કાલીગુલા (જ. 31 ઑગસ્ટ 12, એન્ટિયમ, ઇટાલી; અ. 24 જાન્યુઆરી 41, રોમ) : તરંગી અને આપખુદ રોમન સમ્રાટ. તે સમ્રાટ ઑગસ્ટસનો પ્રપૌત્ર અને જર્મેનિક્સ તથા એગ્રીપીના ધ એલ્ડરનો પુત્ર હતો. તેનું નામ ગેયસ સીઝર હતું. બાળક હતો ત્યારે તે લશ્કરી બૂટ પહેરતો, તેથી તેના પિતાના સૈનિકો તેને ‘કાલીગુલા’ (Little Boot) કહેતા. તે વીસ વર્ષનો થયો ત્યારે રોમન સમ્રાટ ટાઇબેરિયસે તેને દત્તક લીધો. ઈ.સ. 37માં ટાઇબેરિયસ મરણ પામ્યો ત્યારે કાલીગુલા સમ્રાટ બન્યો. શરૂમાં કાલીગુલા લોકપ્રિય હતો, પરન્તુ થોડા સમયમાં ખબર પડી કે તે મૂર્ખ (કે ગાંડો) હતો. તેણે નકામી યોજનાઓ માટે ઘણું ખર્ચ કર્યું; અનેક લોકોને મારી નંખાવ્યા અને અનેકને દેશનિકાલ કર્યા. તે પોતે દેવ હોવાનો દાવો કરતો અને જેરૂસલેમના યહૂદી મંદિરમાં તેની મૂર્તિ સ્થાપવાનો હુકમ કર્યો. તેણે દાવો કર્યો કે તેણે બ્રિટિશ અને જર્મનોને હરાવ્યા હતા, પરન્તુ વાસ્તવમાં તેમની સામે તે લડ્યો ન હતો. તેણે રોમન દેવતા નેપ્ચૂન(સાગર કે વરુણ)ને હરાવ્યા હતા એમ પણ કહેતો હતો. તેણે રોમન સેનેટના સભ્યોને મારી નાખવાની ધમકી આપી. લશ્કરના અધિકારીઓનું અપમાન કર્યા બાદ તેની હત્યા થઈ હતી.
પ્રવીણચંદ્ર પરીખ
મુગટલાલ પોપટલાલ બાવીસી