કાલીબંગા : રાજસ્થાનમાં 29.25 ઉત્તર અક્ષાંશથી 74-05′ પૂર્વ રેખાંશે શુષ્ક ઘગ્ઘર (વૈદિક સરસ્વતી ?) નદીના દક્ષિણકાંઠે આવેલો 150 x 120 x 10 મીટરનો (1) પ્રાક્ અને અર્ધહડપ્પીય તથા (2) આરૂઢ હડપ્પીય સંસ્કૃતિદર્શક ટીંબો. ભારતીય પુરાવસ્તુવિદ્યા સર્વેક્ષણ દ્વારા 1961-1969માં ઉત્ખનિત.
પ્રાક્, અર્ધહડપ્પીય કાળ : ઈ.પૂ. 2900થી ઈ.પૂ. 2700. 240 x 250 x 170થી વધારે મીટરની ઉત્તરે દરવાજાયુક્ત, કાચી ઈંટોના કોટવાળી વસાહત. કાચી ઈંટોનાં મકાનોમાં ચોક, રસોડું, કોઠાર રહેતાં. પાકી ઈંટો પણ વપરાતી. લોકો ખેતી, પશુપાલન તથા શિકાર કરતા. ખેતરના પુરાવાની હસ્તી છે. માંસાહાર થતો, માટીનાં પકવેલાં, દ્વિરંગી, તળિયે કાંઠા અને પડધીયુક્ત ઉત્કીર્ણ કરાયેલાં વાસણોનો ધરતીકંપથી નાશ. આરૂઢ હડપ્પીયકાળ – ઈ. પૂર્વે 2500થી ઈ. પૂર્વે 2000. આરૂઢ હડપ્પીય બધા જ પુરાવાની હાજરી. 240 x 120 x 3થી 7 મીટરનો, મધ્યમાંથી ઉત્તર-દક્ષિણે વહેંચાયેલો સંરક્ષણ કિલ્લો. દક્ષિણ ભાગમાં અગ્નિસ્થળો. તે મંદિર હોવાનું અનુમાન છે. ઉત્તરભાગે પૂજારીઓનો વસવાટ જણાય છે. ઉત્તર-પૂર્વે 360 x 240 મીટરના કાચી ઈંટોના કોટવાળા શહેરને ઉત્તર-પૂર્વે નદી, અને કિલ્લા તરફ દરવાજા તથા અંદર એકબીજાને કાટખૂણે કાપતા રસ્તા છે. કાચી ઈંટોનાં મકાનોમાં અગ્નિસ્થળો. ઘઉં, જવની ખેતી, વ્યાપાર-વાણિજ્ય વ્યવસાયો. તાંબાનાં ઓજારો, હથિયારો મળ્યાં છે. કાંસું બનાવાતું, સિંધુ લિપિનો ઉપયોગ. હડપ્પીય શબનિકાલ પ્રથા, બન્ને કાળના સહવસવાટના પુરાવા મળ્યા છે. ગુજરાત, ઉત્તર-પશ્ચિમ ભારતમાં બન્ને સંસ્કૃતિઓની અમુક પ્રથાઓ આજે પણ ચાલુ રહી છે. સંભવ છે કે ઘગ્ઘર સુકાઈ જવાથી અહીં વસતા લોકો ગંગા-યમુના-દોઆબમાં ગયા હોય.
સુમનબહેન પંડ્યા