કાવાબાતા યાસુનારી (જ. 1899, ઓસીકા; અ. 1972, કામાકુરા) : નોબેલ પારિતોષિક-વિજેતા જપાની નવલકથાકાર અને સમીક્ષક. આ સમર્થ સર્જકે બાળવયે માતાપિતા ગુમાવ્યાં, પછી દાદાદાદી પાસે ઊછર્યા. વતનમાં પ્રાથમિક અને ટોકિયોમાં માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણ પૂરું કરી 1925માં જપાની અને અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતક થયા. અભ્યાસકાળ દરમિયાન વાર્તાઓનું સર્જન આરંભ્યું અને પ્રસિદ્ધ વર્તમાનપત્ર ‘જીજી શિમ્પો’માં સાહિત્યવિવેચનનો વિભાગ પણ સંભાળવા માંડ્યો. મુરાસાકી શિકાબુની ‘જેન્જી મોનોગાતારી’ અને સેઈ શોનાગોનની ‘માકુરાનો સોશી’ જેવી બે મહાન પ્રશિષ્ટ જપાની કૃતિઓની એમના સર્જન પર અસર છે. ત્યાંના બૌદ્ધ ધ્યાનવાદની તેમના જીવન પર અને એ નાતે તેમના સાહિત્ય પર પણ અસર પડેલી છે. જપાનનું પ્રાકૃતિક સૌંદર્ય અને ત્યાંના રીતરિવાજો તેમની નવલકથાઓમાં જપાની વાતાવરણ ઉપસાવે છે, જે તેમને જપાની સર્જકોમાં સૌથી વિશેષ જપાની તરીકે ખ્યાતિ રળી આપે છે.

1926માં એમની પ્રથમ નવલકથા ‘ધી ઈઝુ ડાન્સર’ પ્રકટ થયેલી. ‘ફ્લોરલ વૉલ્ત્ઝ’ અને ‘બર્ડ્ઝ ઍન્ડ બીસ્ટ્સ’ જેવી કૃતિઓ ઉપરાંત ‘લિરિકલ સાગ્ઝ’ નામે કાવ્યસંગ્રહ પણ પ્રકટ કરેલો, પરંતુ એમની ધ્યાનાકર્ષક નવલકથા છે ‘સ્નો કન્ટ્રી’. 1935-36માં રચાયેલી આ નવલકથા છેક 1947માં પ્રસિદ્ધ થાય છે અને જપાનના પીઢ સર્જકોમાં યાસુનારી કાવાબાતાની ગણના થવા લાગે છે. ‘થાઉઝણ્ડ ક્રેઇન્સ’ 1949-51 દરમિયાન એક સામયિકમાં હપ્તાવાર પ્રગટ થયેલી નવલકથા છે, જેને 1951માં ‘અકાદમી ઑવ્ આર્ટ’ તરફથી પારિતોષિક અપાયું હતું. ‘સાઉન્ડ્ઝ ઑવ્ અ માઉન્ટન’ અને ‘સ્લીપિંગ બ્યૂટી’ એમની અન્ય બે કીર્તિદા નવલકથાઓ છે. 1960 પછી પ્રકટ થયેલી એમની નવલકથા ‘ક્યોતો’માં પ્રાચીન જપાન વિશેની લેખકની ઊંડી રુચિ અભિવ્યક્ત થયેલી છે. પચીસ વર્ષની વયે એમણે ‘અ ડાયરી ઑવ્ એ સિક્સ્ટી ઇયર્સ ઓલ્ડ બૉય’ નામે પોતાની નોંધો પ્રસિદ્ધ કરેલી. એમની ‘સ્નો કન્ટ્રી’, ‘થાઉઝણ્ડ ક્રેઇન્સ’ અને ‘ક્યોતો’ નવલકથાઓને લક્ષમાં લઈને સ્વીડિશ અકાદમીએ એમને 1968નું નોબેલ પારિતોષિક એનાયત કરેલું. જપાનની સરકારે એમને ‘ઑર્ડર ઑવ્ કલ્ચર’નો ઇલકાબ આપ્યો છે. ‘ધ સિટી ઑવ્ ફ્રકફર્ટ’ તરફથી ‘ગ્યૂઇથે મેડલ’ તથા 1961માં જપાનની સરકારે ‘કલ્ચરલ મેડલ’ એમને અર્પણ કરેલા. ફ્રાન્સની સરકારે એમને 1960માં ‘Ordre des Art et Letters’નો ખિતાબ આપેલો. 1948થી 1965 સુધી જપાનની ‘પેન’ સંસ્થાના તેઓ પ્રમુખ રહેલા. 1959માં આંતરરાષ્ટ્રીય ‘પેન’ના ઉપપ્રમુખ વરાયા હતા. અનેક સાહિત્યિક સંસ્થાઓએ એમનું ઉત્સાહપૂર્વક સન્માન કરેલું.

નિવૃત્તિ લઈ તે કામાકુરામાં શાન્તિમય જીવન ગાળતા હતા. આ સંવેદનશીલ અને આત્મમગ્ન સર્જકે 1972માં હારાકિરી (આત્મહત્યા) કરેલી.

ધીરુ પરીખ