના તથા પ્રાર્થનાભાવ ચારુ અભિવ્યક્તિ પામ્યાં છે. વિષયવૈવિધ્યની સાથે રચનારીતિનું વૈવિધ્ય પણ સધાયું છે. કવિની સરળ બાની, છંદો ઉપરનું પ્રભુત્વ, ચિત્રો ઊભાં કરવાની શક્તિ અને પ્રવાહિતા એ ‘કાવ્યમંગલા’ના તરત નજરે ચઢતા ગુણો છે. રામનારાયણ વિ. પાઠકે સંસ્કૃત વૃત્તોના સુશ્લિષ્ટ કાવ્યો આપવામાં અને ભજનો, ગરબીઓના ઢાળોમાં ઉચિત ફેરફારો કરી પ્રયોજવામાં સુન્દરમની વિશેષતા નિર્દેશી ‘આ કવિતાકલાના નવા પ્રયોગોમાંથી કવિતા માટે નવા પ્રદેશો સર થશે.’ એવું મૂલ્યાંકન કરેલું તે ‘વસુધા’, ‘યાત્રા’ અને ‘વરદા’ જેવા અનુગામી સંગ્રહોની કવિતામાં સુપેરે સિદ્ધ થયું છે. ‘કાવ્યમંગલા’માં પ્રતીત થતી ચિંતનશીલતા, ચિંતનને ઊર્મિના દ્રાવણમાં રજૂ કરવાની ફાવટ, જીવનપરાયણ ર્દષ્ટિકોણ, કવિતાના બહિરંગ પરત્વેની કલાકારને ઉચિત એવી સંપ્રજ્ઞતા અને વિવિધ આકારો દ્વારા અનુભૂતિને વ્યક્ત કરવાની સહજ શક્તિ એ કવિગુણોએ સુન્દરમને પ્રથમ પંક્તિના કવિઓમાં સ્થાન અપાવ્યું.

રમણલાલ જોશી