કાળા માથાવાળી ઇયળ : નાળિયેરી ઉપરાંત ફૅન પામ, બૉટલ પામ, ખજૂરી, ખારેક, ફિશટેલ પામ તેમજ કેળ ઉપર નુકસાન કરતી પામેસી કુળની જીવાત. રોમપક્ષ (lepidoptera) શ્રેણીના ક્રિપ્ટોફેસિડી ફૂદીની આ ઇયળના શરીર ઉપર બદામી રંગનાં ત્રણ ટપકાં હોય છે. તેનું માથું મોટું અને કાળું હોવાથી તે ‘કાળા માથાવાળી ઇયળ’ તરીકે ઓળખાય છે. ફૂદીની પાંખો રાખોડી રંગની તેમજ આગળની પાંખોમાં કાળાં ટપકાં જોવા મળે છે. સામાન્ય રીતે માદા પોતાના જીવનક્રમ દરમિયાન 60થી 250 જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાં શરૂઆતમાં સફેદ હોય છે અને પાછળથી ગુલાબી બને છે. 5થી 7 દિવસના સેવનથી ઈંડાંમાંથી નીકળેલી ઇયળો આછા સફેદ રંગની હોય છે, જે પાછળથી રતાશ પડતી ભૂખરી બને છે. શરૂઆતની નાની ઇયળો પાનની નીચે નુકસાન થયેલા ભાગ પાસેથી ખાવાનું શરૂ કરે છે. તેનાં મુખાંગો મજબૂત થતાં પાનની નીચેના ભાગમાં નસની આજુબાજુ આવેલા લીલા ભાગને ખાય છે. પાન ખાતાં ખાતાં રેશમી તાંતણા અને હગાર વડે બુગદાં બનાવતી રહે છે. ઇયળો પાનનો લીલો ભાગ ખાતી હોવાથી તે ભાગ સુકાઈ જાય છે. સામાન્ય રીતે એક પર્ણિકા ઉપર 8થી 10 ઇયળો જોવા મળે છે. પરિણામે નાળિયેરીના વિકાસ પર માઠી અસર થાય છે અને તેના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. નુકસાનવાળી નાળિયેરીનાં પાંદડાં દાઝી ગયેલાં હોય તેવાં જણાય છે.
ઇયળ અવસ્થા 35થી 40 દિવસની હોય છે. આ અવસ્થા દરમિયાન તે પાંચ વખત કાંચળી ઉતાર્યા બાદ કોશેટામાં રૂપાંતર પામે છે. કોશેટાવસ્થા 10થી 12 દિવસની હોય છે. પુખ્ત એટલે કે ફૂદી અવસ્થા સાવ ટૂંકી 4થી 6 દિવસની હોય છે.
આ જીવાતથી વધતા નુકસાનને અટકાવવા ઇયળ સહિત ઉપદ્રવિત પાંદડાંને ઝાડમાંથી અલગ કરી બાળીને નાશ કરવામાં આવે છે. આઠેક જાતનાં પરજીવીઓ કાળા માથાવાળી ઇયળોનું ભક્ષણ કરે છે. આ જીવાતથી થતા નુકસાનને એન્ડ્રોસલ્ફાન (0.07 %) દવાના છંટકાવથી અટકાવી શકાય છે.
પી. એ. ભાલાણી
પરબતભાઈ ખી. બોરડ