કાલીપટનમ્ રામારાવ (જ. 1924, મુરપકા, આંધ્ર પ્રદેશ) : આંધ્ર પ્રદેશના જાણીતા વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘યજ્ઞમ્ તો તોમ્મિદી’ માટે 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

રામારાવ કાલીપટનમ્

તેઓ વિશાખાપટ્ટનમ્ની એક શાળામાં 30 કરતાં વધુ વર્ષોથી અધ્યાપનકાર્ય કરી રહ્યા છે.

તેમની પ્રથમ વાર્તા ‘પ્લૅટફૉર્મ’ 1943માં પ્રગટ થઈ. અત્યાર સુધીમાં તેમના 4 વાર્તાસંગ્રહો અને 2 લઘુનવલો પ્રગટ થયાં છે. તેમણે ત્રણ કથાસંગ્રહો અને એક નિબંધસંગ્રહનું સંપાદન કર્યું છે. તેમની મુખ્ય કૃતિ ‘યજ્ઞમ્’નો અનુવાદ અન્ય પ્રાદેશિક ભાષાઓમાં કરવામાં આવ્યો છે. પાછળથી તેના પરથી એક ફીચર ફિલ્મનું નિર્માણ કરાયેલું, જેને 1991માં આંધ્ર પ્રદેશ ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમને આંધ્ર પ્રદેશ સાહિત્ય અકાદમી પુરસ્કાર, ગોપીચંદ પુરસ્કાર તથા કોંડેપુડી એસ. રાવ પુરસ્કાર મળ્યા છે.

તેમનો પુરસ્કૃત વાર્તાસંગ્રહ ‘યજ્ઞમ્ તો તોમ્મિદી’નું વિષયવસ્તુ રોજેરોજના જીવનની ઘટનાઓ પર આધારિત છે, જે માનવીય સંવેદનશીલતાનાં વિવિધ પરિમાણો તપાસે છે. સામાજિક પ્રતિબદ્ધતાની સાચી સૂઝ, વ્યંગ્યનો અસરકારક ઉપયોગ તથા દલિતો માટેની ઊંડી સહાનુભૂતિને કારણે આ કૃતિ ભારતીય વાર્તાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન પામે તેમ છે.

બળદેવભાઈ કનીજિયા