કાલ્ડોર, નિકોલસ (જ. 1908, બુડાપેસ્ટ, હંગેરી; અ. 1986, લંડન) : અર્થશાસ્ત્રમાં કેમ્બ્રિજ વિચારધારા સાથે સંકળાયેલા અગ્રણી અર્થશાસ્ત્રી તથા કરવેરાના નિષ્ણાત. તેમણે 1930માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સ સંસ્થામાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી તથા 1930-47ના ગાળા દરમિયાન તે જ સંસ્થામાં અર્થશાસ્ત્ર વિષયનું અધ્યાપનકાર્ય કર્યું. દરમિયાન 1943-45ના બે વર્ષના ગાળામાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકોનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ સંસ્થામાં રિસર્ચ ઍસોસિયેટનું પદ પણ શોભાવ્યું. 1947માં તેમની નિમણૂક ઇકોનૉમિક કમિશન ફૉર યુરોપ ખાતે ઇકોનૉમિક અને પ્લાનિંગ ડિવિઝનના નિયામકના પદ પર થઈ, જ્યાં તેમણે 1949 સુધી કામ કર્યું. 1951-55ના ગાળા દરમિયાન તેઓ ઇંગ્લૅન્ડના રૉયલ કમિશન ઑન ટૅક્સેશન ઑવ્ પ્રૉફિટ્સ ઍન્ડ ઇન્કમના સભ્ય હતા. 1952માં તેઓ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના રીડર તરીકે જોડાયા, જ્યાં 1966માં તેમને પ્રોફેસરના પદ પર બઢતી મળી. 1964-68ના ગાળા દરમિયાન અને ફરી વાર 1974-76 દરમિયાન તેમણે ઇંગ્લૅન્ડના નાણા-મંત્રાલયના કરવેરાવિષયક વિભાગના સલાહકાર તરીકે કામગીરી કરી હતી. સરકારના નાણાવિભાગના સલાહકાર તરીકે તેમણે લાંબા ગાળાના મૂડીલાભ-કરની તથા પસંદગીયુક્ત રોજગાર-કરની તરફેણ કરી હતી. ઉપરાંત, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં તેમણે વળતરના સિદ્ધાંતનો ખ્યાલ રજૂ કર્યો હતો, જે અર્થશાસ્ત્રમાં તેમનું મહત્વનું પ્રદાન ગણાય છે.

ભારતને આઝાદી મળ્યા પછી ભારતીય તત્કાલીન કરવ્યવસ્થાની સર્વગ્રાહી તપાસ કરી કેન્દ્ર સરકારને તેમાં સુધારાવધારા કરવાની દિશામાં જરૂરી સલાહસૂચન કરવા માટે વીસમી સદીના છઠ્ઠા દાયકામાં જે સર્વપ્રથમ કરવેરા-પંચની સ્થાપના થઈ હતી તેના વડા તરીકે કાલ્ડોરને ભારત આવવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તેમણે કરેલ તપાસના અંતે તેમણે જે અહેવાલ રજૂ કર્યો હતો તેને ‘કાલ્ડોર અહેવાલ’ તરીકે ઓળખવામાં આવે છે. આ અહેવાલ દ્વારા તેમણે ભારતમાં ખર્ચવેરો (expenditure tax) દાખલ કરવાની ભલામણ કરી હતી, જે ભારત સરકારે સ્વીકારી હતી. આમ ભારતમાં સૌપ્રથમ વાર ખર્ચવેરો દાખલ કરાવવાનો જશ નિકોલસ કાલ્ડોરના ફાળે જાય છે.

તેમણે વિપુલ ગ્રંથરચના કરી છે : (1) લૉર્ડ બીવરીઝ દ્વારા લખેલા ગ્રંથ ‘ફુલ એમ્પ્લૉયમેન્ટ ઇન અ ફ્રી સોસાયટી’ના પરિશિષ્ટ રૂપે કાલ્ડોરે લખેલ તે શીર્ષક હેઠળની (‘ધ ક્વૉન્ટિટેટિવ આસ્પેક્ટસ ઑવ્ ધ ફુલ એમ્પ્લૉયમેન્ટ પ્રૉબ્લેમ ઇન બ્રિટન’) પુરવણી (1944); (2) ‘એસેઝ ઇન ઇકોનૉમિક પૉલિસી’ (1964); ‘ઍન એક્સ્પેન્ડિચર ટૅક્સ’ (1955); (3) ‘એસેઝ ઑન્ ઇકોનૉમિક સ્ટૅબિલિટી ઍન્ડ ગ્રોથ’ (1960); (4) ‘એસેઝ ઑન્ વૅલ્યૂ ઍન્ડ ડિસ્ટ્રિબ્યૂશન’ (1960); (5) ‘કૅપિટલ ઍક્યુમ્યુલેશન ઍન્ડ ઇકોનૉમિક ગ્રોથ’ (1961); (6) ‘કૉઝિસ ઑવ્ ધ સ્લો રેટ ઑવ્ ગ્રોથ ઑવ્ ધ યુ.કે.’ (1966); (7) ‘કન્ફ્લિક્ટ્સ ઇન પૉલિસી ઑબ્જેક્ટિવ્ઝ’ (1971); (8) ‘કલેક્ટેડ ઇકોનૉમિક એસેઝ’ (1978) તથા (9) ‘ઇકોનૉમિક્સ વિધાઉટ ઇક્વિલિબ્રિયમ : ધ ઓકુન મેમોરિયલ લેક્ચર્સ’ (1985).

બાળકૃષ્ણ માધવરાવ મૂળે