કાલ્પનિક માંદગી (hypochondriasis) : શારીરિક બીમારી ન હોય તેમ છતાં પોતાને કોઈક પ્રકારની શારીરિક બીમારી છે જ અથવા નજીકના ભવિષ્યમાં થશે તેવો સતત અનુભવ. આ એક પ્રકારનો મનોરોગ છે. આવી વ્યક્તિના જીવનનું કેન્દ્ર તેનું શારીરિક સ્વાસ્થ્ય જ બની ગયું હોય છે. શરીર કંઈક સહેજ બગડે કે તેમાં ગરબડ થાય તો તુર્ત જ તે મહારોગની કલ્પના કરી લે છે. હૃદયનો એકાદ ધબકારો પણ અનિયમિત માલૂમ પડે કે છાતીમાં નજીવો દુખાવો થાય તો પણ તે હૃદયરોગના ગંભીર હુમલાની કલ્પના કરી લે છે. આવી વ્યક્તિઓ જાણે કે માંદગીની આતુરતાપૂર્વક રાહ જ જોઈ રહી હોય છે. આ પ્રકારના મનોરોગવાળી વ્યક્તિઓનું આરોગ્યવિષયક પુસ્તકોનું વાચન વિશાળ હોય છે. તેઓ જે કોઈ રોગો વિશે વાંચે કે સાંભળે તેનાં લક્ષણો તેમનામાં પણ છે એવી ફરિયાદો કરવા માંડે છે. પોતાને કૅન્સરની બીમારી થઈ છે અથવા થશે એવું પણ તે વિચારે છે. તેમનું આરોગ્ય વિશેનું જ્ઞાન ડૉક્ટરોને પણ આશ્ચર્યમાં મૂકી દે તેવું હોય છે. તેમને રોગો, તેના ઉપચારો અને તેના દવાદારૂ વિશે ખૂબ ઝીણી ઝીણી જાણકારી હોય છે. તેઓ પોતાના ઘરમાં જ જાતજાતનાં ઔષધો અને ટીકડીઓ રાખતા હોય છે. કોને ખબર ક્યારે કયા પ્રકારનાં ઔષધ કે ટીકડીની જરૂર પડે એવું તેઓ માનતા હોય છે. આ રોગના દર્દીઓ તેમના પાચનતંત્ર અને ઉત્સર્ગતંત્ર વિશે વધારે પડતા સભાન હોય છે. કેટલાક દર્દીઓ તો તેમની શૌચક્રિયાનો નિયમિત ચાર્ટ રાખે છે. તેમને આહાર, કબજિયાત અને વિરેચનો વિશે અદ્યતનમાં અદ્યતન માહિતી હોય છે. આ પ્રકારના મનોરોગમાં દર્દીની ફરિયાદો શારીરિક હોય છે પરંતુ તેનાં કારણો મનોવૈજ્ઞાનિક હોય છે. એની સાબિતી એ છે કે આ પ્રકારના દર્દીઓ પોતાને ભયંકર કે અસાધ્ય રોગ થયો છે તેવી વાત કરે છે, પરંતુ આવા રોગનો ખરેખર ભોગ બનેલ દર્દીમાં જેટલી ચિંતા કે ભય હોય તેવું કાંઈ તેમનામાં જોવા મળતું નથી. આવા દર્દીઓ ડૉક્ટરોની સતત મુલાકાતો લેતા રહે છે. જો ડૉક્ટર એમ કહે કે તેમને કોઈ જ શારીરિક બીમારી નથી તો તેઓ ડૉક્ટર બદલી કાઢે છે. જોકે એમ માની લેવાની જરૂર નથી કે આ દર્દીઓ ઢોંગી હોય છે. તેઓ પોતે અમુક શારીરિક બીમારીનો ભોગ બન્યા છે એવું પ્રામાણિકપણે અને નિષ્ઠાપૂર્વક માને છે અને તે રીતે જ વર્તે છે. તેમનામાં શારીરિક બીમારીનો ભ્રમ નહીં પણ ભીતિ હોય છે અને ભીતિના માર્યા જ તેઓ એના ઉપચાર માટેના ઉધામા કરે છે. તેમની ભીતિ અવાસ્તવિક અને અતાર્કિક છે એવી ખાતરી તેમને નામાંકિતમાં નામાંકિત ડૉક્ટર દ્વારા આપવામાં આવે તો પણ તેઓ એને સ્વીકારતા નથી.

માનસશાસ્ત્રીઓ માને છે કે કાલ્પનિક માંદગીના મનોરોગનાં મૂળ બાલ્યાવસ્થામાં પડેલાં હોય છે. જ્યારે કોઈ માંદું હોય છે ત્યારે તેના તરફ વિશેષ ધ્યાન અપાય છે, તેની વિશેષ કાળજી લેવાય છે. આવે વખતે તેને જવાબદારીમાંથી પણ મુક્ત કરવામાં આવે છે. સોંપેલું કોઈ કામ ન થાય તો પણ તેને માફ કરવામાં આવે છે. કાલ્પનિક માંદગીના મનોરોગીઓને જીવનની વાસ્તવિક ચિંતાઓમાંથી છૂટવું હોય છે એટલે અજ્ઞાત રીતે તેઓ માંદગીનો આશ્રય લે છે. શારીરિક માંદગી તેમના માટે ઢાલ બની જાય છે અને ઊલટાની તેમને સહાનુભૂતિ અને સહૃદયતા મળે છે. આ મનોવૈજ્ઞાનિક લાભ તેઓ સહેલાઈથી જતો કરવા માગતા નથી અને તેથી કાલ્પનિક તો કાલ્પનિક પણ માંદગીની ફરિયાદને વળગી રહે છે.

નટવરલાલ શાહ