કાલાવડ : સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના દસ પૈકીનો એક તાલુકો અને તે જ નામનું તાલુકામથક. તાલુકાનું ક્ષેત્રફળ 12,445 ચોકિમી. કાલાવડ 22o 10′ ઉ. અ. અને 70o 20′ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકામાં એક શહેર અને 106 ગામ આવેલાં છે. તાલુકાની ઉત્તરે જામનગર અને ધ્રોળ તાલુકા, પૂર્વે અને દક્ષિણે રાજકોટ જિલ્લો અને પશ્ચિમે લાલપુર અને જામજોધપુર તાલુકા આવેલા છે. આ તાલુકો સમુદ્રથી 48થી 72 કિમી. દૂર છે. ઉનાળામાં માર્ચ પછી જુલાઈ સુધી સરેરાશ દૈનિક તાપમાન 36.3o સે.થી 40o સે. જ્યારે શિયાળામાં વધુમાં વધુ તાપમાન 26o સે. હોય છે. વરસાદ અનિયમિત છે. સરેરાશ વરસાદ 450થી 500 મિમી. પડે છે. મુખ્ય પાક બાજરી, જુવાર, મગફળી, ઘઉં અને કપાસ છે. ફુલઝર અને લાલમડીનાં તળાવો સિંચાઈ માટે છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. કાલાવડ તાલુકાનું મથક હોઈ અહીં સરકારી કચેરીઓ, માધ્યમિક શાળા, પ્રાથમિક શાળાઓ, આરોગ્યકેન્દ્ર વગેરે છે.

અહીં કેટલાંક પ્રાચીન મંદિરો છે જે પૈકી કોટેશ્વરનું મંદિર સુત્રાપાડા પહેલાનું બારમી કે તેરમી સદીનું છે. તેનાં ગર્ભગૃહ અને મુખમંડપ સમચોરસ ઘાટનાં છે. મંડપ નાશ પામ્યો છે પણ ગર્ભગૃહની દીવાલ ઉપર તથા પટ્ટિકામાં પદ્મ, કુમુદ, સૂર્ય, કપોત વગેરેનું હારબંધ આલેખન છે. બ્રહ્મચારેશ્વરનું મંદિર સંવત 1682માં ઉપાધ્યાય દામા અને તેના પુત્રે બંધાવ્યું હતું. વાંકલ માતાનું ત્રણસો વરસ જૂનું મંદિર સદાશિવ વોરાએ બંધાવ્યું હતું. 1876માં વીરજી વોરા અને તેના કુટુંબે મહાદેવનું મંદિર બંધાવેલ છે. આ ઉપરાંત શીતળા માતા તથા ધીંગેશ્વરનાં મંદિરો જોવાલાયક છે. શીતળાના સ્થાનકને કારણે ગામ ‘કાલાવાડ-શીતળા’ તરીકે ઓળખાય છે. પ્રાચીન કાળમાં કાલાવાડ પથક તરીકે જાણીતું હતું. વલભીકાલીન મૈત્રક છ દાનશાસનોમાં તેનો ઉલ્લેખ મળે છે. તેમાં ડભક, ભસન્ત, શર્કરાપદ્ર, પદ્મવટિક (કે બંગવટિક) જંબુવાનક અને કક્કપદ્ર નામે ગામો જણાવેલાં છે. પુરાતત્વવિદ્ ભગવાનલાલ ઇન્દ્રજીએ કાલાપક એ વર્તમાન કાલાવડ છે એમ સૂચવ્યું છે. આમ આ ઉલ્લેખો તેની પ્રાચીનતા સૂચવે છે. ઢાંકનો વાળા – રજપૂત રાજકુમાર કાઠી કન્યાને પરણેલા. વાળા કાઠીની ઉત્પત્તિ એ રીતે થઈ. ગામનો દસ કોઠાવાળો કિલ્લો જોવાલાયક છે. ગામનું વર્ણન કોઈ કવિએ આ પ્રમાણે કરેલ છે :

દશ કોઠા, છ બારીઓ, બે દરવાજા જોય;

પાદર મોટી શીતળા, તે કાલાવડ હોય.

જામ વિભાજીને આ ગામ જામ સતાજીએ (ઈ.સ. 1569-1608) ગરાસમાં આપ્યું હતું. અહીં ભાદરવાની અમાસને દિવસે ધીંગેશ્વર મહાદેવના સ્થાનકે મેળો ભરાય છે.

શિવપ્રસાદ રાજગોર

પ્રવીણચંદ્ર પરીખ