કાલી : દેવીનું ભયાવહ અને ઉગ્ર રૂપ. મંદિરમાં કાલીની પ્રતિમાની એક ભુજામાં ખડ્ગ, બીજામાં દૈત્યનું મસ્તક, ત્રીજામાં વરદ મુદ્રા અને ચોથામાં અભય મુદ્રા હોય છે. એના બન્ને કાનમાં મૃતકનાં કુંડળ, ગળામાં મુંડમાળા, જીભ હડપચી સુધી બહાર લટકતી, કમરમાં દૈત્યના અનેક હાથનો બનેલો કંદોરો હોય છે. કેશ છૂટા અને પગની પાની સુધી લટકતા હોય છે. યુદ્ધમાં પરાજિત કરેલા દાનવોનું એ રક્તપાન કરે છે. એનો એક ચરણ પતિ શિવની છાતી ઉપર અને બીજો જંઘા ઉપર હોય છે. એનું પૂજન ખડ્ગના અર્ચનથી શરૂ થાય છે. એને કબૂતર, બકરાં, પાડા વગેરેનો બલિ અપાય છે. પરંતુ હવે ઘણાં સ્થાનોએ તે પ્રથા બંધ કરવામાં આવી છે.

કાલી (એક પારંપારિક રેખાંકન)

ત્રિપુરા અને ચટગાંવમાં કાલીની પ્રતિમા હોતી નથી; ત્યાં માટીના એક ગોળાકાર પિંડનું સ્થાપન કરવામાં આવે છે. કોલકાતામાં આવેલા કાલીના મંદિરમાં રામકૃષ્ણ પરમહંસે કાલીનો સાક્ષાત્કાર કરેલો.

કાલીના ભદ્ર કે સૌમ્ય રૂપને ભદ્રકાલી કહે છે. કાલીને આવા સૌમ્ય અને ઉદાર રૂપમાં જીવમાત્રની માતા અને અન્નપૂર્ણા માનવામાં આવે છે. એની પૂજા ફળ-ફૂલ, દૂધ અને વનસ્પતિજન્ય પદાર્થોથી થાય છે. એની પૂજામાં પશુબલિ નિષિદ્ધ છે. ભદ્રકાલીને સોળ હાથી છે એમ કાલિકાપુરાણમાં છે. માતા પાર્વતી રાક્ષસ શુંભ પર ગુસ્સે થયા તેથી તેમનું મુખ શાહી જેવું કાળું થવાથી તેઓ કાલી તરીકે ઓળખાયા એમ ‘માર્કન્ડેય પુરાણ’ની ‘સપ્તશતી’ કહે છે. અંબિકા પાર્વતીનું એક સ્વરૂપ કાલી દેવી છે.

શિયાળવીની લાળીને શાક્તો માંગલિક માને છે.

ઉ. જ. સાડેસરા