કાળા બજાર : સરકારે અથવા સરકારના અધિકૃત સત્તામંડળે ચીજવસ્તુની બાંધેલી વેચાણકિંમત કરતાં ગેરકાયદેસર રીતે વધુ કિંમતે થતા વેચાણનું બજાર. ઘણુંખરું સામાન્ય જરૂરિયાતની વસ્તુની અછતમાંથી તે સર્જાય છે. ક્યારેક આવી વસ્તુનો પુરવઠો, એટલે કે તેનો જથ્થો ઓછો હોય અને તેની સરખામણીમાં તેની માગ વધારે હોય ત્યારે અથવા ક્યારેક તેનો પુરવઠો વેચનારાઓ/વેપારીઓ કૃત્રિમ રીતે ઘટાડીને તેની ‘અછત’ ઊભી કરી શકે તેવા સંજોગો હોય ત્યારે કાળું બજાર અસ્તિત્વમાં આવવાની સંભાવના ઊભી થાય છે. આ રીતે કાળા બજારનો ખ્યાલ વસ્તુની સાપેક્ષ અછતની સ્થિતિ સાથે સંકળાયેલો છે.

બજારનો ખ્યાલ હવે વસ્તુ, સેવા, ઉત્પાદનનાં સાધનો, નિવેશ (input) કે નાણાં પૂરતો જ સીમિત રહ્યો નથી, પરંતુ તે ઉપરાંત હવે અધિકારપત્ર-પરવાનાપત્ર જેવી બાબતો પણ વસ્તુની માફક બજાર ધરાવે છે. કોઈ પેઢી કે ઉદ્યોગ શરૂ કરવાનો અધિકારપત્ર, વસ્તુઓ આયાત કરવાનો પરવાનો, વિદેશી ચલણ ધરાવવાનો અને તેની લેવડદેવડ કરવાનો અધિકાર વગેરે આનાં ષ્ટાંત છે. આવાં અધિકારપત્રો કે પરવાનાની ફેરબદલી કે હસ્તાંતરણ કરવાનો કાયદામાં નિષેધ હોય છે. તેમ છતાં તેની તંગી હોવાથી તેના ધારકો જરૂરિયાતવાળા ગ્રાહકો પાસેથી ઊંચી કિંમત લઈ તેનું ગેરકાયદેસર રીતે હસ્તાંતરણ એટલે કે ‘વેચાણ’ કરતા હોય છે. આ રીતે પરવાના જેવી વસ્તુઓનું પણ કાળું બજાર અસ્તિત્વમાં આવે છે.

નીચેના જેવી પરિસ્થિતિમાં કાળું બજાર અસ્તિત્વમાં આવી શકે : (1) જેનાં કાળા બજાર થાય તે વસ્તુની માગ તીવ્ર હોય. જેની માગ મુલતવી રાખી શકાય તે વસ્તુનાં કાળાં બજાર ન થઈ શકે; (2) ખુલ્લા બજારમાં વસ્તુની માગ કરતાં પુરવઠો ઓછો હોય; (3) વસ્તુની વેચાણકિંમત સરકારે અથવા અન્ય અધિકૃત સત્તામંડળે નિર્ધારિત કરેલી હોય; (4) આવી રીતે નક્કી થયેલ વેચાણકિંમત કરતાં તેનું વેચાણ ઊંચી કિંમતે થતું હોય; (5) આવું ખરીદ-વેચાણ કાયદા દ્વારા નિષિદ્ધ ગણવાપાત્ર હોય; (6) વેચનાર અને ખરીદનાર વચ્ચે સાંઠગાંઠ હોય; (7) વસ્તુ વિનાશી ન હોય.

આ રીતે કાયદા દ્વારા સ્થાપિત કિંમત કરતાં ઊંચી કિંમતે વેચાણ કરવાથી વેચનારને જે વધારાની કમાણી થાય તે કાળું નાણું કે બિનહિસાબી કમાણી ગણાય. ભારતમાં સમાંતર અર્થતંત્ર સર્જવાની પ્રક્રિયામાં કાળા બજારે અગત્યનો ભાગ ભજવ્યો છે. સાથોસાથ એ કાળા બજારમાંથી સર્જાતી બધી જ આવક કાળા નાણામાં પરિણમે છે તે હકીકત હોવા છતાં બધી જ બિનહિસાબી કમાણી માત્ર કાળા બજારમાંથી ઉદ્ભવે છે એમ નથી. તેના સ્રોત વિવિધ અને વ્યાપક હોય છે. બીજું ઉત્પાદક અથવા વેચનાર પડતરકિંમતમાં વાજબી કરતાં વધારે નફો ઉમેરીને અછતનો ગેરલાભ લઈને ઊંચી વેચાણકિંમત આકારે તો તેને કાળા બજાર નહિ, પરંતુ નફાખોરી કહેવાય. દા.ત. બજારમાં ઇજારો ધરાવતો ઉત્પાદક અગાઉથી ખરીદીને હસ્તગત કરી શકાય તેવી વસ્તુઓનાં કાળાં બજાર સહેલાઈથી કરી શકે છે. સિનેમાની ટિકિટો, રેલવેમાં મુસાફરીનું આરક્ષણ, વિદેશી હૂંડિયામણ વગેરે બાબતોમાં આર્થિક લાભ લેવાના આશયથી અછતની પરિસ્થિતિ ઊભી કરીને કાળાં બજાર સર્જી શકાય છે, જે કાયદા દ્વારા નિષિદ્ધ છે.

હસમુખ લ. દવે