કાલ્દેરોં લા બાર્કા, પેદ્રો (જ. 17 જાન્યુઆરી 1600, માડ્રિડ; અ. 25 મે 1681, માડ્રિડ) : સ્પેનના મહાન નાટ્યકાર. પિતા ઉગ્ર સ્વભાવના અને સરમુખત્યારવાદી હતા. કૌટુંબિક સંબંધોની તંગદિલીની તેમના યુવાન માનસ પર ઘેરી અસર પડી હતી. તેમનાં ઘણાં નાટકોમાં કુટુંબજીવનની કૃત્રિમતાની માનસિક તથા નૈતિક અસરોની વાત આવ્યા
કરે છે. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી વિનયન, કાયદો, તત્વજ્ઞાન તથા ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો (1613-19). તેમની સર્જનપ્રવૃત્તિમાં માનવસ્વભાવ અને વર્તન વિશેનાં અવલોકનોની સામગ્રી ખાસ્સી ખપમાં આવી. 1623માં ફિલિપ ચોથાના દરબાર માટે નાટકો લખવાનો પ્રારંભ કર્યો. 1635માં લોપ દ વેગાનું અવસાન થયેથી, તે સ્પેનની રંગભૂમિના સ્વામી બની રહ્યા. 1636માં રાજાએ તેમને ‘નાઇટ’નો ખિતાબ આપ્યો. 1640માં કેટલોનિયાના બળવા પ્રસંગે લશ્કરમાં દાખલ થઈ યશસ્વી યુદ્ધસેવા બજાવી. 1642માં શારીરિક ક્ષતિ બદલ લશ્કરમાંથી ફારેગ કરાયા. પ્રેયસીના મૃત્યુના શોકના પરિણામે તે ધર્મોપદેશકનો મૂળ વ્યવસાય અપનાવવા પ્રેરાયા એવું પણ એક અનુમાન છે. 1651માં તે પાદરી તરીકે નિયુક્ત થયા અને પોતે હવે રંગભૂમિ માટે નાટકો લખશે નહીં એવો સંકલ્પ જાહેર કર્યો. જો કે રાજ-આજ્ઞા માથે ચઢાવીને રાજદરબારની રંગભૂમિ માટે નાટકો લખવાનું તેમણે ચાલુ રાખેલું. ધર્મોપદેશક તરીકેની કામગીરી નિમિત્તે 1653માં તોલેદો ગામમાં વસવાટ કર્યો. આ રીતે 10 વર્ષ કામગીરી બજાવ્યા પછી રાજદરબારમાંથી રંગભૂમિની કામગીરી સંભાળી લેવા પુન: તેડું આવ્યું અને તે પાછા માડ્રિડ આવ્યા. 1663માં રાજાના માનદ ધર્મોપદેશક તરીકે તેમની નિયુક્તિ થઈ. ત્યારથી માંડીને મૃત્યુપર્યંત તેમણે ચર્ચ, રાજદરબાર તથા લોકમંચ માટે નાટકો લખવાનું ચાલુ રાખ્યું.
રાજ્યાશ્રય તેમની નાટ્યકલાના વિકાસમાં અગત્યનું પરિબળ ગણાય છે. દરબારી નાટક લોકભોગ્ય નાટકના આધારે જ પાંગરીને વિકાસ પામ્યું છે. પ્રારંભિક તબક્કે એ બે નાટ્યપ્રકારોમાં વિષય અને શૈલીનો કોઈ ભેદ ન હતો. પરંતુ સ્પેનના નવા રાજમહેલમાં 1633માં વિશિષ્ટ નાટ્યગૃહનું નિર્માણ થવાથી ભપકાદાર નાટ્યપ્રયોગો રજૂ કરવાનું શક્ય બન્યું; જ્યારે લોકમંચનાં ટાંચાં સાધનો માટે એ શક્ય ન હતું. દેખીતી રીતે જ આ દરબારી નાટકોની શૈલીમાં નૃત્ય, સંગીત તથા ર્દશ્ય કલાઓનું સંમિશ્રણ થવાથી તે તદ્દન આલંકારિક બની ગઈ. એમાં વળી પ્રશિષ્ટ સાહિત્ય, પુરાણકથા, દંતકથા તેમજ પ્રાચીન ઇતિહાસના વિષયો આલેખાવાથી જિવાતા જીવન સાથે તેનું કોઈ સાતત્ય રહ્યું નહીં, પરંતુ એને પરિણામે સ્પેનમાં ઑપેરાનું જે નાટ્યસ્વરૂપ વિકાસ પામ્યું તેનો સઘળો યશ દરબારી નાટ્યકાર તરીકે કાલ્દેરોંના નામે નોંધાયો છે. ઑપેરાનું આ સ્પૅનિશ સ્વરૂપ zarzueza તરીકે ઓળખાય છે અને કાલ્ડ્રોન તેના આદ્ય સર્જક ગણાય છે.
તેમને યશ અપાવનાર બીજો નાટ્યપ્રકાર તે commedias નામે ઓળખાતી રચનાઓ. આ એક અત્યંત વ્યાપક સ્વરૂપનો નાટ્યપ્રકાર છે અને તેમાં તત્વજ્ઞાન, ધર્મ તથા પુરાણકથાને લગતા વિષયોની સાથોસાથ શિષ્ટાચાર સંબંધી કૉમેડીનો પણ સમાવેશ થાય છે. આવાં 118 જેટલાં સુલભ નાટકોમાં ‘ધ સર્જન ઑવ્ ઑનર’ (1635), ‘લાઇફ ઇઝ એ ડ્રીમ’ (1635) તથા ‘ધ ડૉટર ઑવ્ ધ એર’ (1635) જેવી કૃતિઓ અંગ્રેજી ભાષાંતર મારફત જાણીતી બની છે.
તેમના નામે ચડેલો ત્રીજો નાટ્યપ્રકાર તે autos sacramentales. કોર્પસ્ ક્રિસ્તીનો વાર્ષિક ધાર્મિક તહેવાર આખા સ્પેનમાં ઊજવાતો. આ પર્વની ઉજવણી માટે ખુલ્લામાં ભજવવા માટે તેમણે ખાસ લખેલી રૂપકશૈલીની એકાંકી રચનાઓ પણ ખૂબ લોકપ્રિય નીવડી છે. લગભગ 72 જેટલી આ રચનાઓમાં ખ્રિસ્તી ધર્મશ્રદ્ધાની ર્દષ્ટિએ તેમની ધાર્મિક વિચારસરણીની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ થઈ છે. આમાંથી ઉત્તરાવસ્થામાં લખાયેલી કૃતિઓમાં તેમની શ્રેષ્ઠ સિદ્ધિ જોવા મળે છે. આ autos sacramentales પૈકી ‘ધ મર્ચન્ટ્સ શિપ’ (1674), ‘ધ ન્યૂ હૉસ્પિટલ ફૉર ધ પુઅર’ (1675) અને ‘ધ ગ્રેટેસ્ટ ડે ઑવ્ ડેઝ’ (1676) જેવી રચનાઓ ગણનાપાત્ર લેખાઈ છે.
તેમના વિચારોનાં ગહનતા અને સાતત્ય, સૂઝપૂર્વકનું રચનાકૌશલ તથા કલાત્મક એકાગ્રતા, મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિસંપન્નતા તેમજ તેમનાં નૈતિક ધોરણોની તર્કસંગતતા અને તેમાંનો માનવતાવાદ જેવી લાક્ષણિકતાઓને કારણે વિશ્વનાટ્યસાહિત્યના મુખ્ય સર્જકોમાં કાલ્દેરોંની ગણના થાય છે.
મહેશ ચોકસી